મોરબીમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને દારૂના વેચાણ સામે પોલીસ દ્વારા સકંજા વધુ કડક કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ મોરબી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે તળાવિયા શનાળા રોડથી પીપળી જવાના રસ્તે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક ઈકો કારને રોકીને તલાશી લેવામાં આવતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
રૂ. 1.94 લાખના દારૂ સાથે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે કાનો ઝડપાયો
પોલીસે હાથ ધરેલી આ સઘન તપાસ દરમિયાન કારમાંથી વિદેશી અંગ્રેજી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 1,94,000 ની કિંમતનો અંગ્રેજી દારૂ તેમજ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી કાર સહિત કુલ રૂ. 4,09,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે ધર્મેન્દ્ર ઉર્ફે કાનો ડાયાભાઈ નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ મોકલનારા અને મંગાવનારા સહિત કુલ 4 સામે ફરિયાદ દાખલ
પોલીસ પૂછપરછ દરમિયાન આ રેકેટના અન્ય તાર પણ સામે આવ્યા છે. પ્રાથમિક તપાસના આધારે આ વિદેશી દારૂનો જથ્થો મોકલનારા અને મંગાવનારા તેમજ આ સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સો સહિત કુલ 4 આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે ફરાર અન્ય આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Morbi News: જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના બાકી 3 મુદ્દાઓ પર સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે
