અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ ફરીથી સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે શુક્રવારે ફ્લોરિડામાં એક રેલી દરમિયાન કહ્યું, ‘અમે વધુ એક નાનું ઓપરેશન એપિક ફ્યુરી કરી શકીએ છીએ.’ અમેરિકી સૈન્યએ 28 ફેબ્રુઆરીએ ઈરાન વિરુદ્ધ શરૂ થયેલા યુદ્ધને ‘એપિક ફ્યુરી’ નામ આપ્યું હતું. જોકે, ટ્રમ્પે ફરીથી સૈન્ય કાર્યવાહી ક્યારે અથવા કયા પ્રકારની હશે તે અંગે કોઈ માહિતી આપી નથી. બીજી તરફ, ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઈઝરાયલે ફરીથી હુમલો કર્યો તો તે ખાડી દેશોમાં સમુદ્રની નીચે બિછાવવામાં આવેલી ઇન્ટરનેટ કેબલોને નિશાન બનાવશે. તેનાથી ઇન્ટરનેટ સેવાઓ, બેન્કિંગ અને ઑનલાઇન વ્યવસાય પર અસર પડી શકે છે. ટ્રમ્પ બોલ્યા- યુદ્ધ જલદી સમાપ્ત કરી શકીએ છીએ આ પહેલાં ટ્રમ્પે વ્હાઇટ હાઉસની બહાર પત્રકારોને કહ્યું, અમે આ યુદ્ધને ખૂબ જલદી સમાપ્ત કરી શકીએ છીએ. સવાલ એ છે કે શું અમે તેને સંપૂર્ણપણે સમાપ્ત કરવા માગીએ છીએ કે પછી તેને ધીમે-ધીમે નબળું પડવા દેવા માગીએ છીએ. ટ્રમ્પે એમ પણ કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલની અવરજવર ચાલુ છે. આ દરિયાઈ માર્ગ દુનિયામાં તેલના પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, ‘અમને જે જોઈએ છે તે બધું મળી રહ્યું છે.’ ટ્રમ્પે કહ્યું હતું- અમે મિડટર્મ ચૂંટણી પહેલાં હુમલો નહીં કરીએ ટ્રમ્પ યુદ્ધ સમાપ્ત કરવાની સમયમર્યાદા અંગે અગાઉ પણ અલગ-અલગ નિવેદનો આપી ચૂક્યા છે. ઑક્ટોબરની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે અમેરિકા 3 નવેમ્બરે યોજાનારી મિડટર્મ ચૂંટણી પહેલાં ઈરાન પર હુમલો નહીં કરે. આ ચૂંટણીઓથી નક્કી થશે કે અમેરિકી સંસદના બંને ગૃહોમાં કઈ પાર્ટીનું નિયંત્રણ રહેશે. ધ ન્યૂયોર્ક ટાઇમ્સે 21 ઑક્ટોબરે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે અમેરિકી અને ઇઝરાયલી સેનાઓએ મિડટર્મ ચૂંટણી બાદ ઈરાન પર ફરીથી હુમલો કરવાની યોજના બનાવી છે. અમેરિકી અધિકારીઓને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું કે નિશાન બનાવવામાં આવી શકે તેવા સ્થળોમાં ઈરાનના ઊર્જા મથકો, પરમાણુ કેન્દ્રો અને મિસાઇલ-ડ્રોનનો ભંડાર સામેલ છે. ફ્રાન્સ અને તુર્કિયેએ નવા હુમલા સામે ચેતવણી આપી ઈરાન પર ફરીથી સૈન્ય કાર્યવાહી થવાની આશંકા વચ્ચે અનેક દેશોના વિદેશ મંત્રીઓએ શુક્રવારે ચેતવણી આપી કે તેનાથી યુદ્ધ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ શકે છે અને આર્થિક નુકસાન વધી શકે છે. ઈરાને કેબલ કાપવાની યોજના બનાવી ઈરાનના બે વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓએ રોયટર્સને જણાવ્યું કે અમેરિકા અને ઇઝરાયલના નવા હુમલાની સ્થિતિમાં સમુદ્રની નીચે પાથરવામાં આવેલી સંચાર કેબલને નિશાન બનાવવાની યોજના છે. જોકે, તેમણે એ જણાવ્યું નથી કે કેબલ પર હુમલો ક્યાં અને કેવી રીતે કરવામાં આવશે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઈરાન કેબલ કાપવા ઉપરાંત તેની મરામતમાં પણ વિક્ષેપ પાડી શકે છે. તેનાથી ઇન્ટરનેટ અને અન્ય સંચાર સેવાઓ લાંબા સમય સુધી પ્રભાવિત થઈ શકે છે. ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)ના રાજકીય બાબતોના ઉપપ્રમુખ યદુલ્લાહ જવાદીએ બુધવારે કહ્યું હતું કે ઈરાનના માળખાગત સુવિધાઓ પર હુમલો કરવામાં આવે તો તે હોર્મુઝની નીચેથી પસાર થતી સાત મુખ્ય ઇન્ટરનેટ કેબલોને નિશાન બનાવી શકે છે. ઈરાની અધિકારી મોહસિન રઝાઈએ પણ ખાડી વિસ્તારમાં અમેરિકા સાથે જોડાયેલા ડેટા સેન્ટરો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સુવિધાઓ પર હુમલાની ચેતવણી આપી છે. ઇન્ટરનેટ કેબલ કપાઈ જવાથી શું થશે?
ટ્રમ્પની ઈરાન સામે યુદ્ધની ખુલ્લી ધમકી:કહ્યું- ફરી મિલિટરી ઓપરેશન 'એપિક ફ્યુરી' શરૂ થશે, સામે ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
📅 Published: October 24, 2026 |
📂 Category: International
