દુબઈ જેવી સ્કાયલાઈન અમદાવાદમાં, ₹570 કરોડના ખર્ચે બનશે 'સિટી સ્ક્વેર':સિંધુ ભવન રોડ પર 175 મીટરનો આઈકોનિક ટાવર બનશે, AMCએ ટેન્ડર બહાર પાડ્યું; સાડા ત્રણ વર્ષમાં તૈયાર થશે

📅 Published: October 29, 2026 | 📂 Category: gujarati-news

દુબઈની ‘જુમેરાહ સ્કાયલાઇન’ જેમ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સિંધુ ભવન રોડ ખાતે ₹570 કરોડના ખર્ચે ‘અમદાવાદ સિટી સ્ક્વેર’ બનાવવા જઈ રહ્યું છે. 175 મીટર ઊંચા ટાવરમાં રેસ્ટોરન્ટ, કેફે, સ્કાય ડેક અને વ્યુ ગેલેરી તૈયાર કરાશે. અહીં આધુનિક આર્કિટેક્ચર સાથે વિવિધ જાહેર સુવિધા, મનોરંજન માટે એમ્ફીથિયેટર, સાંસ્કૃતિક અને કોમર્શિયલ પ્રવૃત્તિઓથી સજ્જ આઈકોનિક સ્ક્વેર શહેરની સ્કાયલાઈનને એક નવી ઓળખ આપશે. AMC દ્વારા આ પ્રોજેક્ટ માટે તા. 25 ઓક્ટોબર, 2026ના રોજ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું કામ કોન્ટ્રાક્ટરને આપ્યા બાદ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 42 મહિના એટલે કે સાડા ત્રણ વર્ષનો સમયમાં લાવશે. અપર ગ્રાઉન્ડમાં 310 વ્યક્તિઓ બેસી શકે તેવું એમ્ફીથિયેટર બનાવશે
આ પ્રોજેક્ટમાં ગ્રાઉન્ડ લેવલથી ઉપર લોઅર ગ્રાઉન્ડ તથા અપર ગ્રાઉન્ડ વિકસાવવામાં આવશે. લોઅર ગ્રાઉન્ડ ખાતે શોપ્સ તથા આર્ટ ગેલેરી વિકસાવવામાં આવશે, જેના દ્વારા કોમર્શિયલ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સુવિધા ઊભી થશે. અપર ગ્રાઉન્ડ ખાતે ચારેય ખૂણામાં ફૂડ કિઓસ્ક તથા 310 વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા ધરાવતું એમ્ફીથિયેટર, ગાર્ડન, ફૂડ કોર્ટ તથા વોટર ફાઉન્ટેન સહિતની સુવધાઓ સાથે અર્બન પ્લાઝા વિકસાવવામાં આવશે. 1200 વ્યક્તિ બેસી શકે તેવું બે માળનું રેસ્ટોરન્ટ બનાવાશે
અમદાવાદ સિટી સ્ક્વેરમાં અંદાજિત 175 મીટર ઊંચાઈનો આઇકોનિક ટાવર વિકસાવવામાં આવશે. ટાવરમાં અંદાજિત 40 મીટરની ઊંચાઈએ બે માળનું રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે, જેમાં એક સાથે અંદાજિત 1200થી વ્યક્તિઓ બેસી શકે તેવી વ્યવસ્થા રહેશે. રેસ્ટોરન્ટની ઉપર ટેરેસ ડેક કેફે વિકસાવવામાં આવશે, જેમાં અંદાજિત 200 વ્યક્તિઓ માટે બેસવાની વ્યવસ્થા રહેશે. આ સુવિધા માટે અંદાજિત 6485 ચોરસ મીટર જેટલું બાંધકામ 40 મીટરની ઉંચાઈમાં રાઉન્ડ આકારમાં કરવામાં આવશે. એકસાથે 75 વ્યક્તિઓ શહેરનો પેનોરેમિક વ્યુ નિહાળી શકશે
ટાવરની ટોચે અંદાજિત 175 મીટરની ઊંચાઈએ સ્કાય ડેક તથા સ્કાય વોક વિકસાવવામાં આવશે. અહીંથી અમદાવાદ શહેરનો પેનોરેમિક વ્યુ નિહાળી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. સ્કાય ડેક ખાતે એકસાથે અંદાજિત 75 વ્યક્તિઓ વ્યુ ગેલેરીનો લાભ લઈ શકે તેવી સુવિધા ઊભી કરાશે. ટાવરના અંદાજિત 40 મીટરની ઉંચાઈથી 175 મીટરની વચ્ચે વિશાળ ડિજિટલ સ્ક્રીન તૈયાર કરાશે. આ ડિજિટલ સ્ક્રીન પર સતત ડિજિટલ જાહેરાતો પ્રદર્શિત કરી શકાશે. 15 મીટરની ઊંડાઈએ ત્રણ બેઝમેન્ટ બનાવાશે
અમદાવાદ સિટી સ્ક્વેરમાં ગ્રાઉન્ડ લેવલથી અંદાજિત 15 મીટર ઊંડાઈએ ત્રણ બેઝમેન્ટ બનાવવામાં આવશે, જેમાં કુલ 1500 વાહનો પાર્ક કરી શકાશે. આ ઉપરાંત સામેની બાજુએ કોર્પોરેશનના પ્લોટમાં વધારાનું પાર્કિંગ ઊભું કરાશે જેમાં 450 વાહનો પાર્ક કરવામાં આવશે. 25 ઓક્ટોબરે પ્રોજેક્ટનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું
આ પ્રોજેક્ટ શહેરની ઓળખ સમાન બનાવવાનો હોવાથી આ ખાસ કામ માટે એક ઓરિએન્ટેશન મીટિંગ રાખવામાં આવશે. આ પ્રોજેક્ટ માટેનું ટેન્ડર તા. 25 ઓક્ટોબર, 2026ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. આ મીટિંગમાં આ કામ કરવાની ઈચ્છા રાખનાર કોન્ટ્રાક્ટરને પ્રોજેક્ટ વિશે ઉંડાણપૂર્વક સમજ આપવામાં આવશે અને બે વખત પ્રિ-બીડ મીટિંગ ટેન્ડર ફાઈનલ કરતા પહેલા રાખવામાં આવશે. જેથી યોગ્ય કોન્ટ્રાક્ટર મેળવી શકાય અને સમયસર કામગીરી પૂરી શકાય. કામ કોન્ટ્રાક્ટરને આપ્યા બાદ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 42 મહિના એટલે કે સાડા ત્રણ વર્ષનો સમયમાં પૂરો કરવાનો રહેશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *