આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ની ફાઇનલમાં પહોંચવાની ભારતની આશા હજુ જીવંત છે. દક્ષિણ આફ્રિકાએ બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને એક ઇનિંગ્સ અને 31 રનથી હરાવતાં પોઇન્ટ્સ ટેબલની સ્થિતિમાં ફેરફાર થયો છે. આ જીતથી દક્ષિણ આફ્રિકાને ફાયદો થયો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટકાવારીમાં ઘટાડો થયો છે. જોકે, ભારતે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે પોતાની બાકીની મેચોમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે.
પોઇન્ટ્સ ટેબલમાં ભારત કયા સ્થાને છે?
દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં હાર બાદ પણ ઓસ્ટ્રેલિયા 75.00% ટકાવારી સાથે પ્રથમ સ્થાને છે. ન્યૂઝીલેન્ડ 72.22% સાથે બીજા અને દક્ષિણ આફ્રિકા 66.67% સાથે ત્રીજા સ્થાને છે. બાંગ્લાદેશ 55.56% સાથે ચોથા સ્થાને છે, જ્યારે ભારત 51.52% ટકાવારી સાથે પાંચમા સ્થાને છે. ભારતે અત્યાર સુધી 11 ટેસ્ટ રમી છે, જેમાં 5માં જીત મેળવી છે, 4માં હારનો સામનો કર્યો છે અને 2 ટેસ્ટ ડ્રો રહી છે. ભારતના ખાતામાં હાલમાં 68 પોઇન્ટ છે.
ભારતની બાકીની 7 ટેસ્ટ કઈ ટીમો સામે છે?
ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન ચક્રમાં હજુ 7 ટેસ્ટ રમવાની છે. તેમાં 2 ટેસ્ટ ન્યૂઝીલેન્ડ સામે તેના જ મેદાન પર અને 5 ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાવાની છે. આ બંને શ્રેણી ભારત માટે અત્યંત મહત્ત્વની રહેશે. એક પણ શ્રેણીમાં વધુ હાર થાય તો ફાઇનલમાં પહોંચવાની આશાને મોટો ફટકો પડી શકે છે.
તો ભારતે ફાઇનલમાં પહોંચવા શું કરવું પડશે?
ભારતની બાકીની 7 ટેસ્ટનાં પરિણામ પ્રમાણે તેની પોઇન્ટ્સ ટકાવારી આ પ્રમાણે રહેશે:
• 7માંથી 7 જીત: ભારતના હાલના 68 પોઇન્ટમાં 84 પોઇન્ટ ઉમેરાશે. કુલ 152 પોઇન્ટ થશે અને ટકાવારી 70.37% રહેશે. આ સ્થિતિમાં ભારતની ફાઇનલમાં પહોંચવાની દાવેદારી મજબૂત બનશે.
• 6 જીત અને 1 ડ્રો: ભારતને 76 પોઇન્ટ મળશે. કુલ પોઇન્ટ 144 થશે અને ટકાવારી 66.67% રહેશે. આ સ્થિતિમાં પણ ભારતની આશા મજબૂત રહેશે, પરંતુ અન્ય ટીમોનાં પરિણામો મહત્ત્વનાં રહેશે.
• 5 જીત અને 2 ડ્રો: ભારતને 68 પોઇન્ટ મળશે. કુલ પોઇન્ટ 136 થશે અને ટકાવારી 62.96% રહેશે. આ સ્થિતિમાં ફાઇનલમાં પહોંચવા માટે બીજી ટીમોનાં પરિણામો પર વધુ આધાર રાખવો પડશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં જીત માટે 12 પોઇન્ટ અને ડ્રો માટે 4 પોઇન્ટ મળે છે. ફાઇનલમાં ટોચની 2 ટીમો સ્થાન મેળવે છે. તેથી ભારતે વધુમાં વધુ ટેસ્ટ જીતવી જરૂરી છે. જોકે, બધી 7 ટેસ્ટ જીતે તો પણ ફાઇનલમાં સ્થાન પાક્કું નહીં થાય, કારણ કે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમોનાં બાકીનાં પરિણામો પણ અંતિમ ટેબલ પર અસર કરશે.
ભારત માટે હવે ન્યૂઝીલેન્ડ સામેની 2 ટેસ્ટથી જ મજબૂત શરૂઆત કરવી જરૂરી છે. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા સામેની 5 ટેસ્ટમાં પણ સારો દેખાવ કરવો પડશે. ભારત જેટલી વધુ જીત મેળવશે, તેટલી ફાઇનલમાં પહોંચવાની તક વધશે.
આ પણ વાંચો: IND VS NZ: “એક જ ભૂલ બે વાર ભારે પડી…” ભારત સામે સતત હાર્યા બાદ કીવી કોચનો મોટો ખુલાસો
