સાહેબ મિટિંગમાં છે:વાઇબ્રન્ટ સમિટે અધિકારીઓ-મંત્રીઓને દીવાળી કરાવી, રંગીન મિજાજી પૂર્વ IASએ યોગા કરવા ગ્રુપ બનાવ્યું

📅 Published: October 26, 2026 | 📂 Category: gujarati-news

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી… સચિવાલયમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર સામે થયેલી કાર્યવાહીને લઈને કર્મચારી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. બે Dy.SOની સ્પીપામાં બદલી કરવામાં આવ્યા હોવાની અને એક Dy.SOને સસ્પેન્ડ કર્યા હોવાની વિગતો સામે આવતાં સંગઠન હવે આકરા પાણીએ હોવાનું કહેવાય છે. સચિવાલય સ્ટાફ એસોસિએશને આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને ત્રણેય કર્મચારીઓને ગાંધીનગર પરત લાવવા માટે પ્રયાસો કરવાની વાત પણ ચર્ચામાં છે. બીજી તરફ, Dy.SO વર્તુળોમાં એવો ગણગણાટ છે કે જો આ કાર્યવાહીનો ઉકેલ કર્મચારીઓની અપેક્ષા મુજબ નહીં આવે, તો સંગઠન આગામી દિવસોમાં વધુ આક્રમક વલણ અપનાવી શકે છે. હાલ કર્મચારીઓ પોતાના હકો અને કેડરની બિનબદલી પાત્રતાના મુદ્દે એકજૂટ થવાની દિશામાં વિચારી રહ્યા હોવાનું ચર્ચાઇ છે. આ સ્થિતિમાં ઉપરી અધિકારીઓ માટે પણ કર્મચારીઓ સાથે સંકલન જાળવીને કામગીરી કરાવવી પડકારરૂપ બની શકે છે. સચિવાલયમાં હવે સવાલ એ છે કે રજૂઆતથી મામલો થાળે પડશે કે Dy.SO સંગઠન આગામી દિવસોમાં પોતાના હકો માટે વધુ મજબૂત લડત આપશે? તરુણ ચૂગના વારંવારના ગુજરાત પ્રવાસથી અનેક તર્ક વિતર્ક!
ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચૂગ ગુજરાતની મુલાકાતે છે અને કમલમ ખાતે નબળી વિધાનસભા બેઠકોની સમીક્ષા સાથે બેઠકોનો દોર શરૂ થવાનો છે. આ બેઠકમાં તમામ મોરચાના પ્રમુખો હાજર રહેશે અને આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર અભિયાન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. એટલું જ નહીં, મુખ્યમંત્રી નિવાસસ્થાને મંત્રીઓ સાથે પણ બેઠક યોજાય તેવી શક્યતા છે. ખાસ વાત એ છે કે છેલ્લા બે મહિનામાં તરુણ ચૂગનો આ ચોથો ગુજરાત પ્રવાસ છે. હવે રાજકીય વર્તુળોમાં ચર્ચા એ છે કે વિધાનસભાની ચૂંટણીને હજી સમય હોવા છતાં દિવાળી પહેલાં ભાજપમાં આટલો ધમધમાટ શા માટે? નબળી બેઠકો પર અત્યારથી જ કવાયત, મોરચાના હોદ્દેદારો સાથે બેઠકો અને મંત્રીઓ સાથે સંભવિત ચર્ચા, શું ભાજપે ચૂંટણીની તૈયારીઓનું કાઉન્ટડાઉન અત્યારથી જ શરૂ કરી દીધું છે? ભાજપ ચૂંટણીની તૈયારીમાં હંમેશાં આગળ રહેવા માટે જાણીતો છે, પરંતુ વારંવારના પ્રવાસ અને બેઠકોના દોરે રાજકીય ચર્ચાને વધુ વેગ આપ્યો છે. સાહેબ, ચૂંટણી હજી દૂર છે, તો પછી કમલમમાં અત્યારથી જ આટલી દોડધામ કોના માટે અને શા માટે? SG હાઇવે પર CCTV બંધ, મુખ્યમંત્રીના રૂટ પર જ સુરક્ષાનું શું?
