ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની રોમાંચક T20 શ્રેણી હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ઓકલેન્ડના ઐતિહાસિક ઇડન પાર્ક મેદાન પર રમાઈ રહેલી ચોથી T20 મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ મેચમાં ટોસ કરતાં પણ વધુ ચર્ચા ભારતની પ્લેઇંગ-11ને લઈને થઈ રહી છે. ગત મેચમાં શાનદાર બેટિંગ કરનાર યુવા સનસનાટી વૈભવ સૂર્યવંશીને માત્ર બે મેચ બાદ જ પ્લેઇંગ-11માંથી બહાર કરી દેવામાં આવતા ક્રિકેટ ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
વૈભવ સૂર્યવંશી સાથે અન્યાય કે ટીમની મજબૂરી?
શ્રેણીની પ્રથમ મેચમાં વૈભવને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું નહોતું. પરંતુ ઈશાન કિશન ઈજાગ્રસ્ત થતાં તેના માટે નસીબના દ્વાર ખુલ્યા હતા. બીજી T20માં ત્રીજા ક્રમે બેટિંગ કરતા વૈભવ માત્ર 4 રન બનાવી શક્યો હતો, પરંતુ ત્રીજી T20 મેચમાં ઓપનિંગ કરતા તેણે મેદાન પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. વૈભવે માત્ર 19 બોલમાં 45 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને પોતાની પ્રતિભા સાબિત કરી હતી.આટલા શાનદાર પ્રદર્શન છતાં ચોથી T20માં તેને બહાર બેસવું પડ્યું છે, જેનું મુખ્ય કારણ સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનની વાપસી છે. ઈશાન હવે સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે અને તેના આવવાથી ઓપનિંગ જોડી અને મિડલ ઓર્ડરને મજબૂત કરવા માટે વૈભવનું પત્તું કાપવું પડ્યું છે.
ભુવનેશ્વર કુમારને પણ અપાયો આરામ
ભારતીય ટીમમાં માત્ર બેટિંગ લાઇન-અપ જ નહીં, પરંતુ બોલિંગમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. અનુભવી સ્વિંગ માસ્ટર ભુવનેશ્વર કુમારને પણ ચોથી T20ની પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું નથી. લગભગ ચાર વર્ષ બાદ ટીમમાં કમબેક કરનાર ભુવનેશ્વર અગાઉની ત્રણેય મેચમાં કંઈ ખાસ કમાલ કરી શક્યો નહોતો અને ઘણો મોંઘો સાબિત થયો હતો. હવે તેને આરામ અપાયો છે કે ડ્રોપ કરાયો છે, તે અંગે સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.
બંને દેશોની પ્લેઇંગ-11 (Playing XI)
ભારતીય પ્લેઇંગ-11:
અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મયંક યાદવ અને પ્રિન્સ યાદવ.
ન્યૂઝીલેન્ડ પ્લેઇંગ-11:
ફિન એલન, ટિમ સેફર્ટ, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવન જેકોબ્સ, માઇકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નેથન સ્મિથ, એડમ મિલ્ને, જેકબ ડફી અને મેટ ફિશર.
આ પણ વાંચો – Ind vs NZ 4th T20I LIVE : ટીમ ઈન્ડિયાએ જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશી અને ભુવનેશ્વર કુમાર બહાર
