મોરબીના રવાપર રોડ પર આવેલી અનુપમ સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલી બ્રેઝા કારમાં બે અજાણ્યા શખ્સોએ આગ લગાવી હતી. કારમાં 30 હજાર રૂપિયાનું નુકસાન થયું છે. ફરિયાદ બાદ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. નાના દહીસરા ગામના મૂળ રહેવાસી અને હાલ અનુપમ સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ પ્રાગજીભાઈ બોપલિયા (43)એ ફરિયાદ નોંધાવી છે. તેઓ બહુચર કૃપા અક્ષરધામ એપાર્ટમેન્ટની બાજુમાં રહે છે. ફરિયાદ મુજબ, ભાવેશભાઈએ ઘર પાસે પોતાની બ્રેઝા સીએનજી કાર પાર્ક કરી હતી. કારનો નંબર જીજે 36 એ 5212 છે. 28 ઓક્ટોબરે રાત્રે આશરે દોઢ વાગ્યે બે અજાણ્યા શખ્સોએ જ્વલનશીલ પદાર્થ છાંટીને કારને આગ લગાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી છે. કારને આગ લગાવવાનું કારણ અને આરોપીઓ કોણ છે તે હજુ જાણવા મળ્યું નથી. આ જ દિવસે સાંજે પોણા પાંચ વાગ્યે મોરબીના વાઘપરા વિસ્તારમાં મહિલા વકીલની કારને પણ આગ લગાવવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે પાડોશમાં રહેતા એક શખ્સે કાર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવી હતી. કારનું સેન્સર વાગતાં આ વાત સામે આવી હતી. પોલીસે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મોરબીમાં બે અજાણ્યાએ બ્રેઝા કાર સળગાવી:અનુપમ સોસાયટીમાં 30 હજારનું નુકસાન; ફરિયાદ બાદ આરોપીઓની શોધખોળ
📅 Published: October 30, 2026 |
📂 Category: gujarati-news
