ભાજપના એકહથ્થુ શાસનવાળા ગુજરાતમાંથી રાહુલ ગાંધીને રોજની 57 ફરિયાદો:ભ્રષ્ટાચાર, શિક્ષણના સૌથી વધુ પ્રશ્નો; સત્તાધારી પક્ષ-કોંગ્રેસ વચ્ચે બરાબરની જામી

📅 Published: October 25, 2026 | 📂 Category: gujarati-news

છેલ્લા ચારેક દિવસથી ગુજરાત સરકારનો એક નિર્ણય ભારે ચર્ચાસ્પદ બન્યો છે. એ નિર્ણય છે સરકારી શાળાઓમાં પ્રવેશવા માટે આચાર્યની ફરજિયાત મંજૂરી. જો કોઇ મંજૂરી લીધા વગર શાળામાં ઘૂસે તો તેની સામે પોક્સોની કલમ લાગશે. શાળામાં પ્રવેશવાથી પોક્સોની કલમ કેવી રીતે લાગે? તેવો સવાલ ઉઠાવતાં વિપક્ષે સરકારના આ નિર્ણયને શાળાઓની વાસ્તવિકતા છતી ના થઇ જાય તે માટેનો પ્રયાસ હોવાનો આક્ષેપ કર્યો છે. બીજીતરફ વિધાનસભામાં ખુદ સરકારે સ્વીકારેલા આંકડાઓ રાજ્યના મોડેલ શિક્ષણની પોલ ખોલતા કહે છે કે સરકારી શાળાઓમાં હજારો વર્ગખંડો ખૂટે છે અને ઘણી શાળાઓ માત્ર એક જ ક્લાસરૂમ પર ચાલી રહી છે. આ બધાની વચ્ચે રાહુલ ગાંધીના સત્યાગ્રહ પોર્ટલ પર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં ફરિયાદો થઇ છે અને તેમાં પણ ભ્રષ્ટાચાર તેમજ શિક્ષણના મુદ્દા મોખરે છે ત્યારે આજની સન્ડે બિગ સ્ટોરીમાં વાત ગુજરાતની શાળાઓની સ્થિતિની અને તેના પર થતાં રાજકારણની. સૌથી પહેલાં મુદ્દો સરકારના પરિપત્ર અને તેનાથી શરૂ થયેલા વિવાદનો. ગુજરાતના શિક્ષણ વિભાગે 21મી ઓક્ટોબરે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં કોઇપણ સરકારી શાળામાં પ્રવેશવા માટે આચાર્યની મંજૂરી ફરજિયાત લેવાનું કહેવાયું છે. આ સિવાય વિદ્યાર્થીઓની તસવીરો લેવા, વીડિયો ઉતારવા, ઓડિયો રેકોર્ડિંગ કરવા કે લાઇવ સ્ટ્રીમિંગ માટે પણ પહેલેથી મંજૂરી લેવાનું ફરજિયાત કરાયું છે. જો કોઇ વ્યક્તિ આ નિયમનો ભંગ કરે તો તેની સામે પોક્સો હેઠળ કાર્યવાહી કરાશે તેવો ઉલ્લેખ પણ પરિપત્રમાં છે. સરકારના આ પરિપત્રએ કાયદાના નિષ્ણાતોના ભવાં પણ ઊંચા કરી દીધા છે. વકીલોએ કહ્યું છે કે શાળામાં પ્રવેશવા બદલ પોક્સો કેવી રીતે લાગી શકે? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે શિક્ષણ વિભાગની નિષ્ફળતાઓ છુપાવવા માટે અને સરકારી શાળાઓની સાચી સ્થિતિ લોકો સમક્ષ ન આવી જાય તે માટે સરકારે આ પરિપત્ર બહાર પાડ્યો છે. વિપક્ષના આવા આરોપો પાછળ ક્યાંક સત્ય પણ છે અને તેનો સ્વીકાર ખુદ સરકારે વિધાનસભામાં કર્યો છે. માર્ચ 2026માં વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 8,586 અને સરકારી માધ્યમિક શાળાઓમાં 856 વર્ગખંડો નથી. જેમાં પણ બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સૌથી વધુ 1,140 ઓરડા ખૂટતા હોવાનું સરકારે ઓન રેકોર્ડ કહ્યું છે. વધુ ચોંકાવનારી વાત તો હવે આવે છે. જે ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી સતત ભાજપની સરકાર છે અને જે ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે આખા દેશમાં રજૂ કરે છે તે ગુજરાતની 327 સરકારી પ્રાથમિક શાળાઓમાં ફક્ત એક જ ક્લાસરૂમ હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે માર્ચ-2025માં વિધાનસભામાં આ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપ્યો હતો.
ગુજરાતમાંથી 20 દિવસમાં 1100થી વધુ ફરિયાદો
ગુજરાતની શાળાઓની આ કથળેલી સ્થિતિનો પડઘો રાહુલ ગાંધીએ શરૂ કરેલા સત્યાગ્રહ પોર્ટલ ઉપર પણ જોવા મળ્યો છે. ગુજરાતીઓના પડઘાની વાત કરીએ તે પહેલાં સત્યાગ્રહ પોર્ટલ વિશે થોડું જાણી લો. લોકો પોતાની સમસ્યાઓ રજૂ કરી શકે તે માટે રાહુલ ગાંધીએ 3 ઓક્ટોબરે સત્યાગ્રહ પોર્ટલ શરૂ કર્યું હતું. જેમાં લોકો ફોટો-વીડિયો પણ અપલોડ કરી શકે છે. 23મી ઓક્ટોબર સુધીના ડેટા પ્રમાણે આ પોર્ટલ પર આખા દેશમાંથી 36,523 ફરિયાદો મળી છે. જેમાં ગુજરાતમાંથી 1144 ફરિયાદો છે. એટલે કે એક દિવસમાં ગુજરાતમાંથી 57 ફરિયાદો આ પોર્ટલ પર નોંધાઇ છે. ક્યા જિલ્લામાંથી કેટલી ફરિયાદ આવી છે તે નીચે આપેલા ગ્રાફિક્સથી જાણો. ગુજરાતીઓએ જે ફરિયાદો કરી છે તેમાં સૌથી વધુ ફરિયાદ ભ્રષ્ટાચાર અને શિક્ષણને લગતી છે. કયા મુદ્દે કેટલી ફરિયાદો છે તે આ ગ્રાફિક્સથી જાણો. ***
ફરિયાદ કરવામાં ગુજરાતનો એકેય જિલ્લો બાકી નથીઃ કોંગ્રેસ
લોકોએ કરેલી આ ફરિયાદો મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયા કહે છે કે, ગુજરાતના લોકો માટે સૌથી મોટો મુદ્દો ભ્રષ્ટાચારનો છે એ પછી બીજા નંબરનો મુદ્દો છે એ શિક્ષણનો છે. મહિલા સુરક્ષાની વાત હોય, જમીન અધિકારની વાત હોય કે પછી શ્રમિકોના અધિકારોની વાત હોય આવા અનેક મુદ્દા પર 1 હજારથી વધુ ફરિયાદો મળી છે. ગુજરાતનો એકપણ જિલ્લો બાકી નથી કે જ્યાં આંદોલનના મુદ્દા નથી. રાહુલ ગાંધીના દાવામાં આસમાન-જમીનનો ફેરઃ ભાજપ
જો કે ભાજપને સત્યાગ્રહ પોર્ટલ પર આવેલી ફરિયાદો અંગે શંકા છે. પ્રદેશ ભાજપ પ્રવક્તા ડૉ. અનિલ પટેલે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, રાહુલ ગાંધીએ સત્યાગ્રહ પોર્ટલના બદલે હઠાગ્રહ પોર્ટલ ચાલુ કરવાની જરૂર છે. જેમ સૂતેલા માણસને જગાડી શકાય પણ ઊંઘવાનો ડોળ કરતી વ્યક્તિને જગાડી ન શકાય તે પ્રકારનું વર્તન રાહુલ ગાંધીનું છે. રાહુલ ગાંધીના દાવા અને હકીકતમાં આસમાન-જમીનનો ફેર છે. જે લોકોએ તેમના પોર્ટલ પર ફરિયાદો કરી છે તેમાં કોંગ્રેસના અને અરાજકતાવાદી પાર્ટીના કેટલા કાર્યકરો છે તે જોવું જોઇએ. ભાજપે ગુજરાતમાં સરકારી શિક્ષણ સૌથી વધુ સારૂ હોવાનો દાવો કર્યો અને કેટલાક આંકડા પણ આપ્યા. જે પ્રમાણે રાજ્યમાં 33635 સરકારી, 5420 ગ્રાન્ટેડ સ્કૂલ્સ છે. 