Surat: બારડોલી બાળાસરી અકસ્માતમાં ઇજાગ્રસ્ત શ્રમિકના માથામાંથી સળિયો સફળતાપૂર્વક દૂર કરાયો

📅 Published: October 27, 2026 | 📂 Category: Surat

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાળાસરી ગામે નિર્માણધીન સ્વામિનારાયણ મંદિરમાં કામ કરતા ૧૮ વર્ષીય શ્રમિક સાથે કાળજું કંપાવી દેનારી ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. સેન્ટિંગ કામ દરમિયાન સંતુલન ગુમાવતાં પહેલા માળેથી નીચે પટકાયેલા યુવકના માથા અને આંખની આરપાર લોખંડનો જાડો સળિયો ઘૂસી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયેલા આ યુવકની ન્યુરોસર્જન અને જનરલ સર્જન સહિતના નિષ્ણાત તબીબોની ટીમે મોડી રાત્રે ૩ થી ૪ કલાક સુધી અત્યંત જોખમી અને જટિલ સર્જરી કરી ખોપરી ખોલીને સળિયો સફળતાપૂર્વક બહાર કાઢ્યો છે. જોકે, આ કેસ મેડિકલ સાયન્સમાં ‘એક્સ્ટ્રીમલી રેર’ હોવાથી દર્દીને હાલ આઈસીયુ (ICU) માં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો છે અને તેની સ્થિતિ હજુ પણ નાજુક ગણાવાઈ રહી છે.

સેન્ટિંગ કામ વખતે સંતુલન બગડ્યું ને સળિયા પર પટકાયો

બારડોલીના બાળાસરી ગામે સ્વામિનારાયણ મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું, જ્યાં 18 વર્ષીય આદિવાસી શ્રમિક કિરણ ડામોર સેન્ટિંગ કામ કરી રહ્યો હતો. કામ કરતી વખતે અચાનક પગ લપસતાં કે સંતુલન બગડતાં તે સીધો પહેલા માળેથી નીચે જમીન પર પટકાયો હતો.નીચે પટકાતાં જ ત્યાં ઉભો રહેલો એક તીક્ષ્ણ લોખંડનો સળિયો તેની આંખની બાજુમાંથી પ્રવેશીને ખોપરી ચીરી માથાની આરપાર નીકળી ગયો હતો, જ્યારે બીજો સળિયો તેના ડાબા હાથમાં ઊંડે સુધી ખૂંપી ગયો હતો.આ ભયાનક દ્રશ્ય જોઈ મંદિર પરિસરમાં કામ કરતા અન્ય શ્રમિકોમાં ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી.

ગ્રાઇન્ડર મશીનથી સળિયો કાપી તાત્કાલિક સુરત સિવિલ લવાયો

ઘટના બનતાં જ સાથી શ્રમિકોએ ભારે હિંમત દાખવીને તાત્કાલિક સાઈટ પર પડેલા ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર મશીન વડે સળિયાનો બાકીનો હિસ્સો સાવચેતીપૂર્વક કાપી નાખ્યો હતો.માથામાં સળિયો ખૂંપેલી હાલતમાં જ કિરણ ડામોરને 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે લાવવામાં આવ્યો હતો.દર્દીની ગંભીર હાલત જોતાં સિવિલ હોસ્પિટલનું તંત્ર તાબડતોબ એક્શનમાં આવ્યું હતું અને તમામ સિનિયર કન્સલ્ટન્ટ્સને ઓપરેશન થિયેટરમાં બોલાવી લેવાયા હતા.

3 થી 4 કલાક ચાલી હાઇ-રિસ્ક સર્જરી

ન્યુરોસર્જરી, જનરલ સર્જરી, એનેસ્થેસિયા અને ક્રિટિકલ કેર વિભાગના નિષ્ણાતોની સંયુક્ત ટીમે દર્દીને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લીધો હતો.મગજની નસો (Brain vessels) અને આંખના સંવેદનશીલ ભાગોને વધુ નુકસાન ન થાય તે રીતે તબીબોએ અત્યંત સાવધાનીપૂર્વક ક્રેનિયોટોમી (ખોપરી ખોલીને) કરી 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ માથામાંથી લોખંડનો સળિયો બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. સર્જરી સફળ રહી હોવા છતાં, મગજના આંતરિક ભાગમાં ગંભીર ઈજા અને હેમરેજ હોવાને કારણે કિરણ ડામોરને ન્યુરો આઈસીયુમાં વેન્ટિલેટર પર રખાયો છે. આગામી 48 થી 72 કલાક તેના જીવન માટે અત્યંત નાજુક ગણવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Gandhinagar: ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ 2 સિનિયર GAS અધિકારીઓ ઘરભેગા; જોઈન્ટ કમિશનર અને MD ની તાત્કાલિક હકાલપટ્ટી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *