આર્થિક રીતે સમૃદ્ધ અને હીરા-ટેક્સટાઈલ નગરી તરીકે ઓળખાતા સુરત શહેરમાંથી તંત્રની બેદરકારીને ઉજાગર કરતી અત્યંત ગંભીર તસવીર સામે આવી છે. સુરતના બમરોલી વિસ્તારમાં આવેલી આંગણવાડી નંબર 97 ની હાલત બેહદ દયનીય બની ચૂકી છે. આ આંગણવાડી કોઈપણ પ્રકારની યોગ્ય સગવડ વગર માત્ર કાગળ પર ચાલી રહી હોય તેમ છેલ્લા 10 વર્ષથી એક ભાડાના મકાનમાં સંચાલિત થઈ રહી છે. મકાન પૂરતું ન હોવાને કારણે નાના માસૂમ બાળકો મકાનના ઓટલા પર બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે, જે તંત્ર માટે લાલબત્તી સમાન છે.
વોશરૂમ, અભ્યાસ સામગ્રી અને સુરક્ષાનો અભાવ
આ આંગણવાડીમાં બાળકો માટે પાયાની સુવિધાઓ જેવી કે સ્વચ્છ પીવાનું પાણી, શૌચાલય (વોશરૂમ), પૂરતી અભ્યાસ સામગ્રી અને રમતગમતના સાધનોનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે. બાળકોની સુરક્ષાને લઈને પણ કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. સ્થાનિક વાલીઓ અને કાર્યકરો દ્વારા આ અંગે મહાનગરપાલિકામાં અસંખ્ય વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ જ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે ગરીબ પરિવારોનાં સંતાનોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય સામે મોટું જોખમ ઉભું થયું છે.
કરોડોના બજેટ વચ્ચે આંગણવાડીની અવગણના
સુરત મહાનગરપાલિકા દ્વારા વિકાસના મોટા-મોટા દાવા કરવામાં આવે છે અને કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ બીજી બાજુ પાયાના સ્તરે ચાલતી આંગણવાડીઓ માટે ભંડોળ ન હોવાનું બહાનું ધરીને અધિકારીઓ જવાબદારીમાંથી છટકી રહ્યા છે. દેશની સૌથી ધનિક મનપામાં ગણાતી સુરત મનપા જો બાળકોના શિક્ષણ અને પોષણ માટે યોગ્ય મકાન કે સુવિધાઓ ન ફાળવી શકતી હોય તો તે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે. આગામી સમયમાં આ મુદ્દે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જાગૃત નાગરિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો : Ahmedabad News : હોટલની આડમાં ચાલતું ગેરકાયદે કાળું નેટવર્ક બેનકાબ, બાંગ્લાદેશી અને પશ્ચિમ બંગાળની મહિલાઓ પકડાઈ
