પેટલાદની પંડોળી ની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની યોજાયેલી રસાકસીભરી ચૂંટણી બાદ મંડળીની સંચાલન ધુરા નવા ચહેરાઓના ફાળે ગઈ છે. અંદાજે રૂા. 10 કરોડ જેટલી માતબર રકમનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી આ દૂધ મંડળીની ચૂંટણીનો જંગ જીતવા માટે બે જૂથોએ ઝંપલાવ્યું હતું. 11 બેઠકો માટે 30 ઉમેદવારોએ ઝંપલાવતા આ ચૂંટણી જંગ રસાકસીભર્યો બન્યો હતો. જેમાં 9 સામાન્ય બેઠકો માટે ર6 અને બે સ્ત્રી અનામત બેઠકો સામે 4 મહિલાઓએ ઉમેદવારી નોંધાવી હતી. મતદાન પ્રક્રિયા અને તે બાદના પરિણામોમાં મતદારોએ મોટાભાગે યુવાનો પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. સામાન્ય વર્ગની 9 બેઠકો પર કાંતિભાઈ પૂનમભાઈ ચૌહાણ, શનાભાઈ મોતીભાઈ સોલંકી, અશોકભાઈ ઈશ્વરભાઈ સોલંકી, ગણપતભાઈ ચતુરભાઈ ચૌહાણ, ગોવિંદભાઈ હાથીભાઈ ચૌહાણ, માધવસિંહ ફુલાભાઈ સોલંકી (એડવોકેટ), નવિનચંદ્ર જીવાભાઈ ગોહેલ, વિક્રમભાઈ ભારતભાઈ સોલંકી અને અર્જુનભાઈ લલ્લુભાઈ સોલંકી વિજેતા નિવડયા હતા. જ્યારે મહિલા અનામત બેઠકો પર નંદાબેન જગદીશભાઈ સોલંકી (ભરત નાયર) અને ભાવનાબેન અલ્પેશભાઈ સોલંકી (દલો)એ વિજય મેળવી દૂધ મંડળીની કમિટીમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયા બાદ મંડળના હોદેદારોની પસંદગી માટે મળેલી બેઠકમાં ચેરમેન તરીકે માધવસિંહ એફ. સોલંકી અને નંદાબેન જે. સોલંકી વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી પામ્યા હતા. ચૂંટાયેલા સૌ સભ્યોએ દૂધ ઉત્પાદકોના આર્થિક હિતોનું જતન કરવાનજી અને સંસ્થાને ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરાવવા માટે સમર્પણભાવથી કાર્ય કરવા જણાવ્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Pandoli, Milk , Election, Anand
