ભાટ સિમરોલી ગામે રસ્તાના ડિમોલેશનને લઈને ખેડૂતોમાં ભારે રોષ.:રસ્તાના ડિમોલેશનમાં એકતરફી કાર્યવાહી અને નુકસાનના આક્ષેપો સામે આવ્યા, તંત્રએ માપણી મુજબ કામગીરી કર્યાનું જણાવ્યું.

📅 Published: October 30, 2026 | 📂 Category: gujarati-news

​કેશોદ તાલુકાના ભાટ સિમરોલી ગામે આવેલા રામવાળી ખેતી વિસ્તારમાં રસ્તાના ડિમોલેશનની કામગીરીને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. ખેતી વિસ્તારમાં આવેલા રસ્તા પરથી દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી સામે ખેડૂતોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ડિમોલેશનની આ સમગ્ર કાર્યવાહી એકતરફી કરવામાં આવી હતી અને કેટલાક ખેડૂતોને સ્થળ પર હાજર પણ રહેવા દેવામાં આવ્યા નહોતા. આ દરમિયાન ખેડૂતોની જમીન અને ઊભી માંડવી તેમજ પાકને મોટું નુકસાન પહોંચ્યું હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે. ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે રસ્તાની પહોળાઈ આઠ ફૂટથી વધુ રાખવામાં ન આવે કારણ કે અહીં કોઈ મોટો હાઇવે નથી બનવાનો. ​ભાટ સિમરોલી ગામના ખેડૂત મોહનભાઈ ચોડાસમાએ આ અંગે વિગતવાર જણાવ્યું હતું કે ચાર વીઘા જેવા નાના ખેડૂતો અને અરજી કરનાર પંચાયતના લોકોને ધ્યાનમાં રાખીને બળજબરીપૂર્વક જેસીબી અને માણસોની મદદથી ખાતકીય સપોર્ટ મેળવીને આ કાર્યવાહી ગોઠવવામાં આવી હતી. ચાર વીઘા જમીન ધરાવતા નાના ખેડૂતોને સ્થળ પરથી હટાવીને ગામ તરફ લઈ જવામાં આવ્યા હતા અને તેમને હાજર નહોતા રહેવા દીધા. કોઈપણ સ્થળ પર ગેરકાયદેસર કે કાયદેસરની કામગીરી કરવાની હોય ત્યારે સામેવાળા ખેડૂતને પૂછવું જરૂરી હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કોઈ મોટો રાજમાર્ગ કે હાઇવે નથી, પરંતુ વીસ જેટલા નાના ખેડૂતોના ચાર-પાંચ વીઘાના ખેતરો આવેલા છે. અગાઉ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં વીસ ફૂટનો રસ્તો કરવાની જરૂર નહોતી. ચાર વીઘા જમીનમાંથી એક-એક ફૂટ કપાઈ જવાને કારણે પાણીનો નિકાલ બગડ્યો છે અને ખેડૂતોને નુકસાન થયું છે. અમારી સ્પષ્ટ માંગ છે કે રસ્તો આઠ ફૂટથી વિશેષ ન હોવો જોઈએ જેથી ગાડું સરળતાથી નીકળી શકે. ​આ જ બાબતે બીજા ખેડૂત પરષોત્તમ ઝાલાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે હું વિરોધ કરતો હતો અને બોલતો હતો ત્યારે પોલીસ ખાતું મને પકડીને ત્યાંથી લઈ ગયું હતું. મારા ગયા પછી આ લોકોએ વધુ પડતું અને એકતરફી ડિમોલેશન કરી નાખ્યું હતું, જેમાં અમારી બાજુ વધારે નુકસાન કરવામાં આવ્યું છે જ્યારે સામેની સાઈડે જરાય કાપવામાં આવ્યું નથી. અગાઉ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેના જવાબમાં અમે બે વખત લેખિત જવાબ રજૂ કર્યા હતા પરંતુ મામલતદાર કે પંચાયત દ્વારા કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવ્યો નહોતો. જો અગાઉ પંદર દિવસ અગાઉ જાણ કરવામાં આવી હોત તો અમે અમારી માંડવી અને પાક કાપી લેત. પરંતુ અટાણે તો માંડવી ઉપર ઝાડવા અને કાટમાળ નાખીને મોટું નુકસાન કર્યું છે. અમારી એવી જ માંગ છે કે માંડવી અને ખેતીને જે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેનું યોગ્ય વળતર મળવું જોઈએ અને સમગ્ર કાર્યવાહી કાયદેસર રીતે થવી જોઈએ. ​ખેડૂતોના આ આક્ષેપો અને વિરોધ સામે કેશોદ તાલુકા વિકાસ અધિકારી ભાર્ગવ ઠુમ્મરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ભાટ સિમરોલી ગામમાં ખેતરે જવા માટેના રસ્તા પર બંને બાજુ ગેરકાયદેસર દબાણો થયેલા હતા. આ દબાણ બાબતે ગ્રામ પંચાયત દ્વારા અગાઉ નિયમ અનુસાર સંબંધિતોને નોટિસ આપવામાં આવી હતી અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આમ છતાં, ત્રણ-ત્રણ નોટિસો આપવા છતાં પણ નિયત સમયમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી સ્વેચ્છાએ થઈ શકી ન હતી, જેને કારણે નાછૂટકે ગ્રામ પંચાયત દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
​તાલુકા વિકાસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આ સંબંધિત દબાણો દૂર કરવાની કાર્યવાહી સવારથી લઈને મોડી રાત્રિના એક વાગ્યા સુધી ચાલી હતી. આ સમગ્ર પ્રક્રિયા પ્રાંત અધિકારી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટી ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી. ખેડૂતો દ્વારા જે વધારાનું દબાણ કાપી લીધાની રજૂઆત કરવામાં આવી છે તેના જવાબમાં સ્પષ્ટ કરવામાં આવે છે કે ડિમોલેશન કરતા પહેલા પ્રોપર માપણી કરવામાં આવી હતી અને માપણીની પ્રક્રિયા દરમિયાન જ જમીનની હદના નિશાનો નક્કી કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા માત્ર તે જ હદ નિશાનો અને નિયમોને આધારે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *