વડોદરા મનપાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો સામે જ વિરોધ કરીને ટાઈમલાઈનમાં આવેલા ‘માસ્કમેન’ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગણપતિના ફાળાના નામે શરૂ થયેલી માથાકૂટે હવે રૂ.50 લાખની ખંડણીના આક્ષેપ સાથે ગંભીર વળાંક લીધો છે. ફાળો આપવાનો ઇનકાર કરતાં વેપારીને અગાઉ સાગરીતો સાથે મળી માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ વેપારી અને તેના ભાજપ કોર્પોરેટર મિત્રનો વીડિયો હોવાનો દાવો કરી તેને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપી હતી. આ વીડિયો વાઇરલ નહીં કરવા રૂ.50 લાખની માગણી કરી રૂ.25 હજાર ટોકન પેટે વસૂલ્યા હોવાનો આક્ષેપ થયો છે. એટલું જ નહીં, વેપારીના પરિવારની કુંડળી પોતાની પાસે હોવાની અને ઘરની બહાર નીકળી ન શકો તેવી હાલત કરવાની ધમકી પણ આપી હતી. ગણપતિનો ફાળો માગી આરોપીએ ધમકી આપી હતી
વાસણા-ભાયલી રોડ પર જલ્યાન બંગ્લોઝમાં રહેતા અને જૂના પાદરા રોડ પર સેલ્સ કોર્નર નામે ઇલેક્ટ્રોનિક્સનો વેપાર કરતા 30 વર્ષીય વિશેષ ઠક્કરે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગણપતિ સ્થાપનાના થોડા સમય પહેલાં કોફીન કેફે પાસે બેઠા હતા, ત્યારે શ્રેય પટેલ ત્રણ-ચાર માણસો સાથે આવ્યો હતો. તેણે ગણપતિના ફાળાની માગણી કરતાં વિશેષે અન્ય જગ્યાએ ફાળો આપ્યો હોવાનું જણાવી ઇનકાર કર્યો હતો. ઉશ્કેરાયેલા શ્રેયે મોંઘી ગાડીઓમાં ફરે છે અને તારા પિતાએ ઘણા રૂપિયા બનાવ્યા છે, તારે ફાળો આપવો જ પડશે, નહીં તો જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. ઘરે જઈ મારામારી કરી, બન્ને પક્ષે સમાધાન કર્યું હતુ
ત્યારબાદ રાત્રિના ત્રણથી ચાર વાગ્યાની આસપાસ વિશેષ ઘરે પહોંચ્યો ત્યારે શ્રેય પટેલ ત્રણ સાગરીતો સાથે ત્યાં આવ્યો હતો. ફાળો આપવાની ના પાડવાની વાતને લઈને તેને ટપલીઓ મારી ફેટ પકડી હતી અને ડંડાથી માર માર્યો હતો. વચ્ચે પડેલા મિત્ર સ્મિત પટેલ (ભાજપના કોર્પોરેટર) અને દેવ દોષી સાથે પણ મારામારી કરવામાં આવી હતી. જોકે, પોલીસ પહોંચતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી ખંડણી માગી
ત્યારબાદ શ્રેયે કોર્પોરેટર સ્મિત પટેલને વોટ્સએપ કોલ કરીને મળવા બોલાવ્યો હતો. કેફેમાં મુલાકાત દરમિયાન પોતાની પાસે વિશેષ અને સ્મિતનો વીડિયો હોવાનું જણાવી તેને વાઇરલ કરવા માટે રૂ.80 લાખની ઓફર મળી હોવાનું કહ્યું હતું. જો કે, રૂ.50 લાખ આપવામાં આવે તો વીડિયો વાઇરલ નહીં કરવાની વાત કરી હતી. ત્યારબાદ વારંવાર ફોન કરી ટોકન પેટે રકમ આપવાનું દબાણ કર્યું હતું. અંતે વિશેષ ઠક્કરે ઇસ્કોન મંદિર પાસે સ્મિત પાસેથી રૂ.25 હજાર રોકડા લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. રાજકીય કારકિર્દી ખતમ કરવાની ધમકી આપી, ફરિયાદ દાખલ
19 ઓક્ટોબરે વિશેષ અને વોર્ડ નંબર 12ના ભાજપના કોર્પોરેટર સ્મિત પટેલે શ્રેયને મળીને 50 લાખ રૂપિયા આપી શકે તેમ ન હોવાનું જણાવ્યું હતું. ત્યારે શ્રેય પટેલે બંનેને બદનામ કરી નાખવાની, પરિવારની કુંડળી પોતાની પાસે હોવાની અને ઘરની બહાર પણ નીકળી ન શકો તેવી હાલત કરવાની ધમકી આપી હતી. સ્મિત પટેલની રાજકીય કારકિર્દી ખતમ કરી નાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. વીડિયો વાઇરલ થવાના અને જાનનું જોખમ ઊભું થવાના ભયથી વિશેષ ઠક્કરે રેકોર્ડિંગ તથા સ્ક્રીનશોટ સહિતના પુરાવા સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગોત્રી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. ચૂંટણી સમયે રાજકીય પક્ષોની ઊંઘ હરામ કરી ટાઈમલાઇનમાં આવ્યો હતો
એક સમયે વડોદરામાં ‘માસ્કમેન’ નામથી જાણીતો એક રહસ્યમય વિરોધ પ્રદર્શન વિવાદનો વિષય બન્યો હતો. એક અજ્ઞાત શખ્સ ચહેરા પર માસ્ક પહેરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં અને ચૂંટણી વોર્ડ વિસ્તારોમાં રાત્રિના સમયે રાજકીય નેતાઓ, ખાસ કરીને ભાજપના સ્થાનિક ઉમેદવારો અને પદાધિકારીઓ વિરુદ્ધના વિરોધત્મક પોસ્ટરો ચોંટાડતો જોવા મળ્યો હતો. આ પોસ્ટરો પર “રીલ્સ છોડો, રિયલમાં આવો” અને “Gen-Zની માગ” જેવા મુદ્દાઓ સાથે ઉમેદવારોના ફોટા પર ક્રોસ માર્ક્સ લગાવવામાં આવ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થયો હતો. રોડ-રસ્તા સહિતના લોકોના પ્રશ્નો ઉઠાવ્યા હતા
આ માસ્કમેને સ્થાનિક તંત્રના ખાડા, રસ્તાના પ્રશ્નો, ટ્રાફિક અને હેલમેટના નિયમો તેમજ રાજકારણીઓની નિષ્ક્રિયતા સામે પ્રજાનો આક્રોશ વ્યક્ત કરવાનો દાવો કર્યો હતો. આ ઘટના બાદ સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો હતો અને ભાજપના નેતાઓમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. પોસ્ટર વિવાદ વકરતાં આ રહસ્યમય વ્યક્તિ કોણ છે અને તેની પાછળ કઈ રાજકીય કે સામાજિક માનસિકતા કામ કરી રહી છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી, જ્યારે સોશિયલ મીડિયા પર પણ આ માસ્કમેન અને તેના પ્રતિકાત્મક વિરોધની ચર્ચાનો દોર જામ્યો હતો.
પાલિકાની ચૂંટણીમાં વિવાદમાં આવેલા 'માસ્કમેન' સામે FIR:વેપારીને ₹50 લાખની ખંડણી માટે ધમકી આપી, ભાજપ કોર્પોરેટરની કારકિર્દી ખતમ કરવા બ્લેકમેઇલ કર્યા
📅 Published: October 30, 2026 |
📂 Category: gujarati-news
