વડનગર તાલુકાના સૂંઢિયામાં રૂ.6.4 કરોડના ખર્ચે નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ડિજિટલ માધ્યમથી ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય કેન્દ્ર શરૂ થવાથી સૂંઢિયા સહિત આસપાસના ગામના લોકોને સ્થાનિક સ્તરે આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે. આ પ્રસંગે ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત જિલ્લાના પદાધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે પ્રયત્નશીલ છે. નવનિર્મિત આરોગ્ય કેન્દ્રમાં તબીબો, નર્સિંગ સ્ટાફ્ અને આધુનિક તબીબી સાધન સામગ્રીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આથી ગ્રામજનોને સામાન્ય તેમજ જરૂરી તબીબી સારવાર માટે દૂરનાં શહેરોમાં જવાની મુશ્કેલીમાં રાહત મળશે.આયુષ્માન ભારત યોજના અને 108 એમ્બ્યુલન્સ સેવા જેવી સુવિધાઓથી નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ મેળવવામાં મદદ મળી રહી છે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોને વધુ સુવિધાસભર બનાવવામાં આવી રહ્યાં છે. આશા વર્કરો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સગર્ભા મહિલાઓ તથા બાળકોની આરોગ્ય સંભાળ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ મુખ્યમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન રોહિત પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલાજી ઠાકોર, કેશુભાઈ પટેલ, કમલભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, ઉદાજી ઠાકોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પ્રવીણભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ચંદ્રકાંત કડિયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Mahesana : સૂંઢિયામાં નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરાયું
📅 Published: October 24, 2026 |
📂 Category: gujarati-news
