સરકારી વીજ કંપનીના જોડાણ ધરાવતા સામાન્ય ગ્રાહકો માટે ચિંતાજનક સમાચાર છે, જુલાઈ 2026થી લાગુ કરાયેલા નવા ફ્યુઅલ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ ચાર્જ દર મુજબ હવે વીજળીના બિલમાં યુનિટદીઠ રૂ.2.45નો બેઝ ચાર્જ અને તેના ઉપરાંત 3.99%નો વેરિએબલ સરચાર્જ લાગુ કરવામાં આવ્યો છે.અગાઉ એપ્રિલથી જૂન દરમિયાન બેઝ ચાર્જ રૂ.2.30 પ્રતિ યુનિટ હતો અને વેરિએબલ સરચાર્જ શૂન્ય હતો.એટલે ગ્રાહકો પર એકસાથે બે પ્રકારનો વધારાનો બોજ આવ્યો છે.સતત મોંઘવારીથી પીસાઈ રહેલી જનતાને ભાજપ સરકારે વધુ એક ઝટકો આપ્યો છે તેમ ગુજરાત કોંગ્રેસે જણાવ્યું છે.
કોલસાથી વીજળી બને છે તો બંન્નેનો હિસાબ ક્યાં છે?
કોંગ્રેસે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે,3.99%નો સરચાર્જ શા માટે? વીજળીના ઉત્પાદન અને ખરીદીના ખર્ચમાં ખરેખર કેટલો વધારો થયો છે? સરકાર અને વીજ કંપનીઓ તેનો સ્પષ્ટ હિસાબ જાહેર કરશે? કોલસાથી વીજળી બને છે તો બંન્નેનો હિસાબ ક્યાં છે?કોલસા ઉપરાંત ગેસ,અન્ય વીજ સ્ત્રોતો અને વીજ ખરીદીના ખર્ચમાં થતા ફેરફારોને ધ્યાનમાં લઈને FPPAS નક્કી થાય છે.ગ્રાહકોને ખર્ચનો પારદર્શક હિસાબ કેમ ન આપવામાં આવે?આ વધારો સપ્ટેમ્બર મહિનાના વીજ બિલથી લાગુ થશે.તેની ગણતરી 1 જુલાઈથી કરવામાં આવનાર હોવાથી જુલાઈ અને ઓગસ્ટ મહિનાના બિલમાં થયેલા તફાવતની રકમ પણ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે.
વીજ ગ્રાહકોને આ વધારાની અસર થશે
ખેતીવાડી વીજ જોડાણોને બાદ કરતાં રહેણાંક મકાનો,દુકાનો,ઓફિસો અને કારખાનાઓ સહિતના વીજ ગ્રાહકોને આ વધારાની અસર થશે.ઊર્જા ચાર્જ અને સરચાર્જ બંનેનો બોજ કેમ? ગ્રાહકો પાસેથી યુનિટદીઠ રૂ.2.45નો FPPAS ચાર્જ વસૂલાતો હોય અને તેના ઉપર 3.99%નો વધારાનો ચાર્જ પણ લાંગતો હોય, તો તેની ગણતરી બિલમાં સ્પષ્ટ દેખાવી જોઈએ.ફિક્સ ચાર્જ પર પણ વધારાની અસર કેમ? લાગુ પડતા નિયમો મુજબ 3.99%ની ગણતરીમાં ઊર્જા ચાર્જ,બેઝ FPPAS અને ફિક્સ/ડિમાન્ડ ચાર્જનો સમાવેશ થાય છે.
અન્ય ચાર્જ પર પણ તેની અસર થઈ શકે છે
ગ્રાહકે વાપરેલી વીજળીના ખર્ચ ઉપરાંત અન્ય ચાર્જ પર પણ તેની અસર થઈ શકે છે. નવા દરો 1 જુલાઈ 2026થી લાગુ થયા હોવાથી અગાઉના મહિનાઓના બાકી તફાવતની અસર પણ પછીના બિલમાં દેખાઈ શકે છે.સૌથી મોટો સવાલ એ છે કે વીજળીના વધતા ખર્ચનો બોજ સામાન્ય મધ્યમવર્ગીય અને ગરીબ પરિવાર પર જ કેમ પડે? સરકાર અને વીજ કંપનીઓએ દર વધારાના કારણો, ગણતરીની પદ્ધતિ અને ગ્રાહકો પર પડતી અસર અંગે જાહેરમાં સ્પષ્ટતા કરવી જોઈએ. માત્ર બિલ ભરવા માટે નથી,તેને હિસાબ માંગવાનો પણ અધિકાર હોવાનું વિપક્ષે જણાવ્યું છે.
