લો બોલો 13 વર્ષ પહેલા બનેલી સોસાયટીનો નકશો જ ગાયબ:વસ્ત્રાલની અબજીબાપા લેક સોસાયટીનો લે- આઉટ પ્લાન અને રેકોર્ડ AMCમાં નથી, બે ગેઈટ પર ગેરકાયદેસર બાંધકામનો આક્ષેપ

📅 Published: October 26, 2026 | 📂 Category: gujarati-news

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં 13 વર્ષ પહેલાં જ બનાવવામાં આવેલા અબજીબાપા લેકવ્યુ ફ્લેટનો નકશો મ્યુનિસિપલ કોર્પોરેશનના રેકોર્ડમાંથી ગાયબ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ફ્લેટના રહીશ દ્વારા સોસાયટીમાં આવેલા અન્ય બે ગેટ હોવા છતાં પણ તેના પર દબાણ કરી દેવામાં આવ્યું છે જેથી આરટીઆઈ મારફતે ફ્લેટના બાંધકામનો લે- આઉટ પ્લાન મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને રેકોર્ડ વિભાગ પાસે માંગવામાં આવ્યો હતો. જોકે, કોર્પોરેશન દ્વારા લે-આઉટ પ્લાન અને અન્ય સંબંધિત રેકોર્ડ મળી આવ્યા નથી. જોકે, સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગેટની જગ્યામાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દેવામાં આવ્યું છે, જેથી કોર્પોરેશનના અધિકારીઓની મિલીભગત હોવાના કારણે તેઓ પાસે આ નકશો ઉપલબ્ધ ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મારા ધ્યાનમાં નથી પણ આ બાબતે હું તપાસ કરાવીશ – BJP કોર્પોરેટર
મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારી વિનય ગુપ્તાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફ્લેટના લે- આઉટ પ્લાન અને સંબંધિત રેકોર્ડ મામલે હું તપાસ કરીને કહી શકીશ. આ બાબત મારા ધ્યાનમાં નથી. વસ્ત્રાલ વોર્ડના ભાજપના કોર્પોરેટર મીત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ બાબતની મારી સુધી કોઈ રજૂઆત આવી નથી. જોકે આ બાબતે હું તપાસ કરાવી લઈશ. જ્યારે કોર્પોરેટર પરેશ પટેલનો દિવ્યભાસ્કર દ્વારા સંપર્ક કરવામાં આવતા તેમણે ફોન ઉપાડ્યો નહોતો. ફ્લેટમાં પહેલા 3 જ ગેઈટ હતા હવે માત્ર એક જ ગેઈટ છે
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રતનપુરા તળાવ પાસે અબજી બાપા લેક વ્યુ સોસાયટી આવેલી છે, જેમાં 412 જેટલા મકાનો આવેલા છે અને 1600થી વધારે લોકો તેમાં રહે છે. વર્ષ 2013માં આ ફ્લેટનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને વર્ષ 2015માં લોકોને રહેવા માટે પઝેશન આપવામાં આવ્યું હતું. અબજીબાપા લેક વ્યુ ફ્લેટમાં 3 ગેઈટ હતા. જોકે, અત્યારે હાલમાં એક જ ગેઈટ ઉપલબ્ધ છે ત્યારે ફ્લેટના રહીશ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે બીજા ગેઈટ હોવા જોઈએ. જોકે, જે જગ્યા ઉપર હાલમાં બીજા બે ગેઈટનો રસ્તો છે ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે, તેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરી બાંધકામના લે-આઉટ અને અન્ય રેકોર્ડ માંગવામાં આવ્યા હતા. જોકે, તેઓના પાસે રેકોર્ડ જ ઉપલબ્ધ નથી એવો જવાબ આપવામાં આવ્યો હતો. 4 મહિના પછી RTIનો જવાબ- અમારી પાસે કોઈ નકશો નથી
ફ્લેટના રહીશ ઘનશ્યામભાઈ રાઠોડે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા ફ્લેટમાં 400થી વધુ મકાન આવેલા છે અને 1,600થી વધારે નાગરિકો રહે છે. ફ્લેટમાં ત્રણ જેટલા ગેઈટ આવેલા છે, જેમાંથી એક જ ગેટ અત્યારે છે. બીજા બે ગેઈટ જે તે સમયે શરૂ કરવામાં આવ્યા નહોતા અને ત્યાં દિવાલ બનાવી દેવામાં આવી હતી. ત્યારબાદ બંને જગ્યા ઉપર દુકાનો બનાવી દેવામાં આવી છે. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરીને બાંધકામ અંગેનો લેઆઉટ પ્લાન અને અન્ય રેકોર્ડ માંગવામાં આવ્યા હતા પરંતુ, તેઓ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. આ બાબતે RTI કરવામાં આવી હતી જેનો ચાર મહિના પછી જવાબ આપવામાં આવ્યો છે કે તેમની પાસે કોઈ નકશો ઉપલબ્ધ નથી અને મુખ્ય ફાઈલ મળી આવતી નથી. સોસાયટીની કોઈપણ બાબતમાં અમે વચ્ચે પડી શકે નહીં
વધુમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે અરજી કરવામાં આવી હતી ત્યારે એસ્ટેટ ઓફિસર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે, સોસાયટીની કોઈપણ બાબતમાં અમે વચ્ચે પડી શકે નહીં એવો હાઇકોર્ટનો હુકમ છે ત્યારે મેં કહ્યું હતું કે અગાઉ થોડા વર્ષો પહેલા અરજી કરવામાં આવી હતી ત્યારે જેસીબી લઈને કોર્પોરેશન તોડવા માટે આવ્યું હતું અને થોડું બાંધકામ તોડ્યું પણ હતું ત્યારે શું હાઇકોર્ટનો નિયમ નહોતો? અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે દુકાનો દ્વારા બાંધકામ કરવામાં આવ્યું છે. જેને તોડવા માટે જેસીબી લઈને કોર્પોરેશન આવ્યું હતું પરંતુ, પછી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જો સોસાયટીમાં કોઈપણ બનાવો બને તો નાગરિકોને બહાર નીકળવા માટે એક જ ગેટ ઉપલબ્ધ છે અને એક સાથે તમામ લોકો જો બહાર નીકળે તો પણ જાનહાનિ થઈ શકે છે. ફાઈલ શું કોઈ ચોરી કરી ગયું કે પછી ગાયબ કરી દેવામાં આવી
સોસાયટીમાં ત્રણ ગેઈટ હોવા છતાં માત્ર એક જ ગેટ અત્યારે ઉપલબ્ધ છે અને બે ગેઈટ ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું હોવાથી સોસાયટીનો લે-આઉટ પ્લાન અને અન્ય રેકોર્ડ માંગવામાં આવ્યા હતા. જોકે, આ રેકોર્ડ કોર્પોરેશન પાસે ઉપલબ્ધ નથી એવો જવાબ ખુદ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારી દ્વારા આપવામાં આવ્યો છે ત્યારે કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ અને સેન્ટ્રલ રેકોર્ડ વિભાગની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. માત્ર 13 વર્ષ પહેલા જ બનેલી સોસાયટીનો નકશો અને અન્ય સંબંધિત રેકોર્ડ ઉપલબ્ધ નથી એવું સત્તાવાર રીતે ફ્લેટના રહીશોને જણાવવામાં આવ્યું છે ત્યારે આવી ફાઈલ શું કોઈ ચોરી કરી ગયું કે પછી ગાયબ કરી દેવામાં આવી છે તેના પર સવાલ ઉભા થઈ રહ્યા છે.

અબજીબાપા લેક વ્યુ ફ્લેટના કેટલાક રહીશ દ્વારા નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં જ્યારે બાંધકામ તોડવા માટે કોર્પોરેશન આવ્યું હતું ત્યારે પૂર્વ વિસ્તારમાં મોટું નામ ધરાવનારા વ્યક્તિ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો જે બાદ કોર્પોરેશન દ્વારા બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી નહોતી. 15 દિવસ પહેલા પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક અધિકારી-કર્મચારી આવ્યા હતા અને કેટલોક વ્યવહાર કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જો ખરેખર આ બાબતે તપાસ કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટના અધિકારીઓ અને કર્મચારીઓની પોલ ખુલી શકે તેમ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *