દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાંથી એક અત્યંત કાળજું કંપાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. ભણતર અને પરીક્ષાના અતિશય માનસિક તણાવમાં આવીને એક સગીર વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાને પગલે વિદ્યાર્થીના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરતા હિરેન રાણંગાએ ગટગટાવી હતી ઝેરી દવા
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક વિદ્યાર્થીની ઓળખ હિરેન રાણંગા તરીકે થઈ છે, જે ધોરણ-11 કોમર્સ માં અભ્યાસ કરતો હતો. આગામી સમયમાં આવી રહેલી પરીક્ષાઓના તણાવ અને ડરના કારણે તેણે ઘરગથ્થુ કે ખેતી કામમાં વપરાતી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબોની તમામ મથામણ છતાં સારવાર દરમિયાન જ હિરેનનું કરુણ મોત નીપજ્યું હતું.
ખંભાળિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
એક માસૂમ અને તેજસ્વી પુત્રના આકસ્મિક અવસાનથી પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ખંભાળિયા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે. આ સાથે જ વિદ્યાર્થીને પરીક્ષાનો ચોક્કસ કયો ડર હતો તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Panchmahalના ઘોઘંબામાં ભારે રોષ, વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી જતાં ગામમાં સજ્જડ બંધનું એલાન
