Ahmedabad News: શેલામાં PSIના પત્નીના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી બાઈક સવારો ફરાર

📅 Published: October 28, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના બોપલ-શેલા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.રહેણાંક વિસ્તારોથી લઈને મુખ્ય માર્ગો સુધી મહિલાઓની સુરક્ષા સામે પ્રશ્નો સર્જાયા છે.આ દરમિયાન માત્ર બે દિવસના અંતરે ચેઈન સ્નેચિંગના બે ગંભીર બનાવો બન્યા છે.જેમાં એસઓજી પીએસઆઈના પત્ની સહિત બે નિર્દોષ મહિલાઓ ચેઈન સ્નેચરોનો ભોગ બની છે.શેલા સ્થિત શાલીગ્રામ પ્રાઈડમાં રહેતાં SOG PSIના પત્ની મનીષા બા ગત 22 ઓક્ટોબરે 11 વર્ષના પુત્રને ટ્યુશનમાંથી લઈને એક્ટિવા પર ઘરે આવી રહ્યાં હતા ત્યારે સાંજે 7 વાગ્યે પાછળથી આવેલા બે અજાણ્યા બાઈકસવારોએ તેમના ગળામાંથી રૂ.1.75 લાખની સોનાની ચેઈન તોડી ફરાર થઈ ગયા હતા. 

સિક્યુરિટી ગાર્ડે આરોપીઓનો પીછો કરવાનો પ્રયાસ કર્યો

મહિલાની બૂમાબૂમ સાંભળીને સિક્યુરિટી ગાર્ડે આરોપીઓનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે આરોપી હાથ લાગ્યા નહોતા.સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.આ અગાઉ સનશેલા એપાર્ટમેન્ટમાં રહેતાં 38 વર્ષીય હૃદયેશકુમારી વર્મા સાથે પણ આવી જ ઘટના બની હતી. ગત 20 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યે તેઓ પુત્ર સાથે ટૂ-વ્હીલર પર ઘરે પરત આવી રહ્યાં હતાં.તે દરમિયાન શીલા સર્કલ પાસે બે શખ્સોએ મહિલાના ગળામાંથી 85 હજારનો સોનાનો દોરો ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.બોપલ પોલીસ હજી સુધી આ ચેઈન સ્નેચરો સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે.એક દિવસમાં બે બનાવવા કારણે લોકોમાં પણ ભય ફેલાયો છે.

નરોડાના કેસમાં બે આરોપીઓને પાંચ વર્ષની સજા

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી મહિલાના ગળામાંથી દોઢ તોલાનો સોનાનો હાર તોડીને ભાગેલા બે શખ્સોને લઈને કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. પોલીસે તપાસ કરી ગળામાંથી દોરો તોડનાર ભાર્ગવ ઉર્ફે મુકેશ દિલીપભાઈ દરજી અને મોટરસાઈકલ ચાલક શૈલેષકુમાર મહેન્દ્રભાઈ પરમાર સામે ચાર્જશીટ રજૂ કર્યું હતું.આ કેસ ચાલવા પર આવતાં સરકારી વકીલે 9 સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટમાં દલીલ કરી હતી કે,ચેઈન સ્નેચિંગના ગુનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે, આવા આરોપીઓના કારણે મહિલાઓમાં સોનું પહેરી ઘરની બહાર નીકળતાં પણ ડરી રહી છે.આ કેસ પુરવાર થયો છે અને આરોપીઓને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યા છે,ત્યારે આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીઓને સખતમાં સખત સજા કરવી જોઈએ.કોર્ટે બંને આરોપીઓને ગુનેગાર ઠેરવીને પાંચ વર્ષ કેદની સજા ફટકારી જેલમાં મોકલી આપ્યા છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: મહારાષ્ટ્ર સરકારે પાક ધિરાણ માફ કર્યા તો ગુજરાતમાં કેમ નહીં?, ખેડૂતોની ઉગ્ર આંદોલનની ચીમકી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *