અમરેલી જિલ્લામાં ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે.ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદ અને ત્યારબાદ વરસાદી વિરામે ખેતરોમાં ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બિયારણો અને ખાતર ખરીદીને વાવણી કરવામાં આવી હતી.પરંતુ કુદરતી પ્રતિકૂળતાને લીધે તમામ મોંઘા બિયારણો સંપૂર્ણ નિષ્ફળ ગયા છે.પિયતની પૂરતી સુવિધાના અભાવે ખેડૂતો માટે શિયાળુ તેમજ ઉનાળુ પાકનું નવું વાવેતર કરવું પણ અશક્ય બની ગયું છે.ખાસ કરીને બિનપિયત ખેતી કરતા સામાન્ય ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની છે અને તેમની પાસે આગામી સિઝન માટે કોઈ આશા બચી નથી.
આર્થિક ભીંસના કારણે ખેડૂતોમાં આત્મહત્યાનો ડર
બીજી તરફ,ખેતી પાછળ થયેલા જંગી ખર્ચને પહોંચી વળવા માટે ખેડૂતોએ રાષ્ટ્રીયકૃત બેંકો અને સ્થાનિક સહકારી મંડળીઓમાંથી મોટા પાયે ધિરાણ લીધું હતું.હવે પાક નિષ્ફળ જતાં ખેડૂતો માથે દેવું ચૂકવવાનું ભારે દબાણ ઊભું થયું છે.દેવાના ડુંગર અને સતત આર્થિક ભીંસના કારણે ખેડૂતોમાં આત્મહત્યાનો ડર વ્યાપી ગયો છે, જેના પગલે ખેડૂત પરિવારો ભારે ચિંતા અને માનસિક તણાવમાં જીવી રહ્યા છે. અન્નદાતાઓની આવી ગંભીર વેદના સાંભળવા માટે વહીવટી તંત્ર તાત્કાલિક સંવેદનશીલ બની આગળ આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.
અમરેલી પંથકના ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો
સરકારની ઉદાસીન નીતિઓ સામે અમરેલી પંથકના ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને તેમણે સંગઠિત થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. રાજ્યભરમાં ખેડૂતો એકસૂરે માંગ કરી રહ્યા છે કે જેમ ભૂતકાળમાં સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા હતા અને જે રીતે મહારાષ્ટ્રમાં દેવામાફી અપાઈ છે, તે જ ધોરણે ગુજરાતમાં પણ ખેડૂતોને દેવા મુક્તિ આપવામાં આવે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રને આર્થિક ટેકો આપવા માટે તાકીદે વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે. જો સરકાર દ્વારા સમયસર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાનું ખુલ્લું અલ્ટીમેટમ ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે.
