Rajkot: જૂનાગઢની આંગડિયા પેઢીઓને લૂંટવાનો પ્લાન નિષ્ફળ, કુવાડવા પાસેથી UP-બિહાર-મુંબઈની હથિયારધારી ગેંગ ઝડપાઈ!

📅 Published: October 26, 2026 | 📂 Category: Crime

દિવાળીના તહેવારો દરમિયાન આંગડિયા પેઢીઓમાં કરોડો રૂપિયાની રોકડની હેરફેર વધી જતી હોય છે, ત્યારે આ રોકડ પર નજર રાખીને સૌરાષ્ટ્રને ધ્રૂજાવી દે તેવી લૂંટને અંજામ આપવા નીકળેલી એક અત્યંત ખતરનાક અને કુખ્યાત આંતરરાજ્ય ટોળકીને રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) એ ઝડપી પાડી છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને મુંબઈના રીઢા ગુનેગારોની બનેલી આ હથિયારધારી ટોળકી જૂનાગઢની આંગડિયા પેઢીઓમાંથી રોકડ લઈને નીકળતા કર્મચારીઓને રસ્તામાં આંતરીને લૂંટવાનું પદ્ધતિસરનું ષડયંત્ર રચી ચૂકી હતી. રાજકોટ SOG ની ટીમે બાતમીના આધારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર કુવાડવા નજીક વાંકાનેર ચોકડી પાસેથી ફિલ્મી ઢબે નાકાબંધી કરીને XUV ગાડી સાથે ૫ લૂંટારુઓને જીવલેણ હથિયારો સાથે દબોચી લીધા છે.

કુવાડવા હાઈવે પર વોચ ગોઠવી XUV ગાડી ઝડપી પાડી

તહેવારોના દિવસોમાં આંગડિયા પેઢીઓ કે વેપારીઓ લૂંટ-ધાડનો ભોગ ન બને તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી SOG ના PI એન.બી. ચૌધરી અને બી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI બી.વી. ચુડાસમાની ટીમ સઘન પેટ્રોલિંગમાં હતી.આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની XUV 500 ગાડી (નંબર: MH-06-BE-3165) માં કેટલાક પરપ્રાંતીય શખ્સો જીવલેણ હથિયારો સાથે લૂંટ કરવાના ઈરાદે રાજકોટ તરફ આવી રહ્યા છે.SOG ની ટીમે કુવાડવા વાંકાનેર ચોકડી પાસે તાબડતોબ વોચ ગોઠવી શંકાસ્પદ XUV ગાડીને ઘેરી લીધી હતી. ગાડીની તલાશી લેતાં તેમાંથી દેશી પિસ્ટલ, ધારદાર છરીઓ, બેઝબોલનો ઘોકો અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 5,61,600 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી ૫ આરોપીઓની ધરપકડ કરી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં BNS ની લૂંટ અને ધાડની તૈયારી તથા આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.

પકડાયેલા આરોપીઓ અને ગુનાહિત કુંડળી

રંજનકુમારસિંહ ફિરંગીસિંહ રાજપુત (ઉં.વ. 45, રહે. પશ્ચિમ ચંપારણ, બિહાર) ટોળકીનો મુખ્ય સૂત્રધાર, જેના વિરુદ્ધ બિહારના બેતીયા, સુગૌલી, લૌરીયા અને બગહા પોલીસ મથકોમાં લૂંટ, ધાડ, ખૂન અને NDPS એક્ટ હેઠળ 9 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે.જાકીરઅલી લીયાકતઅલી (ઉં.વ. 55, રહે. પ્રતાપગઢ, UP): અગાઉ મારામારી, ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં સંડોવાયેલો છે.સૈફુદ્દીન નજમીયા અંસારી (ઉં.વ. 45, રહે. જૈસવાલનગર, UP) અગાઉ ખૂન, લૂંટ અને ધાડના કેસોમાં જેલ જઈ ચૂક્યો છે.મહંમદ શાહબાઝ શેખ (ઉં.વ. 31, મૂળ UP, હાલ રહે. વડાલા ઈસ્ટ, મુંબઈ).સંજય સૂર્યનારાયણસિંહ રાજપુત (ઉં.વ. ૪૮, રહે. કલવા, થાણે, મહારાષ્ટ્ર). ફરાર આરોપી: મહેબૂબ (રહે. કોહડીર, પ્રતાપગઢ, UP) ની શોધખોળ માટે ટીમો રવાના કરવામાં આવી છે.

જામનગર-જૂનાગઢમાં કરી હતી રેકી

ઝડપાયેલી આંતરરાજ્ય ગેંગે પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેઓએ સૌરાષ્ટ્રના જામનગર અને જૂનાગઢ જેવા વેપારી કેન્દ્રોમાં આવેલી આંગડિયા પેઢીઓની અગાઉથી રેકી કરી લીધી હતી.જૂનાગઢની અલગ-અલગ આંગડિયા શાખાઓમાંથી નિયમિત મોટી રોકડ રકમ લઈને નીકળતા કર્મચારીઓ કયા રૂટ પર જાય છે અને ક્યારે નીકળે છે તેની તમામ માહિતી ભેગી કરી લીધી હતી.દિવાળીના તહેવાર દરમિયાન આંગડિયા કર્મીઓ પર રસ્તામાં હથિયારો વડે હુમલો કરી રોકડ ભરેલી બેગ આંચકીને અન્ય રાજ્યમાં ફરાર થઈ જવાનો પ્લાન હતો, પરંતુ રાજકોટ SOG ની સતર્કતાથી એક મોટી સનસનાટીભરી ઘટના બનતાં અટકી ગઈ છે.

આ પણ વાંચો: Dwarka: કલ્યાણપુરમાં વીજ કંપનીના કામ સામે વિરોધ વધ્યો, ઉશ્કેરાયેલા શખ્સે લોકો પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયાસ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *