ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી મહામુકાબલો! Rising Asia Cup 2026નું શેડ્યૂલ જાહેર

📅 Published: October 25, 2026 | 📂 Category: cricket

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર જોવા માટે ક્રિકેટપ્રેમીઓ હંમેશાં ઉત્સુક રહે છે. હવે ફરી એકવાર બંને હરીફ ટીમો મેદાન પર આમનેસામને આવવાની છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ACCએ રાઇઝિંગ એશિયા કપ 2026નું શેડ્યૂલ જાહેર કર્યું છે. કતારની રાજધાની દોહામાં રમાનારી આ સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાનને એક જ જૂથમાં સ્થાન આપવામાં આવ્યું છે. બંને ટીમો વચ્ચે 22 નવેમ્બરે મુકાબલો રમાશે.

આ સ્પર્ધા 19થી 29 નવેમ્બર દરમિયાન યોજાશે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત નેપાળ અને સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE પણ આ જ જૂથમાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મુકાબલા પર ચાહકોની ખાસ નજર રહેશે, કારણ કે બંને દેશોના યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવાની તક મળશે.

19 નવેમ્બરથી સ્પર્ધાનો પ્રારંભ

રાઇઝિંગ એશિયા કપમાં સામાન્ય રીતે ટીમો પોતાની A ટીમ સાથે ભાગ લે છે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ યુવા અને ઊભરતા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરવાની તક આપવાનો છે. સ્પર્ધાની મોટાભાગની મેચો વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે કેટલીક મેચો યુનિવર્સિટી ઑફ દોહા ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજીના ક્રિકેટ મેદાન પર યોજાશે.સ્પર્ધાની શરૂઆત 19 નવેમ્બરે બાંગ્લાદેશ અને હોંગકોંગ વચ્ચેની મેચથી થશે. આ જ દિવસે શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમો પણ ટકરાશે.ભારતીય ટીમ 20 નવેમ્બરે નેપાળ સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ 22 નવેમ્બરે પાકિસ્તાન સામે મહત્વનો મુકાબલો રમશે. ભારત 24 નવેમ્બરે UAE સામે જૂથ તબક્કાની છેલ્લી મેચ રમશે.સ્પર્ધાની સેમિફાઇનલ મેચો 26 અને 27 નવેમ્બરે યોજાશે. જ્યારે ફાઇનલ 29 નવેમ્બરે રમાશે. ફાઇનલ મેચ વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે.

છેલ્લી સ્પર્ધામાં સેમિફાઇનલમાં હાર્યું હતું ભારત

રાઇઝિંગ એશિયા કપની અગાઉની આવૃત્તિમાં ભારત Aએ સારી શરૂઆત કરી હતી, પરંતુ ટીમ ખિતાબ જીતવામાં સફળ રહી નહોતી. ભારતે પોતાની પહેલી મેચમાં UAEને 148 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટે 297 રન બનાવ્યા હતા. જવાબમાં UAEની ટીમ 7 વિકેટે 149 રન જ બનાવી શકી હતી.જોકે, બીજી મેચમાં ભારત Aને પાકિસ્તાન A સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ 136 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાને 13.2 ઓવરમાં જ લક્ષ્ય મેળવી લીધું હતું.ત્યારબાદ ભારતે ઓમાનને 6 વિકેટે હરાવીને વાપસી કરી હતી અને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ A સામે થયો હતો. બાંગ્લાદેશે 6 વિકેટે 194 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પણ 20 ઓવરમાં 194 રન બનાવ્યા હતા. ત્યારબાદ સુપર ઓવરમાં બાંગ્લાદેશે જીત મેળવીને ભારતની સફરનો અંત લાવ્યો હતો.

પાકિસ્તાન Aએ જીત્યો હતો છેલ્લો ખિતાબ

અગાઉની આવૃત્તિમાં પાકિસ્તાન Aએ ખિતાબ પોતાના નામે કર્યો હતો. ટીમે સેમિફાઇનલમાં શ્રીલંકા Aને 5 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં પાકિસ્તાન A અને બાંગ્લાદેશ A બંનેએ 125 રન બનાવ્યા હતા. ત્યારબાદ સુપર ઓવરમાં પાકિસ્તાને જીત મેળવીને ટ્રોફી જીતી હતી.હવે 2026ની સ્પર્ધામાં ભારતીય ટીમની નજર અગાઉના પ્રદર્શન કરતાં વધુ સારું રમવા અને ખિતાબ જીતવા પર રહેશે. ખાસ કરીને 22 નવેમ્બરે પાકિસ્તાન સામે રમાનારી મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ રહેશે. જોકે, ખિતાબ જીતવા માટે ભારતે જૂથ તબક્કા ઉપરાંત સેમિફાઇનલ અને ફાઇનલમાં પણ શાનદાર પ્રદર્શન કરવું પડશે.

આ પણ વાંચો – Babar Azam: શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણી માટે પાકિસ્તાનની ટીમ જાહેર: સલમાન આગાની વાપસી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *