રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિવસેને દિવસે એટલો હદે વધી ગયો છે કે હવે નિર્દોષ નાગરિકોના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે. રાજકોટ નજીક આવેલા શાપર વિસ્તારમાં શ્વાનના બચકાનો ભોગ બનેલા એક યુવકનું સારવાર દરમિયાન હૃદયદ્રાવક મોત નીપજ્યું છે. આ અતિ દુઃખદ ઘટનાના કારણે સ્થાનિક રહીશોમાં રખડતા પ્રાણીઓ સામે ભારે ફફડાટ અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
25 તારીખથી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર
પ્રાપ્ત વિગતો અનુસાર, શાપર વિસ્તારમાં આવેલા ગંગા ગેટ પાસે આ દુર્ઘટના બની હતી. રખડતા શ્વાને અચાનક એક યુવકને ગંભીર રીતે બચકું ભરી લીધું હતું. આ હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગત 25 તારીખે બનેલી આ ઘટના બાદ યુવકની તબિયત લથડતા તેને તાત્કાલિક ધોરણે વધુ સારવાર માટે રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરો દ્વારા તેની સતત સારવાર ચાલુ હતી.
સારવાર દરમિયાન યુવકનું મોત થતા પરિવારમાં શોક
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અધીન રહેલા યુવકની તબિયતમાં સુધારો ન થતાં અંતે સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નીપજ્યું હતું. યુવકના અચાનક અવસાનથી તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને પરિવારજનોનું રોઈ રોઈને હાલત ખરાબ થઈ ગઈ છે. શહેરો અને ગ્રામ્ય પંથકોમાં બેફામ બનેલા રખડતા શ્વાનોના ત્રાસને નાથવામાં સ્થાનિક તંત્ર અને પંચાયતોની નિષ્ક્રિયતા સામે હવે નાગરિકો દ્વારા કડક પગલાં લેવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Surendranagar LCB નો મોટો સપાટો, ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પરથી રૂ. 29.79 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો!
