સુરત શહેરમાં ગેરકાયદે વિદેશી હથિયાર સાથે ફરી રહેલા એક રીઢા મનના ગુનેગાર વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો છે. એન્ટી ઓર્ગેનાઈઝ્ડ સ્કોડની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઉત્રાણ લજામણી ચોક પાસે, જય ભવાની સોસાયટી પાછળ તાપી નદીના કિનારેથી મોટા વરાછા ખાતે પ્રિયાંક એવન્યુમાં રહેતા 19 વર્ષીય આરોપી વિષ્ણુ ઉર્ફે વિશો પરેશભાઈ કાનાણીને ઝડપી પાડ્યો છે. આરોપીના કબજામાંથી અત્યંત આધુનિક એવી જર્મન બનાવટની “MADE IN GERMANY, Mod. ER 432” લખેલી રિવોલ્વર મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ગુનાહિત કૃત્ય બદલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી સામે આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. મિત્રોમાં વટ પાડવા હથિયાર સાથે ફરતો હતો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી વિષ્ણુ કાનાણી અભ્યાસની સાથે પાનનો ગલ્લો ચલાવે છે અને તેને હથિયાર સાથે રાખવાનો ભારે ક્રેઝ હતો. તે અવારનવાર મિત્રો સાથે ફરવા જતો ત્યારે પોતાના સાથીદારો પર રોફ જમાવવા અને વટ પાડવા માટે આ વિદેશી રિવોલ્વર બતાવતો હતો અને સતત પોતાની સાથે રાખીને ફરતો હતો. આરોપીએ કબૂલાત કરી હતી કે આ હથિયાર તેને આશરે ત્રણ મહિના પહેલાં તેના મિત્ર જતીન સુહાગીયાએ આપ્યું હતું. જેથી પોલીસે હવે હથિયાર આપનાર જતીન સુહાગીયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હથિયાર ચોરી કે છળકપટથી મેળવ્યું હોવાની શક્યતા
કબજે કરાયેલા હથિયાર પર બટ નંબર 002870 અંકિત થયેલો છે, જે પ્રથમ દ્રષ્ટિએ મૂળ પશ્ચિમ જર્મનીનું હોવાનું સ્પષ્ટ થાય છે. પોલીસને આશંકા છે કે આ મોંઘીદાટ ઈમ્પોર્ટેડ રિવોલ્વર આરોપી કે તેના સાગરીતોએ અન્ય કોઈ જગ્યાએથી ચોરી અથવા છળકપટથી મેળવેલી હોઈ શકે છે. આ રિવોલ્વર વડે અગાઉ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવી છે કે નહીં તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું છે કે જો આ હથિયાર કોઈની કાયદેસર માલિકીનું હોય તો તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો.
વટ પાડવાના શોખમાં પાનવાળો જેલભેગો:તાપી કિનારેથી 'મેડ ઇન જર્મની' રિવોલ્વર સાથે 19 વર્ષીય વિષ્ણુ કાનાણીની ધરપકડ
📅 Published: October 28, 2026 |
📂 Category: gujarati-news
