સ્વામિનારાયણ મંદિરના બાંધકામ સ્થળે દુર્ઘટના:પહેલા માળેથી પટકાયેલા યુવકની આંખ અને હાથમાં 3.5 ફૂટનો સળિયો આરપાર નીકળ્યો, ગ્રાઇન્ડરથી કાપી સળિયા સાથે સિવિલ ખસેડાયો

📅 Published: October 25, 2026 | 📂 Category: gujarati-news

મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનો 18 વર્ષીય કિરણ ગુલાબભાઈ ડામોર આગામી દિવાળીના તહેવાર નિમિત્તે કપડાંની ખરીદી કરવા તેમજ કામકાજ અર્થે પલસાણા ખાતે રહેતા પોતાના મોટા ભાઈ પાસે આવ્યો હતો. રવિવારે બપોરે પલસાણા તાલુકાના બારાસડી ગામે આવેલા નિર્માણધીન સ્વામિનારાયણ મંદિરના સંસ્કારધામ ખાતે તેનો ભાઈ કામ કરી રહ્યો હતો. આ દરમિયાન કિરણ તેને પીવાનું પાણી આપવા માટે સાઈટના પહેલા માળે ગયો હતો. જ્યાં અચાનક પગ લપસી જતાં તે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભો કરાયેલો સળિયો આંખ અને હાથમાં ઘૂસી ગયો
પહેલા માળેથી પટકાયેલા કિરણ પર ગ્રાઉન્ડ ફ્લોર પર કોલમ માટે ઊભો કરવામાં આવેલો લોખંડનો સળિયો સીધો તેની ડાબી આંખ અને ડાબા હાથમાં આરપાર નીકળી ગયો હતો. આ ભયાવહ દ્રશ્ય જોઈ બાંધકામ સાઈટ પર હાજર શ્રમિકો અને લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક લોકોએ અદમ્ય સાહસ દાખવી તાત્કાલિક ગ્રાઈન્ડર મશીન વડે કોલમ સાથે જોડાયેલો સળિયો કાપી નાખ્યો હતો, જેથી યુવકને સળિયા સહિત તાબડતોબ ખસેડી શકાય. બારડોલીથી સુરત નવી સિવિલ રેફર કરાયો
અંદાજે સાડા ત્રણ ફૂટ લાંબા લોખંડના સળિયા સાથે ગંભીર રીતે લોહીલુહાણ થયેલા કિરણને તાત્કાલિક બારડોલીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે સ્થિતિ અત્યંત નાજુક હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આંખ અને હાથમાં આરપાર સળિયો ઘૂસેલી હાલતમાં યુવકને જોઈને સિવિલનો તબીબી સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો હતો. અઢી કલાકની જહેમત બાદ ઓપરેશન, હાલત અત્યંત ગંભીર
નવી સિવિલ હોસ્પિટલના ન્યૂરોસર્જરી વિભાગના નિષ્ણાત તબીબોની ટીમે ફાયર બ્રિગેડની મદદ મેળવી બહાર રહેલા વધારાના સળિયા કપાવ્યા હતા. ત્યારબાદ તબીબોએ કટોકટીમાં હાથ ધરેલા અઢી કલાક લાંબા ઓપરેશન બાદ આંખ અને હાથમાંથી સળિયા સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા. જોકે, આ ભયાનક અકસ્માતમાં મગજની મુખ્ય નસો ડેમેજ થઈ ગઈ હોવાથી બ્લડ સર્ક્યુલેશન અટકી ગયું છે. હાલ યુવકને આઈસીયુમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો છે અને તેની તબિયત અત્યંત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *