પાકિસ્તાનની ધરતી પર રમાઈ રહેલી ODI ટ્રાઇ-સિરીઝમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. શ્રીલંકાએ પાકિસ્તાનને 8 વિકેટે હરાવીને જોરદાર જીત નોંધાવી છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાનની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી અને આખી ટીમ માત્ર 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ શ્રીલંકાએ માત્ર 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે શ્રીલંકાએ ટ્રાઇ-સિરીઝની ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. બીજી તરફ, ટુર્નામેન્ટમાં સતત 3 હારનો સામનો કરનાર ઇંગ્લેન્ડની ટીમ ટાઇટલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
પાકિસ્તાનની બેટિંગના ઉડ્યા ધજાગરા
મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેનો નિર્ણય એકદમ સાચો સાબિત થયો. શ્રીલંકાના બોલરોએ શરૂઆતથી જ પાકિસ્તાની બેટ્સમેનો પર દબાણ બનાવ્યું હતું. પાકિસ્તાનની ટીમ 25.3 ઓવરમાં માત્ર 110 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી બાબર આઝમ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. તેણે 33 બોલમાં 29 રન બનાવ્યા હતા. તેના સિવાય કોઈ બેટ્સમેન 20 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. ફખર જમાન 5 રન, મઝ સદાકત 8 રન અને સલમાન અલી આગા 9 રન બનાવીને આઉટ થયા હતા.
દિલશાન મદુશંકાએ 5 વિકેટ લઈને તબાહી મચાવી
શ્રીલંકાની જીતનો સૌથી મોટો હીરો દિલશાન મદુશંકા રહ્યો હતો. તેણે શાનદાર બોલિંગ કરતાં 5 વિકેટ ઝડપી હતી અને પાકિસ્તાનની બેટિંગ લાઇનઅપને વેરવિખેર કરી નાખી હતી. સહન આરાચિગેએ 2 વિકેટ લીધી હતી, જ્યારે દુનિથ વેલાલાગે, ઈશાન મલિંગા અને અસિથા ફર્નાન્ડોએ 1-1 વિકેટ મેળવી હતી. મદુશંકાની ઘાતક બોલિંગને કારણે પાકિસ્તાનની ટીમ મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહી હતી. ઘરઆંગણે રમતી પાકિસ્તાની ટીમ માટે આ પ્રદર્શન મોટો ઝટકો સાબિત થયું હતું.
શ્રીલંકાએ આસાનીથી હાંસલ કર્યો લક્ષ્યાંક
111 રનના નાના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરી હતી. કામિન્દુ મેન્ડિસે 60 બોલમાં અણનમ 62 રન બનાવીને જીત આસાન કરી દીધી હતી. પવન રત્નાયકે પણ 26 બોલમાં અણનમ 23 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકાએ માત્ર 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો અને 8 વિકેટે મેચ જીતી લીધી હતી. આ સાથે ટીમે અગાઉ પાકિસ્તાન સામે મળેલી હારનો બદલો પણ લઈ લીધો હતો.
ઇંગ્લેન્ડની ટીમ ટાઇટલની રેસમાંથી બહાર
આ ટ્રાઇ-સિરીઝમાં ઇંગ્લેન્ડ માટે સ્થિતિ નિરાશાજનક રહી છે. ટીમને શરૂઆતની 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે ઇંગ્લેન્ડની ટીમ ફાઇનલની દોડમાંથી બહાર થઈ ગઈ છે. હવે શ્રીલંકાની જીતે ટુર્નામેન્ટની ફાઇનલની તસવીર પણ સ્પષ્ટ કરી દીધી છે. પાકિસ્તાન સામે શ્રીલંકાની આ જીત માત્ર 2 પોઇન્ટ મેળવવા પૂરતી નહોતી; તેણે ટીમને ફાઇનલમાં પહોંચાડવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હવે શ્રીલંકાની નજર ટ્રોફી જીતવા પર રહેશે, જ્યારે પાકિસ્તાન માટે પોતાની ભૂલો સુધારીને આગળ વધવાનો પડકાર રહેશે.
આ પણ વાંચો: Abhishek Sharmaનું તાંડવ જોઈ પાકિસ્તાની દિગ્ગજ પણ સ્તબ્ધ ! કહ્યું ‘આવું તોફાન પહેલાં ક્યારેય જોયું નથી’
