Gir Somnath: કોડીનારના પેઢાવાડા ગામે વાડી વિસ્તારમાં ઝૂંપડામાં સૂઈ રહેલા શ્રમિક પર દીપડાએ હુમલો કર્યો

📅 Published: October 28, 2026 | 📂 Category: gujarati-news

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં માનવ-વન્યજીવ સંઘર્ષની વધુ એક ગંભીર અને ભયાનક ઘટના સામે આવી છે. કોડીનાર તાલુકાના પેઢાવાડા ગામના વાડી વિસ્તારમાં રાત્રિના સમયે ઝૂંપડામાં સૂઈ રહેલા પરપ્રાંતીય ખેતમજૂર પર દીપડાએ અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. મહારાષ્ટ્રથી શેરડી કાપણી માટે આવેલા યુવાન પર દીપડો તૂટી પડતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, યુવાને હિંમતપૂર્વક બૂમાબૂમ કરી મૂકતાં આસપાસના અન્ય શ્રમિકો જાગી જતાં દીપડો અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. આ હુમલામાં યુવાનના હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.

ઝૂંપડામાં સૂતા હતા ને દીપડાએ ભરડો લીધો

ગીર સોમનાથ જિલ્લામાં ખાંડ મિલો શરૂ થવાના સમયે મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં શ્રમિકો શેરડી કાપણી માટે સીમ અને વાડી વિસ્તારોમાં ઝૂંપડાં બાંધીને રહે છે.પેઢાવાડા ગામની સીમમાં શેરડીના ખેતર પાસે બનાવેલા કામચલાઉ ઝૂંપડામાં રાત્રિના સમયે શ્રમિક યુવાન ગાઢ નિંદ્રામાં હતો.તે દરમિયાન અંધારામાં છૂપાઈને આવેલા શિકારી દીપડાએ ઝૂંપડામાં ઘૂસી સીધો યુવાન પર હુમલો કર્યો હતો અને પંજો મારીને હાથના ભાગે ઊંડા ઘા ઝીંકી દીધા હતા.અચાનક થયેલા હુમલાથી ગભરાયેલા યુવાને પ્રતિકાર કરતાં જોરશોરથી બૂમો પાડી હતી, જેના પગલે બાજુના ઝૂંપડામાંથી અન્ય મજૂરો લાકડીઓ અને ટોર્ચ લઈને દોડી આવતાં દીપડો ખેતરોમાં ભાગી ગયો હતો.

સીમ વિસ્તારમાં દહેશતનો માહોલ

ઈજાગ્રસ્ત મહારાષ્ટ્રીયન યુવાનને તાત્કાલિક સ્થાનિક દવાખાને પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના હાથ પર ટાંકા લેવા પડ્યા છે.ઘટનાની જાણ થતાં જ વન વિભાગની સ્થાનિક ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને પગમાર્ક (પગલાં) ની તપાસ હાથ ધરી હતી.સ્થાનિક ખેડૂતો અને ખેતમજૂરોમાં આ ઘટનાને પગલે ભારે ફફડાટ ફેલાયો છે. લોકોનો આક્ષેપ છે કે કોડીનારના ગ્રામ્ય અને વાડી વિસ્તારોમાં દીપડાઓની અવરજવર સતત વધી રહી છે અને વારંવાર હુમલા થઈ રહ્યા છે.સીમમાં વસવાટ કરતા શ્રમિકો અને ખેડૂતોની સલામતી માટે વન વિભાગ તાત્કાલિક પેઢાવાડા સીમમાં પાંજરું ગોઠવી માનવભક્ષી મિજાજ ધરાવતા દીપડાને કેદ કરે તેવી ઉગ્ર માંગણી ઉઠી છે.

આ પણ વાંચો: Surat: ‘બેટા, ભણવામાં ધ્યાન આપ અને ફોન મૂકી દે’… માતાની સલાહ બાદ 11મા ધોરણના પીયૂષે જીવનલીલા સંકેલી લીધી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *