ટાઈગર શ્રોફ ગોળીબાર કેસમાં મોટો વળાંક:તમામ આરોપીઓ સામે મકોકા

📅 Published: October 28, 2026 | 📂 Category: gujarati-news

જુહુમાં બોલીવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા ગોળીબારના કેસમાં તપાસે નવો વળાંક લીધો છે. મુંબઈ પોલીસે આ કેસમાં તમામ આરોપીઓ સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (મકોકા) 1999ની કડક જોગવાઈઓ લાગુ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી સંગઠિત ગુનાખોરીના નેટવર્ક અને હુમલા પાછળના કથિત હેતુઓની તપાસને વધુ વ્યાપક બનાવશે. તપાસ અધિકારીઓને આશંકા છે કે ગોળીબારનો હેતુ ખંડણી વસૂલવાનો, ગેંગનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો અને ફિલ્મોદ્યોગમાં ભય ફેલાવવાનો હોઈ શકે છે. જોકે હુમલા પાછળનો ચોક્કસ હેતુ અને અન્ય ગુનાહિત નેટવર્ક સાથેના સંબંધો અંગે તપાસ હજુ ચાલુ છે. મુંબઈના જુહુ વિસ્તારમાં 18 ઓક્ટોબરે ટાઈગર શ્રોફની કાર પર મોટરસાઇકલ સવાર બે શૂટરોએ પાંચથી છ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો અને ત્યાર બાદ ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં અભિનેતા બચી ગયો હતો, જ્યારે તેના ડ્રાઇવર સહિત બે લોકોને ઈજા પહોંચી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. કુણાલ, સુમિત, રાધા અને બબીતાની પોલીસ કસ્ટડી કોર્ટે 28 ઓક્ટોબર સુધી લંબાવી છે, જ્યારે બાકીના આરોપીઓને 31 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડી પર સોંપવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓના મોબાઇલ ફોનમાંથી મળેલા ડેટાનું વિશ્લેષણ અને અન્ય આરોપીઓ સાથે સામસામે પૂછપરછ કરવાની બાકી છે. મકોકાની કલમ લગાવવા મંજૂ઼રી
ટાઈગર શ્રોફ પર ગોળીબારના કેસમાં, પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ’ (મકોકા), 1999ની કડક જોગવાઈઓ લાગુ કરી છે. આ જોગવાઈઓ ડીસીબી સીઆઈડી ક્રાઈમ નંબર 143/26 માં ઉમેરવામાં આવી છે, જે 19 ઓક્ટોબર, 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1) અને 3(5) તથા આર્મ્સ એક્ટ (શસ્ત્ર અધિનિયમ)ની કલમ 3 અને 25 હેઠળ નોંધવામાં આવ્યો હતો. સક્ષમ સત્તાધિકારી દ્વારા 27 ઓક્ટોબરે મક્કોકાની કલમ 23(1)(એ) હેઠળ આ કાર્યવાહીને મંજૂરી આપવામાં આવી હતી. હવે તેમાં કલમ 3(1)(ii), 3(2) અને 3(4)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *