ગીર સોમનાથની બે સગીરાનું મહેસાણામાં ધર્માન્તરણ:ઉનાવાની દાતારબાપુ દરગાહમાં 3 દિવસ રાખી, નામ બદલાવી બુરખો પહેરાવી કલમાં પઢાવ્યાં; મૌલવી સહિત 4ની ધરપકડ

📅 Published: October 29, 2026 | 📂 Category: gujarati-news

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની બે સગીરાઓને મહેસાણાના ઉનાવા ગામે લઈ જઈ ધર્મપરિવર્તન કરાવવા અને એક સગીરાના લગ્ન 16 વર્ષના કિશોર સાથે કરાવવાના પ્રયાસના આક્ષેપ સાથેનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં કોડીનાર પોલીસે મહેસાણાના ઉનાવાની પ્રસિદ્ધ દાતારબાપુ દરગાહના મૌલવી સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. પોલીસે ગુમ થયેલી બંને સગીરાઓને ઉનાવા સ્થિત દરગાહમાંથી બુરખો પહરેલી સ્થિતિમાં શોધી કાઢી હતી અને મહિલા પોલીસ દ્વારા કાઉન્સીલિંગ કરી બંનેને સહી સલામત પરત કોડીનાર લાવવામાં આવી હતી. ગુમ થયેલી બંને સગીરાઓનો દરગાહમાંથી કબજો મેળવ્યો
કોડીનારમાં બે સગીરાઓ ગુમ થવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે આસપાસના વિસ્તારોનાં CCTV ફૂટેજ તપાસ્યાં હતાં. તપાસ દરમિયાન બંને સગીરાઓનું લોકેશન મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામ તરફ મળતાં કોડીનાર પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદથી દાતારબાપુ દરગાહમાંથી બંને સગીરાઓને શોધી કાઢવામાં આવી હતી. બંને સગીરાઓ બુરખો પહેરેલી હાલતમાં મળી આવતાં પોલીસે તેમનો કબજો મેળવી કોડીનાર પરત લાવી હતી. મહિલા પોલીસના કાઉન્સેલિંગ અને પૂછપરછમાં ઘટનાક્રમની વિગતો સામે આવી
કોડીનાર પરત લાવ્યા બાદ મહિલા પોલીસ દ્વારા બંને સગીરાઓની કાઉન્સેલિંગ સાથે પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન સગીરાઓએ આપેલી વિગતોના આધારે તેમને કોડીનારથી મહેસાણાના ઉનાવા સુધી લઈ જવા, બુરખો પહેરાવવા અને નામ બદલવા સહિતના આક્ષેપો સામે આવ્યા હતા. પોલીસની તપાસમાં આ સમગ્ર ઘટનામાં અન્ય વ્યક્તિઓની સંડોવણી હોવાની વિગતો પણ બહાર આવી હોવાનું જાણવા મળે છે. સગીરાની ઓળખ બદલવાનો અને લગ્ન કરાવવાનો આક્ષેપ
આ ઘટનાને લગતો આશરે છ મિનિટનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં ધોરણ-8માં અભ્યાસ કરતી એક સગીરાએ RSSના આગેવાન જીગ્નેશભાઈ પરમાર સમક્ષ સમગ્ર ઘટનાની વિગતો જણાવી છે. સગીરાના જણાવ્યા અનુસાર, તેની બહેનપણીનું હિન્દુ નામ બદલીને ‘કાજી નાયરા’ રાખવામાં આવ્યું હતું. બંનેને ઉનાવા ગામની દાતારબાપુ દરગાહમાં ત્રણ દિવસ સુધી રાખવામાં આવી હતી. કોડીનારથી ટ્રેનમાં વેરાવળ અને ગાંધીનગર થઈ ઉનાવા પહોંચી
વીડિયોમાં સગીરાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં બંને સગીરા તેમાંથી એકના કહેવાતા મામા અબ્દુલ મિયાંના ઘરે ગઈ હતી. ત્યાં તેને બુરખો પહેરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ગામમાં ફેરવવામાં આવી હતી અને વેરાવળ જવાનું કહેવામાં આવ્યું હતું. વેરાવળ પહોંચ્યા બાદ ગાંધીનગર જવાનું જણાવવામાં આવ્યું હતું. સગીરાના જણાવ્યા મુજબ, બંને વેરાવળથી ટ્રેનના જનરલ ડબ્બામાં ટિકિટ વગર મુસાફરી કરીને ગાંધીનગર પહોંચ્યાં હતાં. ત્યાં તેની માતાને ફોન કરવામાં આવ્યો હતો. માતાએ એક દુકાનદારને ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કર્યા બાદ દુકાનદારે રોકડા રૂ.1,000 આપ્યા હતા. ત્યારબાદ બંનેએ ટિકિટ લઈને ટ્રેન મારફતે ઉનાવા સુધીની મુસાફરી કરી હતી. ઉનાવા રેલવે સ્ટેશન પરથી રિક્ષામાં દરગાહ લઈ જવાયાં
સગીરાના જણાવ્યા પ્રમાણે, ઉનાવા રેલવે સ્ટેશન પર એક યુવક રિક્ષા લઈને તેમને લેવા આવ્યો હતો. ત્યારબાદ બંનેને મીરા દાતારબાપુ દરગાહ લઈ જવામાં આવી હતી. ત્યાં તે યુવક ચાદર સહિતની વસ્તુઓ લઈને આવ્યો હતો. દરગાહમાં દિવસ દરમિયાન બેસવાનું અને સાંજે બહાર રહેવાનું કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન ધોરાજીના મુસ્લિમ યુવકે બંને સગીરાના ફોનમાંથી સીમકાર્ડ કાઢીને તોડી નાખ્યાં હતા જેથી સગીરાના પરિવાર અને પોલીસ તેમનું લોકેશન ટ્રેસ ન કરી શકે. સગીરાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, તેને પોતાનું નામ બદલી નાખવા માટે કહેવામાં આવ્યું હતું, જેથી કોઈ વ્યક્તિ નામ પૂછે તો તેની ઓળખ જાહેર ન થાય. આ ઉપરાંત, 16 વર્ષના એક કિશોર સાથે લગ્ન કરવા અને ત્યાં જ સ્થાયી થવા માટે પણ કહેવામાં આવ્યું હોવાનો દાવો સગીરાએ કર્યો હતો. મૌલવી સહિત ચાર આરોપીઓ સામે ગુનો અને ધરપકડ
આ કેસમાં મહેસાણાના ઉનાવાની પ્રસિદ્ધ દાતારબાપુ દરગાહના મૌલવી, એક સગીરાના કહેવાતા મુસ્લિમ મામા, ધોરાજીના એક મુસ્લિમ યુવક અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર એમ કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે સગીરાઓનાં નિવેદનો, તેમની મુસાફરીનો ઘટનાક્રમ અને ધર્મપરિવર્તન તથા લગ્ન કરાવવાના આક્ષેપોની તપાસ પોલીસ માટે મહત્ત્વપૂર્ણ બની છે. આગળ જતાં આ તપાસમાં આરોપીઓ દ્વારા અન્ય હિન્દૂ યુવતી-સગીરાઓના ધર્મપરિવર્તનની પણ વિગતો સામે આવી શકે છે. પોલીસને આ કોઈ મોટું ધર્માંતરણ રેકેટ લાગી રહ્યું છે અને તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *