આગામી મહિને અગિયારસના દિવસથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે. ગત વર્ષે પ્રતિકૂળ મોસમને કારણે ભારે વરસાદ પડ્યો હતો અને પરિક્રમા યોજાઈ શકી ન હતી, જેના કારણે આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે તેવી પ્રબળ સંભાવના છે. આ વ્યાપક આયોજન અને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી દ્વારા મહાનગરપાલિકા અને પોલીસ વિભાગની ટીમો સાથે રૂટનું સ્થળ નિરીક્ષણ કરી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ચોમાસાની સિઝન પૂર્ણ થતાની સાથે જ પરિક્રમા રૂટ પરના રસ્તાઓના રિપેરિંગના કામો, પીવાની પાણીની સુવિધાઓ અને વીજળીની વ્યવસ્થાઓ ઊભી કરવા માટે સંબંધિત તમામ વિભાગોએ અત્યારથી જ પૂરજોશમાં કામગીરી શરૂ કરી દીધી છે. પરિક્રમાના પ્રવેશદ્વારથી શરૂ કરીને, પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ, લાઈટ તેમજ સુરક્ષા અને સલામતી માટે પોલીસ અને ફોરેસ્ટ વિભાગ વચ્ચે પરસ્પર સંકલન જાળવીને કર્મચારીઓને ડિપ્લોય કરવા માટેનું સચોટ આયોજન કરવામાં આવ્યું છે. બહારના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવતા વાહનો માટે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા, ત્યાંથી શ્રદ્ધાળુઓની અવરજવર, બોરદેવીથી ઉતરતી વખતે ભીડનું નિયંત્રણ અને રુટ પર શૌચાલય તેમજ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. પાંચ દિવસ ચાલતી આ પરિક્રમા દરમિયાન અંદાજે પાંચથી સાત લાખ લોકો આવતા હોય છે, ત્યારે સ્વચ્છતા જાળવવા અને રસ્તાઓનું સમારકામ વહેલી તકે પૂર્ણ કરવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેવાના કારણે પ્રાકૃતિક પાણીના સ્ત્રોતો અને નદીઓમાં પાણીની અછત વર્તાઈ શકે તેમ છે, જે ગત વર્ષો કરતા અલગ સ્થિતિ છે. આ મુશ્કેલીને પહોંચી વળવા માટે અગાઉના 19 બોર સામે આ વખતે વધારાના 10 થી 12 નવા બોર બનાવવાની તૈયાર કરાઈ છે. વોટર સપ્લાય ટીમ દ્વારા સ્થળ તપાસ અને ટેસ્ટિંગ બાદ હાલ 12 બોરમાં પાણી ઉપલબ્ધ છે, અને આગામી 15 તારીખ સુધીમાં તમામ નવા બોર કાર્યરત થઈ જશે, જેથી જૂના અને નવા સ્ત્રોતો મળી કુલ 30 થી 32 પાણીના પોઇન્ટ્સ ઊભા થશે. જંગલ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ જટિલ હોવાથી તેમજ માનવ-પશુ સંઘર્ષની ઘટનાઓ વધતી હોવાથી શ્રદ્ધાળુઓની સલામતી સર્વોપરી છે. કલેક્ટર યોગેશ ચૌધરીએ ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે સિનિયર નાગરિકો અને નાના બાળકોને લાવવાનું ટાળવું અથવા વિશેષ કાળજી રાખવી. નિર્ધારિત રૂટની બહાર જંગલના અંદરના વિસ્તારોમાં કોઈપણ સંજોગોમાં અવરજવર ન કરવા તેમજ વહીવટી તંત્ર અને વન વિભાગની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. 180 ચોરસ કિલોમીટરના આ સિંહના અવર જવર ક્ષેત્રમાં 35 કિલોમીટરના રૂટ પર ફોરેસ્ટ ટ્રેકર્સ અને સિંહની હિલચાલ પર સતત નજર રાખતી ટીમો તૈનાત રહેશે, જેથી પરિક્રમા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થઈ શકે.
ગિરનાર લીલી પરિક્રમા માટે વહીવટી તંત્રની તૈયારીઓ શરૂ.:લાખો શ્રદ્ધાળુઓની ભીડની સંભાવના વચ્ચે કલેક્ટર યોગેશ ચૌધરીએ પાણી, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરી,કુલ 30 થી 32 પાણીના પોઇન્ટ્સ ઊભા થશે.
📅 Published: October 26, 2026 |
📂 Category: gujarati-news