1099 આશ્રમ શાળાઓ અને 13 હજારથી વધુ પ્રાઇવેટ સ્કૂલ્સ છે. આમ રાજ્યમાં બધી મળીને કુલ 53,272 પ્રાઇમરી સ્કૂલ્સ છે. 51,30,764 વિદ્યાર્થીઓની સામે 1,84,373 શિક્ષકો છે.
પોર્ટલ પર આવેલી ફરિયાદોનો મુદ્દો રાહુલ ગાંધી ઉઠાવશે
સત્યાગ્રહ પોર્ટલ શરૂ કરવા પાછળનો ઉદ્દેશ જણાવતાં કોંગ્રેસે કહ્યું કે, જેના લીધે લોકો ભોગ બની રહ્યાં છે, લોકોનું શોષણ થઇ રહ્યું છે તેવા મુદ્દાઓને અલગ અલગ રાજ્યોમાંથી ઓનલાઇન મૂકવા માટે આ પોર્ટલ શરૂ કરાયું છે. જેમાં 13થી વધારે મુદ્દાઓ આવરી લેવાયા છે. આ મુદ્દાઓ પર લોકો પોતાની પ્રતિક્રિયા મૂકી રહ્યા છે કે અમારે આ મુદ્દે આંદોલન કરવું છે. 23મી તારીખ સુધીમાં આખા દેશમાંથી 36,523 મુદ્દાઓને લઇને લોકો જન આંદોલન ઇચ્છી રહ્યાં છે તેમાં ગુજરાત પણ પાછળ નથી. આ મુદ્દાઓ રાહુલ ગાંધી પાસે પહોંચ્યા પછી શું એક્શન લેવાશે તે અંગે ડૉ. કઠવાડિયાએ જણાવ્યું કે, જે પણ મુદ્દો હશે એની ગંભીરતા જોઇને કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. જ્યાં આંદોલન કરવાની જરૂર પડે ત્યાં આંદોલન, જ્યાં પ્રેસમાં વાત કરવાની જરૂર પડે ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરાશે. લોકોનો અવાજ બનીને રાહુલ ગાંધી જન આંદોલનની શરૂઆત કરશે. ગુજરાત મોડેલ સ્ટેટ હોવાના દાવાઓ વચ્ચે શિક્ષણની જે કથળેલી તસવીર વિધાનસભાના રેકોર્ડ પરથી સામે આવી છે તે ફક્ત એક રાજકીય મુદ્દો નથી પણ સરકાર માટે આત્મ નિરીક્ષણનો વિષય પણ છે. વિપક્ષ આને જન આંદોલન બનાવવાની તૈયારીમાં છે અને શાસક પક્ષ આંકડાઓ સાથે બચાવ કરી રહ્યો છે પરંતુ આ બધામાં સૌથી મોટો ભોગ બાળકોનું ભવિષ્ય બની રહ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *