સુરત શહેર એસ.ઓ.જી. (SOG) અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે એક સંયુક્ત અને સચોટ ઓપરેશન હાથ ધરીને ડીંડોલી વિસ્તારમાં ધમધમતા નકલી તબીબોના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. વગર ડિગ્રીએ મેડિકલ પ્રેક્ટિસ કરી રહેલા 9 બોગસ ડોક્ટરોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસની ટીમે આ કાર્યવાહી કરતા પહેલા શંકાસ્પદ ક્લિનિકો પર ‘ડમી પેશન્ટ’ (નકલી દર્દી) મોકલીને પૂર્વ ખરાઈ કરી હતી અને ત્યારબાદ એકસાથે દરોડા પાડીને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં
આશ્ચર્યજનક બાબત એ છે કે ઝડપાયેલા આ બોગસ તબીબો પાસે મેડિકલ ક્ષેત્રની કોઈ જ અધિકૃત ડિગ્રી કે લાયકાત ન હોવા છતાં તેઓ સામાન્ય પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં માત્ર ધોરણ 12 પાસ વ્યક્તિઓ ઉપરાંત અગાઉ કમ્પાઉન્ડર કે નર્સ તરીકે કામ કરી ચૂકેલા લોકોનો સમાવેશ થાય છે. આ નકલી તબીબો પોતાની ક્લિનિક ચલાવીને લોકોની જિંદગી જોખમમાં મૂકતા હતા.

દવાઓ અને મેડિકલ સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસે ક્લિનિકોમાંથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, મેડિકલ સાધનો અને અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા 95,138નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ 9 આરોપીઓ વિરુદ્ધ ડીંડોલી પોલીસ મથકે સત્તાવાર ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, આરોગ્ય વિભાગ દ્વારા ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ’ હેઠળ પણ આ તમામ બોગસ તબીબો સામે અલગથી કડક કાયદાકીય પગલાં ભરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
