ગુજરાતમાં આ વર્ષે અલનીનોની અસરને કારણે વરસાદ ઓછો વરસ્યો છે. વરસાદની ખેંચના કારણે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પાણીની તિવ્ર તંગી સર્જાવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. રાજ્ય સરકારે ચાર જિલ્લામાં દુષ્કાળ જાહેર કરીને હેક્ટર દીઠ સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે અન્ય જિલ્લાઓમાં પણ સહાય આપવા માટે ખેડૂતો માગ કરી રહ્યા છે. સરદહી જિલ્લા બનાસકાંઠામાં પણ વાવ થરાદમાં ઓછા વરસાદને કારણે ખેતી અને પશુપાલન પર મોટી અસર પડી છે. જેના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
સરકારે ઘાસ ડેપો શરૂ કર્યા
સરકારના આ નિર્ણય અંતર્ગત થરાદ અને રાહ તાલુકામાં ખાસ ઘાસ ડેપો કાર્યરત કરવામાં આવ્યા છે.આ ઘાસ ડેપો ખાતેથી પશુપાલકોને માત્ર 2 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ઘાસચારો પૂરો પાડવામાં આવશે.બજારમાં ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા છે.ત્યારે સરકારના આ સબસિડીયુક્ત પગલાંથી મુશ્કેલીમાં મુકાયેલા પશુપાલકોને આર્થિક રીતે મોટો ટેકો મળી રહેશે. ઘાસચારાના વિતરણ માટે ચોક્કસ નિયમો અને મર્યાદા નક્કી કરવામાં આવી છે.જે અંતર્ગત એક પશુ દીઠ દરરોજ 4 કિલો ઘાસચારો આપવામાં આવશે. એક પશુપાલકને વધુમાં વધુ 5 પશુ સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. 5 પશુ ધરાવતા પશુપાલકને પ્રતિ પશુ દરરોજ 4 કિલો લેખે દૈનિક કુલ 20 કિલો ઘાસચારો ખૂબ જ નજીવા દરે પ્રાપ્ત થશે.
અછત સહાય જાહેર કરવા માગ
બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં ઓછા વરસાદના કારણે સીમમાં ઘાસચારો સુકાઈ જતાં પશુઓને સાચવવા પશુપાલકો માટે ચિંતાનો વિષય બન્યો હતો. સ્થાનિક પશુપાલકોએ જણાવ્યું હતું કે,ઘાસ ડેપો શરૂ થવાથી અને સસ્તા ભાવે ઘાસચારો મળવાથી તેમના પશુધનને ભૂખમરામાંથી બચાવી શકાશે.થરાદ અને રાહ ખાતે ઘાસ ડેપો શરૂ થતાં જ પશુપાલકોએ સરકારનો આભાર માન્યો છે. બીજી તરફ સરકાર બનાસકાંઠા વિસ્તારમાં પણ અછત સહાય જાહેર કરે તેવી ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી છે.
