દેશના દિગ્ગજ ઉદ્યોગઘરાના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્થાપક સ્વ. ધીરુભાઈ અંબાણીના વતન એવા જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે એક યાદગાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રિલાયન્સ જિયોના સફળ 10 વર્ષ પૂર્ણ થવા અને કંપનીના આઈપીઓ (IPO) ની શાનદાર સફળતાને લઈને ચોરવાડની ધરતી પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ ખાસ અવસર પર રિલાયન્સ પરિવાર દ્વારા ભવ્ય લોક ડાયરા અને વિશાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25 હજારથી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ચોરવાડ સાથે રિલાયન્સ પરિવારનો અતૂટ નાતો
આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન ધીરુભાઈ અંબાણીના વતન સાથેના પુરાણા સંસ્મરણો પણ તાજા થયા હતા. ભૂતકાળને યાદ કરતા જણાવવામાં આવ્યું હતું કે, 1995માં રિફાઇનરીની શરૂઆત થઈ ત્યારે ખુદ ધીરુભાઈ અંબાણી ત્રણ દિવસ સુધી ચોરવાડામાં રોકાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણી પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, “ચોરવાડની ધરતી પ્રત્યે રિલાયન્સ પરિવારનો સ્નેહ અને લાગણી આજે પણ અકબંધ છે.” ધીરુભાઈ અંબાણીનું સ્વપ્ન હતું કે, જિયો દેશમાં નંબર વન બને અને આજે જિયોની આ અપાર સફળતા સમગ્ર દેશ માટે ગૌરવ સમાન છે.
અંબાણી પરિવારના સભ્યોના યોગદાનનો વિશેષ ઉલ્લેખ
પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, જિયોની આ અદભુત સફર પાછળ મુકેશ અંબાણી તેમજ યુવા પેઢીના અનંત અંબાણી, આકાશ અંબાણી અને ઇશા અંબાણીના સક્રિય યોગદાન અને દુરદર્શિતાને બિરદાવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ જિયોએ ડિજિટલ ક્રાંતિમાં અનેક કીર્તિમાન સ્થાપ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ થઈ રહેલી સર્વાંગી પ્રગતિનો પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

લોકડાયરો, માતાજીના દર્શન અને મહાપ્રસાદમાં ઉમટ્યા લોકો
ઉજવણીના આ ભવ્ય કાર્યક્રમમાં ચોરવાડ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સ્થાનિક મંદિરોમાં માતાજીના દર્શન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યોજાયેલા રંગારંગ લોકડાયરાની રમઝટે ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા અને અંતે યોજાયેલા વિશાળ સમૂહ ભોજનમાં હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
આ પણ વાંચો: Jamnagarથી વિદેશી ડેલિગેશન પરત રવાના, માર્કો રુબિયોના નેતૃત્વમાં યોજાયેલો હાઇ-પ્રોફાઇલ પ્રવાસ સંપન્ન
