Morbi News: વાંકાનેરમાં ભૂમાફિયાઓ પર ત્રાટક્યું તંત્ર, ભીમગુડામાં ખાણ ખનીજ વિભાગે કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો

📅 Published: October 28, 2026 | 📂 Category: gujarati-news

મોરબી જિલ્લામાં ખનીજ સંપત્તિની ચોરી અને ગેરકાયદે સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે વાંકાનેર તાલુકાના ભીમગુડા વિસ્તારમાં સપાટો બોલાવીને ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ સઘન તપાસ દરમિયાન વિસ્તારમાં મોટા પાયે ચાલી રહેલી ગેરકાયદે ખનનની પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે.

ફાયરક્લે અને સેન્ડસ્ટોનનું ચાલતું હતું ગેરકાયદે ખનન

ખાણ ખનીજ વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે ભીમગુડા વિસ્તારમાં કોઈપણ પ્રકારની મંજૂરી કે લીઝ વગર મોટા પ્રમાણમાં ખનિજનું ઉત્ખનન કરવામાં આવી રહ્યું હતું. સ્થળ પર તપાસ કરતા મુખ્યત્વે ફાયરક્લે અને સેન્ડસ્ટોન જેવા કિંમતી ખનીજોનું ગેરકાયદે ખનન થતું હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે સરકારી તિજોરીને ભારે આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું.

હિટાચી મશીન અને ટ્રેક્ટરો સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત

દરોડાની આ કાર્યવાહી દરમિયાન ખનન સ્થળ પરથી વિભાગ દ્વારા ભારેખમ મશીનરી કબજે કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગે સ્થળ પરથી 1 હિટાચી મશીન અને 2 ટ્રેક્ટર સહિત કુલ કરોડો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અચાનક થયેલી આ કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

Morbi News: Wankaner Illegal Mining Raided: Worth Crores Seized

દોષિતો સામે કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ

મુદ્દામાલ કબજે કર્યા બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે ખનન કરનાર અને આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જવાબદાર શખ્સો સામે કડક કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ સ્થળ પર ગેરકાયદે ખોદકામ કેટલા વિસ્તારમાં થયું છે, તેની સત્તાવાર માપણી કરવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Morbi: હળવદમાં ઠંડા પીણાની બોટલમાંથી નીકળી મરેલી માખી; ગોકુલ મેંગોક્રશ પીવા જતાં ડોક્ટર ચોંકી ઉઠ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *