બંગાળની ખાડીમાં સર્જાયેલું અતિ તીવ્ર ચક્રવાતી તોફાન ‘અર્ણબ’ ધારણા કરતાં વધુ ઝડપથી આગળ વધીને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, વહેલી સવારે 1:20 વાગ્યે તોફાનની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ હતી. વાવાઝોડું કાકીનાડા નજીક યાનમની દક્ષિણે બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચેના પટ્ટામાં જમીન સાથે અથડાયું હતું. લેન્ડફોલ સમયે 125 થી 135 કિમી પ્રતિ કલાકની ઝડપે સતત પવન ફૂંકાયો હતો, જ્યારે પવનના ઝાપટાં 150 કિમી પ્રતિ કલાકની તોફાની ગતિએ પહોંચ્યા હતા. પ્રશાસન દ્વારા અગમચેતીના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારોમાંથી 84,000 થી વધુ લોકોને સલામત આશ્રયસ્થાનોમાં ખસેડી લેવાયા છે.
કાકીનાડા અને વિશાખાપટ્ટનમમાં ભારે તારાજી
વિશાખાપટ્ટનમ અને અનકાપલ્લેમાં તોફાની પવનના કારણે સેંકડો તોતિંગ વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયા હતા અને વીજળીના થાંભલા તૂટી પડતાં વ્યાપક વીજકાપ સર્જાયો હતો.કાચા મકાનોના પતરાં હવામાં ફંગોળાઈ ગયા હતા તેમજ સંખ્યાબંધ ઘરોની દીવાલો ધરાશાયી થઈ હતી. વિશાખાપટ્ટનમના સુપ્રસિદ્ધ આરકે બીચ પર વિશાળ કદના મોજા ઉછળતાં કિનારાના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.
દાવરી ક્ષેત્રમાં 100 મીમીથી વધુ વરસાદ
અનકાપલ્લે, કાકીનાડા, કોનસીમા, પૂર્વ ગોદાવરી અને પશ્ચિમ ગોદાવરી જિલ્લાઓમાં 100 મીમીથી વધુ મુશળધાર વરસાદ ખાબક્યો છે. સમુદ્રમાં 1.5 થી 2.5 મીટર ઊંચા તોફાની મોજા ઉછળ્યા હતા, જ્યારે ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં પાણીની સપાટી 2 થી 3.5 મીટર સુધી વધી જતાં નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં દરિયાઈ પાણી ઘૂસી ગયા હતા.મુખ્ય માર્ગો જળમગ્ન બનતાં દરિયાકાંઠાના અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. દક્ષિણ ઓડિશાના સરહદી જિલ્લાઓમાં પણ ભારે પવન સાથે અવિરત વરસાદ ચાલુ છે.
રાહત અને બચાવ કાર્ય તેજ
NDRF અને SDRF ની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ પર પડેલા વૃક્ષો હટાવી માર્ગો ખુલ્લા કરવાની કામગીરીમાં લાગી ગઈ છે. સ્થળાંતર કરાયેલા 84,000 નાગરિકો માટે રાહત શિબિરોમાં ભોજન, પીવાનું પાણી અને તબીબી સારવારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.લેન્ડફોલ પ્રક્રિયા 3 થી 4 કલાક ચાલે તેવી શક્યતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા લોકોને હજુ પણ ઘરોમાં જ રહેવાની અને સલામતીના નિયમોનું પાલન કરવાની કડક તાકીદ કરવામાં આવી છે.
