રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને ફટાકડાના સ્ટોલ ધારકો માટે ફાયર વિભાગની એનઓસી લેવાની જોગવાઈમાંથી મુક્તિ આપી છે. આ નવા આદેશ મુજબ હવે વેપારીઓએ ફાયર એનઓસી માટે વિભાગના ધક્કા ખાવા પડશે નહીં. સુરત સહિત રાજ્યભરના ફટાકડાના સ્ટોલ ધારકોને આ નિર્ણયથી વહીવટી દોડધામમાંથી મોટી રાહત પ્રાપ્ત થઈ છે અને પ્રક્રિયા સરળ બની છે.
500 ચોરસ મીટર (અંદાજે 5380 ચોરસ ફૂટ)થી નાની દુકાનોને ફાયદો
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના પરિપત્ર અનુસાર હવે ફટાકડાના સ્ટોલ શરૂ કરવા માટે ફાયર વિભાગ તરફથી મેળવવામાં આવતી એનઓસીની કોઈ જરૂર રહેશે નહીં. ગુજરાત સરકારના નવા નિયમો અનુસાર, 500 ચોરસ મીટર (અંદાજે 5380 ચોરસ ફૂટ)થી નાના વિસ્તારમાં બનતા ફટાકડાના હંગામી સ્ટોલ માટે ફાયર NOC લેવાની જરૂર રહેશે નહીં
તમામ સત્તા સ્થાનિક આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રને સોંપવામાં આવી
સરકારના આ વહીવટી નિર્ણયથી સ્ટોલ સંચાલકોને વર્ષોથી ફાયર કચેરી ખાતે એનઓસી મેળવવા માટે કરવા પડતા ધક્કા અને લાંબી દોડધામમાંથી કાયમી મુક્તિ મળી ગઈ છે. અગાઉ સ્ટોલ ઊભા કરતાં પહેલાં ફાયર વિભાગની મંજૂરી મેળવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ રહેતી હતી. હવે નવી વ્યવસ્થા મુજબ ફટાકડાના સ્ટોલ માટે જરૂરી એનઓસી આપવાની તમામ સત્તા સ્થાનિક આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રને સોંપવામાં આવી છે. આ બંને વિભાગો સંયુક્ત રીતે નિયમોની ચકાસણી કરીને સ્ટોલધારકોને જરૂરી પરવાનગી આપશે, જેથી વહીવટી પ્રક્રિયા ઝડપી બની રહેશે.
સુરત શહેરમાં દર વર્ષે 350 થી વધુ મોટા ફટાકડાના સ્ટોલ
બીજી તરફ સુરત શહેરમાં દર વર્ષે 350 થી વધુ મોટા ફટાકડાના સ્ટોલ ઊભા કરવામાં આવતા હોય છે, જેથી આ શહેરના વેપારીઓ માટે આ નિર્ણય વિશેષ લાભદાયક સાબિત થયો છે. જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે ફાયર એનઓસી લેવામાંથી ભલે મુક્તિ આપવામાં આવી હોય, પરંતુ સ્ટોલ પર ફાયર સેફ્ટીના સાધનો રાખવાની ફરજિયાત પ્રક્રિયા સંપૂર્ણપણે યથાવત રહેશે.
અગ્નિશામક સાધનો પોતાની દુકાને સુસજ્જ રાખવા પડશે
આગની કોઈપણ અણધારી દુર્ઘટનાને રોકવા માટે દરેક સ્ટોલધારકે જરૂરી અગ્નિશામક સાધનો પોતાની દુકાને સુસજ્જ રાખવા પડશે. સુરતમાં તમામ વેપારીઓએ સુરક્ષાના નિયત સાધનોની યોગ્ય વ્યવસ્થા સાથે જ પોતાના સ્ટોલ શરૂ કર્યા છે. આ નવા નિયમથી સુરક્ષાના ધોરણો જળવાઈ રહેશે અને વેપારીઓને બિનજરૂરી કાગળિયા તથા કચેરીઓના ધક્કા ખાવામાંથી સાચી રાહત મળશે.
અધિકારીએ શું જણાવ્યું
સુરતના ફાયર અધિકારી ધોબીએ જણાવ્યું હતું કે સરકારે હાલમાં 23 ઓક્ટોબરે ગેઝેટ પ્રસિદ્ધ કર્યું છે, જેમાં 500 ચોરસ મીટરથી ઓછું ક્ષેત્રફળ ધરાવતા સ્ટોલ માટે મંજૂરીની પ્રક્રિયા અંગે જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં જે અરજીઓ આવે છે, તેમાં ફાયર વિભાગ દ્વારા અભિપ્રાય આપવામાં આવશે. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જોકે, ફાયર સેફ્ટીનાં સાધનો રાખવા ફરજિયાત રહેશે. તેમજ જે પણ મંડપો બનાવવામાં આવે છે, તે હોસ્પિટલ, શાળા અને ટ્રાન્સફોર્મરથી દૂર રાખવા પડશે.
