ભાવનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (બાડા)ના આઉટસોર્સ્ડ પ્લાનિંગ આસિસ્ટન્ટ મીતુલ જગદીશભાઈ પાનસીણીયાને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ 27 ઓક્ટોબરના રોજ કાળિયાબીડ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે આવેલ કલ્યાણ જ્વેલર્સ નજીકથી રૂ.9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. શામપરા સિદસર ગામની સીમમાં આવેલી ખેતીની જમીનને બિનખેતી (NA) કરવા માટેનો પ્લાન મંજૂર કરવાના બદલામાં આ લાંચની માંગણી કરવામાં આવી હતી. 12 લાખમાં ડિલ ને 9 લાખ લેતાં જ દબોચાયો
ફરિયાદી ખેડૂત છેલ્લા દોઢ વર્ષથી પોતાની જમીનનો પ્લાન મંજૂર કરાવવા માટે બાડા (BADA) કચેરી ખાતે પ્રક્રિયા કરી રહ્યા હતા. આ કામગીરી માટે આરોપી મીતુલ પાનસીણીયાએ શરૂઆતમાં 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ રકઝકના અંતે 12 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. આ રકમ પૈકી પ્રથમ હપ્તા તરીકે 9 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. ACBએ કાળિયાબીડ ટાંકી પાસે છટકું ગોઠવ્યું હતું
ખેડૂત લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ભાવનગર ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ACBના PI ટી.એસ. રીઝવી અને તેમની ટીમે કાળિયાબીડ ટાંકી પાસે છટકું ગોઠવ્યું હતું. આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રકમ સ્વીકારતા જ સ્થળ પર હાજર ACB સ્ટાફે તેને ઝડપી લીધો હતો. મીતુલ પાનસીણીયા વિરુદ્ધ ગુનો દાખલ
આ બનાવ અંગે ACB દ્વારા આરોપી પ્લાનિંગ આસિસ્ટન્ટ મીતુલ પાનસીણીયા વિરુદ્ધ લાંચ રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભાવનગર બાડાનો આઉટસોર્સ પ્લાનિંગ આસિસ્ટન્ટ 9 લાખની લાંચ લેતા ઝડપાયો:જમીનનો બિનખેતી પ્લાન મંજુર કરવા લાંચની માંગણી કરી'તી, ACBએ કાળિયાબીડ ટાંકી પાસેથી દબોચ્યો
📅 Published: October 28, 2026 |
📂 Category: gujarati-news
