રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કવિશ્રી રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ મેદાનમાં ‘શરદોત્સવ–2026’ અંતર્ગત ‘શરદ પૂનમની રાતલડી રંગ ડોલરીયો’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાના પરસેવાની કમાણીમાંથી આડેધડ ખર્ચ છતાં આ કાર્યક્રમનો જાણે ફિયાસ્કો થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અને સામાન્ય જનતાની અડધાથી વધુ ખુરશીઓ તો ખાલી જોવા મળી હતી. મનપાએ દૂધપૌવાનો પ્રસાદ રાખ્યો હોવા છતાં તે આરોગવા માટે પણ લોકો આવ્યા નહોતા. અને રૂ. 7.25 લાખના ટેન્ડર તેમજ મંડપ વગેરેનાં રેઈટ કોન્ટ્રાકટનાં ખર્ચ મળીને રૂ. 10 લાખથી વધુનો ધુમાડો થયો હતો. મનપા દ્વારા બહાર પાડવામાં આવેલ ટેન્ડરની વિગતો એન્કર : 3,500 એલઇડી સેટ : અંદાજીત 600 સ્કેવરફૂટ લાઇવ વિડિયોગ્રાફી મિક્ષર ઓપરેટર તેમજ અન્ય જરૂરી સાધન સામગ્રી સાથે અપસેટ ભાવ રૂ. 1,20,000 મુખ્ય સ્ટેજ પર ગરબા રજવાડી થીમ વાળો સેટ : અપસેટ ભાવ રૂ. 25,000 કલાકારોને પુરસ્કાર, એકોમોડેશન ભોજન: ટ્રાવેલિંગ તથા અન્ય તમામ ખર્ચ સહિત અપસેટ ભાવ રૂ. 2,50,000 શિલ્ડ ત્રણ નંગ : અપસેટ ભાવ રૂ. 6,500 ડ્રોન અંદાજીત ત્રણ કલાક વિડિયોગ્રાફી ફોટોગ્રાફી અપસેટ ભાવ રૂ. 20,000 કાર્યક્રમમાં હાજર અંદાજીત ચાર હજાર વ્યક્તિઓ માટે દૂધ પૌઆ સર્વિંગ સાથે અંદાજે 200 એમએલ : અપસેટ ભાવ રૂ. 2,00,000 લિસ્ટમાં સામેલ ન હોય તેવી સુચવ્યા મુજબની જરૂરિયાત મુજબ કામગીરી (બજારભાવ એસઓઆર અથવા MRP મુજબ : અપસેટ ભાવ રૂ. 1,00,000 કુલ અંદાજીત ખર્ચ : રૂ. 7,25,000 કાર્યક્રમ શરૂ થયા પહેલા સાંસ્કૃતિક વિભાગના ચેરમેન મનીષ ભટ્ટે દિવ્યભાસ્કરને જણાવ્યું કે, મહાનગરપાલિકા દ્વારા રાજકોટના આંગણે શરદોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટનું સુપ્રસિદ્ધ કંકણ ગ્રુપ ગરબાની પ્રસ્તુતિ કરશે અને સાથે અમરેલીની જેસિંગપરા રાસ મંડળી તથા કારડીયા રાજપૂત સમાજનું ગ્રુપ પણ પોતાની કૃતિઓ રજૂ કરશે. મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષો પછી આ શરદોત્સવનું આયોજન થઈ રહ્યું છે. ગરબો એ ગુજરાતની ઓળખ, સંસ્કૃતિ અને પરંપરા છે, જેને ઉજાગર કરતા કાર્યક્રમને રાજકોટની જનતા મન ભરીને માણે તે માટે બેઠક સહિતની તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં પધારનાર મહેમાનો અને જાહેર જનતાના સ્વાગતમાં દૂધ-પૌવાના પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં અંદાજે 4,000 લોકો બેસીને કાર્યક્રમ માણે તેવી શક્યતા છે. જોકે કાર્યક્રમ શરૂ થયાની એક કલાક બાદ પણ સ્ટેજ સામે ગોઠવવામાં આવેલી અડધાથી વધુ ખુરશીઓ ખાલીખમ જોવા મળી હતી. તંત્ર દ્વારા 4,000 લોકો ઉપસ્થિત રહેવાની મોટી ધારણા બાંધવામાં આવી હતી, પરંતુ તેની સામે માંડ 2,500 લોકો જ હાજર રહ્યા હતા. આટલું જ નહીં, હાજર રહેલા લોકોમાં પણ અંદાજે 500 જેટલા તો ખુદ કોર્પોરેશનનાં કર્મચારીઓ અને શાસક પક્ષના કાર્યકરો હતા, જેથી સામાન્ય જનતાની ઉદાસીનતા સ્પષ્ટ રીતે છતી થઈ હતી. લોકોની પાંખી હાજરીને લઈ આયોજકોને 500થી વધુ ખુરશીઓ તો કાઢવાની જરૂર પણ પડી નહોતી. આ આયોજનમાં સામાન્ય પ્રજા તો દૂર રહી પરંતુ વિશેષ આમંત્રિતો માટે નાખવામાં આવેલા ઘણા સોફાઓ પણ ખાલી જોવા મળ્યા હતા. શરદ પૂનમના પાવન અવસરે પરંપરાગત રીતે તૈયાર કરવામાં આવેલા સ્વાદિષ્ટ દૂધપૌવા આરોગવા માટે પણ નગરજનોએ ઉત્સાહ ન દાખવ્યો, જેના કારણે પ્રસાદીનો પણ મોટા પ્રમાણમાં બગાડ થયો હોવાની શક્યતા છે. ત્યારે કરોડો રૂપિયાના વિકાસના દાવા કરતી મહાનગરપાલિકા પ્રજાના ટેક્સના નાણાંનો આ પ્રકારે કેવો ધુમાડો કરી રહી છે તેની પ્રતીતિ આ ફિયાસ્કાએ કરાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મળેલા જનરલ બોર્ડમાં ગતવર્ષે મનપા દ્વારા આવા વિવિધ કાર્યક્રમો પાછળ રૂ. 19 કરોડથી વધુનો ખર્ચ કરાયો હોવાનો સ્વીકાર કરાયો હતો. આ બાબતે તંત્રની ભારે આલોચના થઈ હતી. આ પહેલા જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચને લઈને ભારે વિવાદ થતા તપાસ સમિતિની રચના કરાઈ છે. આમ છતાં નવનિયુક્ત શાસકોએ શરદોત્સવનાં નામે વધુ રૂ. 10 લાખનો ધુમાડો કરીને ભૂતકાળની ભૂલોમાંથી કંઈપણ શીખ્યા નહીં હોવાનું સાબિત કર્યું છે.
રાજકોટ મનપાના શરદોત્સવનો ફિયાસ્કો:અડધાથી વધુ ખુરશીઓ ખાલી જોવા મળી, દૂધપૌવા આરોગવા પણ લોકો ન ફરકયા, પ્રજાના રૂ. 10 લાખથી વધુનો ધુમાડો
📅 Published: October 25, 2026 |
📂 Category: gujarati-news
