વડનગર એસ.ટી. ડેપોના ડ્રાઇવરનું છાબલીયા પાસે બાઇક સ્લીપ થતાં મોત:વહેલી સવારે નોકરી પર જતાં નડ્યો અકસ્માત

📅 Published: October 25, 2026 | 📂 Category: gujarati-news

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના છાબલીયા ગામે નાકાપુરા પાસે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં વડનગર એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા બસ ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, જીતેન્દ્રભાઈ પરસોત્તમભાઈ રાઠોડ વહેલી સવારે આશરે ચાર વાગ્યાના સુમારે પોતાના ઘરેથી વડનગર ડેપો ખાતે પોતાની ફરજ પર હાજર થવા માટે હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ લઈને નીકળ્યા હતા. માથામાં ગંભીર ઇજા થતાં સ્થળ પર જ દમ તોડ્યો
જીતેન્દ્રભાઈ પોતાના બાઇક પર વડનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે છાબલીયા ગામના નાકાપુરા પાસે પહોંચતાં અચાનક મોટરસાઇકલ સ્લીપ થઈ ગયું હતું. જેના કારણે તેઓ જોરભેર રસ્તા પર પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને કાનમાંથી મોટા પ્રમાણમાં લોહી વહી ગયું હતું. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી તેમને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારમાં માતમ છવાયો, પુત્રએ વડનગર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
સવારના સાડા પાંચ વાગ્યાની આસપાસ પ્રજાપતિ વિજયકુમાર પરસોત્તમભાઈ દ્વારા અકસ્માત અંગે મૃતકના પરિવારજનોને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. અકસ્માતમાં મોતના સમાચાર મળતાં જ પુત્ર પાર્થભાઈ સહિત પરિવારજનો વડનગર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને આક્રંદ વચ્ચે સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે મૃતકના મોટા પુત્ર પાર્થભાઈએ વડનગર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અકસ્માતે મોતના ગુના સંદર્ભે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *