Ahmedabad: ફૂટપાથ પર દુકાનદારોનો અડિંગો; લારી-ગલ્લાના કબજા સામે AMC ઊંઘતું ઝડપાયું!

📅 Published: October 28, 2026 | 📂 Category: Ahmedabad

મેગા સિટી અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે રાહદારીઓની સુવિધા અને સલામતી માટે બનાવવામાં આવેલા ફૂટપાથ આજે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. શહેરના પૂર્વથી લઈને પશ્ચિમ સુધીના મોટાભાગના વિસ્તારોમાં ફૂટપાથ પર રાહદારીઓને ચાલવા માટે જગ્યા જ બચી નથી. ક્યાંક વેપારીઓએ પોતાની દુકાનોનો સામાન બહાર કાઢીને ફૂટપાથ પચાવી પાડ્યો છે, તો ક્યાંક ખાણીપીણીની લારીઓ અને ગલ્લાઓનો કાયમી અડિંગો જામી ગયો છે. પરિણામે, શહેરીજનોએ જીવના જોખમે પૂરપાટ દોડતાં વાહનોની વચ્ચે મુખ્ય રસ્તા પર ચાલવાની ફરજ પડી રહી છે. રાહદારીઓની સુરક્ષાને લઈને AMC તંત્રની ઘોર બેદરકારી સામે આવતાં હવે એસ્ટેટ વિભાગ હરકતમાં આવ્યું છે.

રાહદારીઓ માટે જીવનું જોખમ

 ફૂટપાથ બ્લોક થઈ જતાં સામાન્ય નાગરિકો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, શાળાએ જતાં બાળકો અને દિવ્યાંગોએ વાહનો વચ્ચેથી પસાર થવું પડે છે, જેના કારણે જીવલેણ અકસ્માતનું જોખમ અનેકગણું વધી ગયું છે.દબાણો ઉપરાંત અનેક વિસ્તારોમાં ફૂટપાથ તૂટેલી હાલતમાં છે અથવા તો તેના પર ટુ-વ્હીલર પાર્ક કરી દેવામાં આવે છે, જેનાથી પેડેસ્ટ્રિયન ટ્રેક સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયા છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે AMC ના એસ્ટેટ વિભાગ દ્વારા કરાતી દબાણ હટાવ ઝુંબેશ માત્ર ફોટો સેશન અને દેખાડા પૂરતી મર્યાદિત રહે છે; ટીમ જાય એટલે ફરી દબાણ થઈ જાય છે.

કમિશનર સાથે બેઠક બાદ એસ્ટેટ ચેરમેનનો ખુલાસો

આ ગંભીર લોકપ્રશ્ને એસ્ટેટ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનર સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ફૂટપાથ પરના દબાણો હટાવવા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી છે.તમામ ઝોનના એસ્ટેટ વિભાગને કડક આદેશ આપવામાં આવ્યા છે કે ફૂટપાથ પર અડિંગો જમાવીને બેઠેલા લારી-ગલ્લા અને દુકાનદારોના વધારાના સામાન સામે તાત્કાલિક ઝુંબેશ ચલાવી રસ્તા ખુલ્લા કરવામાં આવે.ફૂટપાથ પર વાહનો પાર્ક ન થાય તે માટે મનપા દ્વારા નિયુક્ત પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જેથી વાહનચાલકો પોતાના વાહનો ફૂટપાથને બદલે નિર્ધારિત પાર્કિંગ પ્લોટમાં જ પાર્ક કરે તેવી કડક સૂચનાઓ અપાશે.

કમિશન અને કાગળ નહીં, નક્કર પરિણામની અપેક્ષા

ફૂટપાથ એ કોઈ દુકાનદાર કે લારીવાળાની અંગત મિલકત નથી પરંતુ પગપાળા ચાલતા પ્રત્યેક નાગરિકનો બંધારણીય અને નાગરિક અધિકાર છે. હવે જોવાનું એ રહેશે કે AMC નું તંત્ર આ આદેશોને માત્ર કાગળ પર સીમિત રાખે છે કે પછી ખરેખર શહેરના તમામ રસ્તાઓ પર ઉતરીને ફૂટપાથને દબાણમુક્ત બનાવી રાહદારીઓનો હક પાછો અપાવે છે.

આ પણ વાંચો:Surat: ઉધનામાં બીજા લગ્ન કરનારી યુવતીના ગળા પર પૂર્વ પતિએ ચલાવ્યું ચપ્પુ; અન્ય મહિલાએ વાળ ખેંચી બચાવી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *