Weather Update : ઉત્તર પ્રદેશથી લઈને રાજસ્થાન સુધી વરસાદની આગાહી, ઉત્તરાખંડ અને હિમાચલમાં થશે બરફ વર્ષા

📅 Published: October 24, 2026 | 📂 Category: India National

ભારતીય હવામાન વિભાગ (IMD) ના પૂર્વાનુમાન અનુસાર આજે દેશના વિવિધ ભાગોમાં વરસાદ, ગાજવીજ અને તેજ પવન સાથે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સક્રિય હવામાન પ્રણાલીને કારણે આગામી દિવસોમાં દક્ષિણ અને પૂર્વ ભારતના વિસ્તારોમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધી શકે છે. જ્યારે ઉત્તર ભારતના મેદાની વિસ્તારો પવન અને વરસાદનો સામનો કરી રહ્યા છે, બીજી તરફ પહાડી રાજ્યો જેવા કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા  શરૂ થવાની પ્રબળ શક્યતા છે.

દિલ્હી-NCR માં કેવું રહેશે હવામાન અને પ્રદૂષણની સ્થિતિ?

દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં (NCR) આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, દિલ્હી, હરિયાણા, ચંડીગઢ અને પંજાબના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.જોકે, દિલ્હીમાં હવામાન બદલાવાની સાથે જ હવાની ગુણવત્તાનો મુદ્દો પણ ગંભીર બની રહ્યો છે, જેથી સ્થાનિક લોકોને હેલ્થ અને એર ક્વોલિટી અપડેટ્સ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં કરા પડવાની આશંકા

યુપીમાં સવાર-સાંજ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદ અને કેટલાક સ્થળોએ કરા પડવાની પણ સંભાવના છે. ત્યારે બીજી બાજુ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરને લીધે રાજસ્થાનમાં વાદળછાયું વાતાવરણ અને તેજ પવન ફૂંકાશે. જ્યારે મધ્ય પ્રદેશમાં વરસાદની શક્યતા ઓછી છે પરંતુ આગામી દિવસોમાં તાપમાનમાં મોટો ઘટાડો નોંધાશે.

દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 24 થી 25 ઓક્ટોબર દરમિયાન અત્યંત ભારે વરસાદ પડી શકે છે. કેરળ અને માહેમાં પણ આગામી બે દિવસ ભારે વરસાદની આશંકા છે.લક્ષદ્વીપ અને કર્ણાટકના ભાગોમાં વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં 27 ઓક્ટોબરે મુસળધાર વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે

ઓડિશા પર વાવાઝોડા અને વરસાદનું સંકટ

બંગાળની ખાડીની સિસ્ટમને કારણે ઓડિશામાં આગામી દિવસોમાં આફત આવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૭, ૨૮ અને ૨૯ ઓક્ટોબર દરમિયાન ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. માછીમારોને દરિયો ન ખેડવા અને કિનારાના લોકોને સત્તાવાર તંત્રની સૂચનાઓનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.

પ્રવાસીઓ સાવધાન: પહાડોમાં હિમવર્ષાની શરૂઆત

હિમાલયન વિસ્તારોમાં ફરવા જતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના ઊંચા પહાડો પર આજે અને આવતીકાલે હળવો વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. પહાડી વિસ્તારોમાં જતા પહેલા સ્થાનિક રસ્તાઓની સ્થિતિ અને વહીવટીતંત્રની ગાઈડલાઈન ચોક્કસ તપાસી લેવી.

આ પણ વાંચો – Sandesh Digital Explainer આ વખતે ઠંડી ઓછી પડશે? અલ નીનોના સંકેતોએ વધારી ઉત્સુકતા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *