Digital પેમેન્ટના ક્ષેત્રમાં ઉતર્યા એલન મસ્ક! પોસ્ટ લાઈક કરતાં જ મોકલી શકાશે પૈસા…

📅 Published: October 25, 2026 | 📂 Category: Business

એલન મસ્કે રવિવારે X Moneyના પ્રસ્તાવિત ફીચરની જાહેરાત કરી. આ ફીચર દ્વારા કોઈપણ યુઝર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લાઈક બટનને લાંબો સમય દબાવીને અન્ય યુઝરને સરળતાથી 1 ડોલર મોકલી શકશે. મસ્કે સોશિયલ મીડિયા પર આ ફીચરની જાહેરાત કરતાં જણાવ્યું કે તેના દ્વારા યુઝર્સ X પ્લેટફોર્મ પર અન્ય લોકોને નાની રકમ સરળતાથી મોકલી શકશે. આ ફીચરથી કન્ટેન્ટ ક્રિએટર્સને ટિપ આપવી અને પોતાની પસંદગીની પોસ્ટને આર્થિક રીતે સપોર્ટ કરવો સરળ બનશે. આ માટે યુઝર્સે એપમાંથી બહાર જવાની પણ જરૂર નહીં પડે.

Xને ‘એવરીથિંગ એપ’ બનાવવાની મસ્કની યોજના

આ પ્રસ્તાવિત પેમેન્ટ સિસ્ટમ એલન મસ્કની એ વ્યાપક યોજનાનો ભાગ છે, જેના દ્વારા તેઓ Xને એક એવી એપમાં બદલવા માગે છે, જ્યાં સોશિયલ નેટવર્કિંગ, મેસેજિંગ, પેમેન્ટ અને અન્ય ડિજિટલ સેવાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોય. મસ્કે X પર લખ્યું કે, “અમે લાઈક બટનને લાંબો સમય દબાવી રાખીને X Money દ્વારા કોઈને 1 ડોલર મોકલવાની સુવિધા ઉમેરી રહ્યા છીએ.” આ પ્રસ્તાવિત સિસ્ટમ હેઠળ યુઝર્સ કોઈ પોસ્ટના લેખકને 1 ડોલર મોકલી શકશે. તેના માટે સામાન્ય લાઈક બટનને થોડો સમય દબાવી રાખવાનું રહેશે અને ટ્રાન્ઝેક્શન X Money દ્વારા પૂર્ણ થશે. આ વિચારને લઈને યુઝર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સમાં રસ જોવા મળી રહ્યો છે. જોકે, કંપનીએ આ ફીચર ક્યારે લાગુ કરવામાં આવશે અને તેનો ઉપયોગ કરવા માટે કઈ શરતો હશે તે અંગે હજુ સુધી વિગતવાર માહિતી આપી નથી.

અમેરિકામાં શરૂ થઈ X Moneyની સેવા

X Moneyને તાજેતરમાં અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ સેવા દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને સીધા પૈસા મોકલી શકે છે. આ ઉપરાંત, તેમાં X Visa ડેબિટ કાર્ડ પણ મળે છે, જેનો ઉપયોગ દુકાનોમાં અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે કરી શકાય છે. આ ડેબિટ કાર્ડને Apple Pay સાથે પણ લિંક કરી શકાય છે. તેના દ્વારા જ્યાં કોન્ટેક્ટલેસ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં કાર્ડ અથવા ડિવાઇસનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકાય છે.

ભારતમાં સેવા ક્યારે શરૂ થશે?

Xએ આંતરરાષ્ટ્રીય લેવડદેવડને સરળ બનાવતા ફીચર્સને પણ પ્રોત્સાહન આપ્યું છે. જોકે, તેના ચોક્કસ લાભો અને શરતો યુઝરની પાત્રતા તથા લાગુ પડતા નિયમો પર આધારિત હોઈ શકે છે. હાલમાં X Moneyનું મુખ્ય ધ્યાન અમેરિકાના બજાર પર છે. કંપનીએ હજુ સુધી ભારતમાં કે અન્ય દેશોમાં આ સેવા ક્યારે શરૂ થશે તે અંગે કોઈ જાહેરાત કરી નથી. લાઈક બટન દ્વારા પૈસા મોકલવાનું નવું ફીચર પણ ભારતમાં ક્યારે ઉપલબ્ધ થશે તે સ્પષ્ટ નથી. નોંધનીય છે કે ભારત વિશ્વનાં સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ બજારોમાંનું એક છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *