સુરતમાં સામાન્ય નાગરિકોને માનસિક દબાણમાં લાવીને કંગાળ કરી નાખતા ‘ડિજિટલ અરેસ્ટ’નો વધુ એક અત્યંત ચકચારી અને ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા અડાજણની એક મહિલાને સતત 21 દિવસ સુધી વીડિયો અને ઓડિયો કોલ પર વર્ચ્યુઅલી નજરકેદ રાખીને સાયબર માફિયાઓએ રૂપિયા 73 લાખની તોતિંગ રકમ પડાવી લીધી છે. ભોગ બનનાર મહિલાને નાસિક પોલીસ, મુંબઈ પોલીસ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), રિઝર્વ બેંક (RBI), NIA અને છેક સુપ્રીમ કોર્ટના નામના બોગસ લેટરો અને અધિકારીઓના ઓળખકાર્ડ બતાવીને જેલમાં નાખવાની ધમકી આપી આ લૂંટ ચલાવવામાં આવી હતી. આખરે ઠગો સાથેનો સંપર્ક તૂટતાં પોતાની સાથે થયેલી છેતરપિંડીનો અહેસાસ થતાં મહિલાએ સુરત સાયબર ક્રાઈમ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કેવી રીતે રચાઈ 21 દિવસની ભયાનક ષડયંત્ર જાળ?
મોટી તપાસ એજન્સીઓનો ખોટો રોફ: ઠગોએ મહિલાનો સંપર્ક કરીને તેમના આધાર કાર્ડ કે બેંક ખાતાનો ઉપયોગ મની લોન્ડરિંગ, ડ્રગ્સ ટ્રાફિકિંગ કે ગંભીર રાષ્ટ્રવિરોધી ગુનામાં થયો હોવાનો જૂઠો દાવો કર્યો હતો. નાસિક અને મુંબઈ પોલીસ ઉપરાંત ED, RBI અને સુપ્રીમ કોર્ટના વોરંટના નામે ખોટા દસ્તાવેજો મોકલી મહિલાને ગભરાવી દેવામાં આવી હતી. “આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે અને તપાસ અત્યંત ગુપ્ત છે, જો પરિવારના કોઈ સભ્યને વાત કરી તો આખો પરિવાર જેલમાં જશે” તેવી ગંભીર ધમકી આપી મહિલા પર સતત 21 દિવસ સુધી કેમેરા સામે હાજર રહેવાનું માનસિક દબાણ બનાવ્યું હતું.
સાયબર માફિયાઓએ FD તોડાવી દીધી
સાયબર માફિયાઓએ મહિલાના બેંક ખાતામાં રહેલી તમામ ફિક્સ ડિપોઝિટ (FD) અકાળે તોડાવી દીધી હતી. એટલું જ નહીં, મહિલા પાસે રહેલું સોનું ખાનગી પેઢીમાં ગીરવે મુકાવી ગોલ્ડ લોન લેવડાવી હતી. આમ તબક્કાવાર રીતે કુલ ₹૭૩ લાખ પોતાના વિવિધ બોગસ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. તમામ નાણાં મેળવી લીધા બાદ સાયબર ઠગોએ અચાનક તમામ સંપર્કો તોડી નાખ્યા હતા અને ફોન બંધ કરી દીધા હતા. ઘણા દિવસો સુધી કોઈ સંપર્ક ન થતાં મહિલાને પોતે કોઈ મોટી સાયબર ટોળકીના શિકાર બન્યા હોવાની ખાતરી થઈ હતી.
સુરત સાયબર ક્રાઈમ પોલીસમાં ગુનો દાખલ
ભોગ બનનાર મહિલાએ હિંમત ભેગી કરી પરિવારને સમગ્ર હકીકત જણાવી સુરત સાયબર ક્રાઈમ સેલમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.સાયબર પોલીસે આઈટી એક્ટ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો દાખલ કરી જે બેંક એકાઉન્ટ્સમાં નાણાં ટ્રાન્સફર થયા હતા તે એકાઉન્ટ્સને ફ્રીઝ કરાવવાની કવાયત હાથ ધરી છે.આ કૌભાંડ આંતરરાજ્ય ગેંગ દ્વારા આચરવામાં આવ્યું હોવાની આશંકા સાથે કોલ ડિટેઇલ્સ, આઈપી એડ્રેસ અને બેંક ટ્રાન્ઝેક્શન ટ્રેઇલના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
