સુરત સિવિલ હોસ્પિટલ અને ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના કેમ્પસમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી બોયઝ હોસ્ટેલમાં રહીને એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ એક પછી એક 21 જેટલી ઊંઘની ગોળીઓ ગટગટાવી લીધી હતી. રવિવારે સવારે ચક્કર આવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો, ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પરીક્ષા શરૂ થવાની હોવાથી માનસિક તણાવમાં આ પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અનિદ્રાની તકલીફને લીધે અગાઉ પણ પરીક્ષા ચૂકી ગયો હતો
નવી સિવિલ અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનનો વતની 22 વર્ષીય કિરીટ (નામ બદલ્યું છે) સુરત ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. કિરીટ છેલ્લા કેટલાક સમયથી અનિદ્રા અને માનસિક તકલીફથી પીડાતો હતો. આ તકલીફના કારણે તે અગાઉ યોજાયેલી પરીક્ષા પણ આપી શક્યો નહોતો. જે-તે સમયે પરિવારજનો તેને સારવાર માટે રાજસ્થાન લઈ ગયા હતા, જ્યાં તેની સ્થાનિક તબીબો પાસે સારવાર ચાલી રહી હતી. તબિયતમાં સુધારો થતાં પિતા સાથે 10 દિવસ પહેલાં જ સુરત આવ્યો હતો
રાજસ્થાનમાં સારવાર બાદ તબિયતમાં સુધારો જણાતાં કિરીટે તેના પિતાને જણાવ્યું કે, તે આગામી 29 ઓક્ટોબરથી શરૂ થતી એમબીબીએસના બીજા વર્ષની પરીક્ષા આપવા માગે છે. દીકરાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પિતા પણ તેની સાથે સુરત આવ્યા હતા. છેલ્લા 10 દિવસથી કિરીટ નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ન્યૂ બોયઝ હોસ્ટેલમાં રહેતો હતો અને તેની સાથે તેના પિતા પણ રૂમમાં રોકાયા હતા, જેથી તેનું ધ્યાન રાખી શકાય. વાંચીને રૂમમાં આવ્યો, ઊંઘ ન આવતાં વારાફરતી 21 ગોળી પી ગયો
શનિવારે રાત્રે કિરીટ હોસ્ટેલમાં અન્ય મિત્રના રૂમમાં વાંચવા ગયો હતો. મોડી રાત્રે વાંચીને તે પોતાના રૂમમાં પરત ફર્યો ત્યારે તેના પિતા ઊંઘી ગયા હતા. કિરીટે સૂવા માટે ઊંઘની એક ગોળી લીધી હતી, પરંતુ ઊંઘ ન આવતાં તેણે વારાફરતી કુલ 21 ગોળીઓ ગટગટાવી લીધી હતી અને બાદમાં ઊંઘી ગયો હતો. સવારે ચક્કર આવતાં ભાંડો ફૂટ્યો, ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી
રવિવારે સવારે 10 વાગ્યાની આસપાસ જ્યારે કિરીટ જાગ્યો ત્યારે તેને ભારે ચક્કર આવવા લાગ્યા હતા. ગભરાયેલા કિરીટે તરત જ તેના પિતાને 21 ગોળીઓ પી લીધી હોવાની હકીકત જણાવી હતી. આ સાંભળી પિતાના હોશ ઊડી ગયા હતા અને તાત્કાલિક તેને નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. તબીબોએ તાબડતોબ સારવાર શરૂ કરીને તેને વોર્ડમાં દાખલ કર્યો છે. હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
સુરત સિવિલ કેમ્પસની હોસ્ટેલમાં મેડિકલના વિદ્યાર્થીએ ઊંઘની 21 ગોળી ગટગટાવી:29 ઓક્ટોબરથી MBBSની પરીક્ષા શરૂ થવાની હતી, તણાવમાં પગલું ભર્યાની ચર્ચા
📅 Published: October 25, 2026 |
📂 Category: gujarati-news