ગાંધીનગરથી સરખેજ તરફ જતો હાઇવે દરરોજ હજારો વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે. મુખ્યમંત્રી સહિત અનેક મહત્ત્વના લોકો પણ આ માર્ગ પરથી વારંવાર પસાર થાય છે. તેમ છતાં, આ માર્ગ પરના કેટલાક CCTV કેમેરા બંધ હોવાની ફરિયાદો સામે આવતાં સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે. તાજેતરમાં ચોરી અને અકસ્માતના કેટલાક કિસ્સામાં CCTV બંધ હોવાને કારણે ભોગ બનનારાઓને મુશ્કેલી પડતી હોવાની ચર્ચા છે. એટલું જ નહીં, અડાલજ હાઇવે પર iPhone 17 Pro ખોવાઈ જતાં CCTV બંધ હોવાની સમસ્યા અંગે એક નાગરિકે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હોવાની વાત પણ ચર્ચામાં છે. હવે સવાલ એ છે કે જ્યારે સામાન્ય નાગરિકને પોતાની વસ્તુ શોધવા માટે CCTVની જરૂર પડે છે, ત્યારે આટલા મહત્ત્વના માર્ગ પર કેમેરા કાર્યરત રાખવાની જવાબદારી કોની? સાહેબ, હાઇવે પર વાહનોની અવરજવર સતત ચાલુ છે, તો પછી CCTV કેમેરા બંધ કેમ છે? મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચ્યા પછી પણ કેમેરા ચાલુ થવાની રાહ જોવી પડશે? કર્મચારીઓની માગણીઓ માટે સમિતિ તો બની, હવે નિર્ણય ક્યારે?
સરકારી કર્મચારીઓની પડતર માગણીઓનો ઉકેલ લાવવા સમિતિની રચના થતાં કર્મચારી વર્તુળોમાં આશા જાગી છે, પરંતુ હવે સમિતિની રચના કરતાં તેની કામગીરીની ઝડપને લઈને ચર્ચા શરૂ થઈ છે. સમિતિની બેઠક ક્યારે મળશે, માગણીઓ અંગે ચર્ચા ક્યારે થશે અને કર્મચારીઓને આખરી નિર્ણય ક્યારે મળશે? આ સવાલો આંદોલનકારી કર્મચારીઓમાં ચર્ચાઈ રહ્યા છે. કર્મચારીઓનું કહેવું છે કે સમિતિ રચવી એ શરૂઆત છે, અંતિમ ઉકેલ નહીં. જો નિર્ણય લેવામાં વિલંબ થશે તો આંદોલનનો માર્ગ ફરી અપનાવવો પડે કે કેમ, તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. બીજી તરફ, સરકાર માટે પણ પડકાર એ છે કે કર્મચારીઓની માગણીઓનો ઉકેલ સમયસર લાવીને ફરી આંદોલનની સ્થિતિ ઊભી ન થાય તેની તકેદારી રાખવી. હવે કર્મચારીઓની નજર સમિતિની પહેલી બેઠક અને તેના નિર્ણય પર છે. સવાલ એટલો જ છે, સમિતિ ઝડપથી નિર્ણય લેશે કે કર્મચારીઓએ ફરી આંદોલનનું શસ્ત્ર ઉગામવું પડશે? રંગીન મિજાજી પૂર્વ આઈએએસ અધિકારીએ યોગા કરવા ગ્રુપ બનાવ્યું
એક પૂર્વ આઈએએસ અધિકારી યોગાના ઘણા જ શોખીન છે. તેઓ ફરજ બજાવતા હતા ત્યારે પણ યોગા કરતા હતા.જો કે બ્યુરોક્રેટ્સમાં તેમની છબિ રંગીન મિજાજ ધરાવતા અધિકારી તરીકેની હતી. સચિવાલયમાં ચર્ચા છે કે, ભુતકાળમાં તેઓએ પોતાની જ એક નજીકની વ્યક્તિને કહ્યું હતું કે, જો કોઈ ફીમેલ સારા યોગ કરાવવા ઘરે આવી શકતી હોય તો મોકલજે. આવી વ્યવસ્થા પણ થઈ ગઈ હતી. ત્યાર બાદ આ અધિકારીએ તેના માણસને એવુ કહ્યુ કે, આ મેડમ કેવા છે, આપણી સાથે જલસા કરે એવું તું કહી દે. આવુ સાંભળીને પેલો માણસ ડઘાઈ ગયો હતો. ત્યાર બાદ મહીલા સાથે વાતચીત કરીને એવું કહ્યુ કે, ના સાહેબ આ મહીલા આવુ કરવાની ના પાડે છે. હવે આ સાહેબે નિવૃત્તિ પછીની યોગની પ્રવૃત્તિ શરુ કરી છે. જેમાં એક ગ્રુપ પણ બનાવ્યુ છે. જેને કારણે ચર્ચા છે કે, ખરેખર આ ગ્રુપ યોગા માટે જ છે કે પછી કોઈ… વાઇબ્રન્ટ સમિટે અધિકારીઓ-મંત્રીઓને દીવાળી કરાવી
જાન્યુઆરી 2027માં વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે. જેના માટેની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. આ વાઇબ્રન્ટ સાચા અર્થમાં કેટલીક એજન્સીઓ,અધિકારીઓ અને મંત્રીઓ માટે દીવાળી લાવી છે. દીવાળી પહેલા અને પછી વિદેશ યાત્રાના જલસા થઈ રહ્યા છે. એક એવો અંદાજ છે કે, આ સમિટ પાછળ 200 કરોડ જેટલો ખર્ચ થઈ શકે છે. જેમાંથી મોટાભાગનો ખર્ચ, મહાત્મા મંદીરમાં યોજાનારા મુખ્ય ઈવેન્ટ, ખાવા-પીવા અને હોટેલમા રહેવા તેમજ ટ્રાન્સપોર્ટેશન પાછળ થશે. ઉપરાંત એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં થતા મેળાવડાનો ખર્ચ પણ કરોડોમાં થતો હોય છે. હાલમાં તો જે કોઈને કામ હોય તો ઈન્ડેક્સ્ટ બી કે સીની એમપેનલ્ડ એજન્સીઓ પાસે કરાવી લે છે. જો કે, તેમાં પણ જબરજસ્ત ગોઠવણ ચાલી રહી છે. જે એજન્સીઓએ કોઈ મંત્રી કે અધિકારી સાથે સેટીંગ કર્યુ છે તેમને ફટાફટ કોન્ટ્રાક્ટ મળી જાય છે. 200 કરોડમાંથી 20 ટકા લેખેની ગણતરી કરવામાં આવે તો પણ 40 કરોડનો વહીવટ થઈ શકે છે એવી ચર્ચા સચિવાલયમાં થઈ રહી છે. મંત્રીઓ-અધિકારીઓની વિદેશ યાત્રા અને રજાના મહોલ વચ્ચે કામો લટકી પડ્યા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીપાર્ટમેન્ટના મંત્રી અર્જુન મોઢવાડીયા તેમજ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તેમની સાથે લગભગ એક ડઝન જેટલા આઈએએસ અધિકારીઓ વિદેશ યાત્રા પર છે. ઉપરાંત નવરાત્રિ,દશેરાના તહેવારોમાં રજાનો માહોલ હતો. જેને કારણે સચિવાલય પણ જાણે સૂમસામ બન્યું હતું. મોટાભાગના ડિપાર્ટમેન્ટોમાં ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓની ઓછી હાજરી હતી. જે આઈએએસ અધિકારીઓ વિદેશ નથી ગયા તેમાંથી કેટલાકે 1થી 3 દિવસની રજા લઈ લીધી હતી. જેણે રજા નહોતી લીધી તેઓ ઓફીસમાં મોડા આવ્યા હતા તો કેટલાય અધિકારીઓ અડધો દિવસ બાદ જતા રહ્યા હતા. તહેવારો,વાઇબ્રન્ટ સમિટ અને અધિકારીઓ-મંત્રીઓની ગેરહાજરી વચ્ચે અનેક મહત્વની ફાઈલો અને કામો લટકી પડ્યા છે. ગાંધીનગર સુધી ફરિયાદો પહોંચતા IAS અધિકારીની દિવાળી પછી બદલી થઈ શકે
ગુજરાતમાં ખૂબ સારું પોસ્ટિંગ ધરાવનારા એક IAS અધિકારીની બદલી અંગેની ચર્ચા ખૂબ જોરશોરથી ચાલી રહી છે. સરકાર દ્વારા ઓપરેશન ગંગાજળ શરૂ કરવામાં આવ્યું છે જેમાં કેટલાક IAS અધિકારીઓ ઉપર સરકાર દ્વારા નજર રાખી અને તપાસ ચલાવવામાં આવી રહી છે, ત્યારે એક IAS અધિકારીની પણ ખૂબ ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચી છે. IAS અધિકારીની દિવાળી પછી બદલી કરવામાં આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બેથી ત્રણ IAS અધિકારી ઉપર પણ સરકાર દ્વારા નજર રાખવામાં આવી રહી છે અને ગમે ત્યારે તેમની સામે પગલાં લેવાઈ શકે છે ત્યારે ભાજપના મોટા નેતાઓની નજીક રહેતા અને ખૂબ સારું પોસ્ટિંગ ધરાવનારા IAS અધિકારી અંગે ફરિયાદો થઈ હોવા અંગેની ચર્ચા જાગી છે ત્યારે હવે આ અધિકારીને જગ્યા પરથી પાણીચું ક્યારે આપવામાં આવે છે તેના પર સૌની નજર છે. ‘આપણા ઘરે આવીને આપણા ઉપર જ દાદાગીરી કરે છે’
સુરતમાં મુખ્યમંત્રી દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીને હળવા અંદાજમાં પાણી લાવવા મુદ્દે દાદાગીરી છે એવું કહીને રમુજ કરવામાં આવી હતી. પાણી મુદ્દે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં બીજા રાજ્યો કરતા સારી સ્થિતિ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રી જીતુ વાઘાણી બીજા રાજ્યોમાંથી પાણી લાવવા માટે મારી ઉપર દબાણ કરે છે. આપણા ઘરે આવીને આપણા ઉપર જ દાદાગીરી કરે છે. હળવા અંદાજમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી દ્વારા રમુજ કરવામાં આવી હતી જેને લઇને કાર્યક્રમમાં હાજર લોકો સહિત મુખ્યમંત્રી પણ ખડખડાટ હસી પડ્યા હતા. બદલીઓ આવી તો કેટલાક IPSની દિવાળી બગડશે
છેલ્લા કેટલાય સમયથી IPS અને રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીઓ તેમજ DYSP પ્રમોશન અંગેની ચર્ચા ચાલી રહી હતી. જોકે બદલીઓ હજી સુધી થઈ નથી ત્યારે પોલીસ બેડામાં બદલીઓને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે કે આઇપીએસ અધિકારીઓથી લઈને ઉચ્ચ અધિકારીઓની દિવાળી સુધરશે કે બગડશે. સરકાર દ્વારા ભૂતકાળમાં દિવાળી પહેલા પણ બદલીઓ કરવામાં આવી છે ત્યારે આ વર્ષે પણ જો સરકાર દિવાળીના થોડા દિવસ પહેલા જ બદલીઓનો ગંજીપો ચીપશે તો કેટલાક અધિકારીઓની દિવાળી બગડી શકે છે. હવે પોલીસ બેડામાં ચર્ચા જાગી છે કે સરકારે આટલા સમય સુધી જુઓ બદલીઓ નથી કરી તો હવે દિવાળી બાદ જ બદલી કરે તો સારું છે. બાકી પહેલા બદલી આવી ગઈ તો દિવાળી સારી જઈ શકે નહીં.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *