લોક સંવાદમાં હોબાળો થતાં અધિકારીઓએ ચાલતી પકડી:ધ્રાંગધ્રાના હરીપરમાં GIDC સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ; ફળદ્રુપ ખેતીની જમીન બચાવવા આક્રોશ

📅 Published: October 30, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામે આજે GIDC વિભાગ દ્વારા લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, કાર્યક્રમ શરૂ થતાં જ ગામના લોકોએ એકજૂથ થઈને GIDCના આયોજન સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. ઉગ્ર સૂત્રોચ્ચાર અને અફરાતફરી વચ્ચે સ્થિતિ વણસતાં GIDCના અધિકારીઓ લોક સંવાદ અધૂરો છોડીને સ્થળ પરથી જતા રહ્યા હતા. જમીન અને પર્યાવરણના રક્ષણનો આક્ષેપ
હરીપર ગામના લોકોનો મુખ્ય આક્ષેપ છે કે આ વિસ્તારમાં GIDC સ્થપાશે તો તેમની ફળદ્રુપ ખેતીની જમીન છીનવાઈ જશે. આ ઉપરાંત ઉદ્યોગોના કારણે પર્યાવરણને પણ વ્યાપક નુકસાન થશે. ગ્રામજનોએ વિકાસના નામે ગામને બરબાદ નહીં કરવા દેવાની ચીમકી આપી હતી. આ ભારે નારાજગી અને આક્રોશના કારણે તંત્ર દ્વારા યોજાયેલો આખો લોક સંવાદ કાર્યક્રમ નિષ્ફળ ગયો હતો.
અધિકારીઓની હાજરી વચ્ચે વણસેલી સ્થિતિ
હરીપર ગામે યોજાયેલા આ લોક સંવાદ સ્થળ પર મામલતદાર અને પોલીસ કાફલા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. તેમ છતાં ગ્રામજનો અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. વિરોધ વધતાં જ અધિકારીઓએ ચાલતી પકડવાની ફરજ પડી હતી. આ ઘટનાથી GIDCની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે અને હવે તંત્ર ગ્રામજનોની માંગણી સાંભળે છે કે કેમ તે જોવું રહ્યું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *