પાદરા તાલુકાના ચિત્રાલ ગામની શ્રી સાગર વિદ્યાલયના બે વિદ્યાર્થીઓની સાયન્સ કૃતિને રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પ્રાપ્ત થઈ છે, સાથે આગામી તા.31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતીએ લોકસભામાં વક્તવ્ય રજૂ કરવા બંને વિદ્યાર્થીઓને આમંત્રણ પણ મળ્યું છે. ચિત્રાલ ગામની શ્રી સાગર વિદ્યાલયના બે વિદ્યાર્થીઓ સિદ્ધરાજસિંહ ઘનશ્યામભાઈ પઢિયાર અને તન્મય કોમિલકુમાર પટેલે સાયન્સ ફેરમાં સાત તબક્કાઓ સફ્ળતાપૂર્વક પાર કરીને ભોપાલ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના પ્રેઝન્ટેશનમાં મુલાકાતીઓના સર્વેમાં શ્રોષ્ઠ દસ પ્રોજેક્ટોમાં તેમની Mathematical Atomic Bomb નામની કૃતિની પસંદગી પામતાં શાળા, સંસ્થા, પાદરા તાલુકા અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. પ્રભાવશાળી કૃતિ, વિદ્યાર્થીઓની પ્રસ્તુતિ તથા તેમની વકતૃત્વ ક્ષમતાને ધ્યાનમાં રાખીને, નવી દિલ્હી ખાતે લોકસભામાં તા.31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણીના કાર્યક્રમમાં વકતવ્ય રજૂ કરવા માટે તેઓને આમંત્રણ પણ મળ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ સાથે પ્રાથમિક વિભાગના આચાર્ય, માર્ગદર્શક હીરલકુમાર રમેશભાઈ પટેલ અને એક વાલી પણ ઉપસ્થિત રહેવાના છે. શાળાના વિદ્યાર્થીઓને લોકસભામાં પ્રતિભા રજૂ કરવાની તક મળવી એ સમગ્ર રાજ્યના શૈક્ષણિક જગત માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે. આ વિશિષ્ટ સિદ્ધિ બદલ શ્રી સાગર કેળવણી મંડળ, શાળા પરિવાર, CRC, BRC, તાલુકા શિક્ષણાધિકારી, DPEO તથા DEOએ શુભેચ્છા સંદેશ પાઠવ્યા છે. તેમજ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ બાળકોને સહાય અને માર્ગદર્શન આપી દિલ્હી સુધીની સફરમાં સહયોગ આપ્યો છે, સાથે વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
Vadodara: પાદરા તા. નાં ચિત્રાલના બે વિદ્યાર્થીને લોકસભામાં વક્તવ્યનું આમંત્રણ મળ્યું
📅 Published: October 28, 2026 |
📂 Category: Baroda
