અમેરિકાએ માહિતી લીક કરવા બદલ લેફ્ટનન્ટ જનરલને હટાવ્યા:ઈરાન અને યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલા ગુપ્ત દસ્તાવેજો પત્રકારોને આપ્યા; તપાસ દરમિયાન ગુનો કબૂલ્યો

📅 Published: October 30, 2026 | 📂 Category: International

અમેરિકી સેનાના લેફ્ટનન્ટ જનરલ બ્રેટ સિલ્વિયાને પદ પરથી હટાવવાનું કારણ સામે આવ્યું છે. એક્સિયોસના અહેવાલ મુજબ, સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે તેમને પત્રકારોને ગુપ્ત માહિતી લીક કરવાના આરોપમાં હટાવ્યા હતા. આ મામલો રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈરાન યુદ્ધ સાથે જોડાયેલો છે. સિલ્વિયાએ તપાસ દરમિયાન પત્રકારોને ગુપ્ત માહિતી આપવાની વાત સ્વીકારી હતી. સિલ્વિયાને 28 ઓક્ટોબરે પદ પરથી હટાવવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ, જૂન 2025થી લગભગ એક વર્ષ સુધી તેમણે બે અલગ-અલગ મીડિયા સંસ્થાઓના પત્રકારોના સંપર્કમાં રહીને તેમને ગુપ્ત માહિતી આપી હતી. બંને મીડિયા સંસ્થાઓનાં નામ હજુ જાહેર કરવામાં આવ્યાં નથી. લીક થયેલી માહિતીની સંપૂર્ણ વિગતો સામે આવી નથી. અત્યાર સુધીની તપાસ સાથે જોડાયેલા અહેવાલોમાંથી 4 મહત્વપૂર્ણ બાબતો સામે આવી છે: 1. યુક્રેનને અમેરિકી સૈન્ય સહાયની માહિતી આપી: સિલ્વિયાએ એક પત્રકારને ગોપનીય સૈન્ય અહેવાલમાં નોંધાયેલી અમેરિકા તરફથી યુક્રેનને આપવામાં આવી રહેલી સહાયની માહિતી જણાવી હતી. આ માટે તેમણે અહેવાલ વાંચતી વખતે બનાવેલી નોંધોનો ઉપયોગ કર્યો હતો. તેમણે પત્રકારને આ વાતો લેખિત દસ્તાવેજો આપવાને બદલે રૂબરૂ મુલાકાતમાં જણાવી હતી. જોકે, હથિયારોનાં નામ, તેમની સંખ્યા અને પુરવઠા સાથે જોડાયેલી માહિતી જાહેર થઈ નથી. 2. ઈરાન સાથે જોડાયેલા મેસેજની તપાસ: તપાસમાં એક પત્રકાર સાથે સિગ્નલ એપ પર થયેલી વાતચીત પણ સામે આવી. સિલ્વિયાને જૂન અથવા જુલાઈ 2026માં પત્રકારનો એક મેસેજ મળ્યો હતો. તેમણે તપાસ અધિકારીઓને જણાવ્યું કે તેમને લાગ્યું હતું કે આ મેસેજ ઈરાન સાથે જોડાયેલો છે. તેમણે કહ્યું કે તેમને વાતચીતની ચોક્કસ વિગતો યાદ નથી અને મેસેજ હટાવતી વખતે ભૂલથી આખી ચેટ પણ ડિલીટ થઈ ગઈ હતી. અમેરિકન અધિકારીઓને શંકા છે કે તેમણે જાણીજોઈને વાતચીત ડિલીટ કરી હતી. જોકે, મેસેજમાં કઈ માહિતી હતી, તેનો ખુલાસો થયો નથી. 3. યુક્રેન યુદ્ધ પર પુસ્તક લખી રહેલા પત્રકાર સાથે બે વાર મળ્યા: સિલ્વિયા બે અલગ-અલગ મીડિયા સંસ્થાઓના પત્રકારોના સંપર્કમાં હતા. તેમાંથી એક પત્રકાર યુક્રેન યુદ્ધ પર પુસ્તક લખી રહ્યો હતો. સિલ્વિયા તેની સાથે બે વાર મળ્યા હતા. 4. સિગ્નલ એપ પર વાતચીત અને બહાર મુલાકાત: સિલ્વિયા પત્રકારોના સંપર્કમાં રહેવા માટે સિગ્નલ એપનો ઉપયોગ કરતા હતા. એક પત્રકારની પેન્ટાગોનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયા બાદ તેમણે તેની સાથે વર્જિનિયાના સિલ્વર ડાઇનર રેસ્ટોરાંમાં મુલાકાત કરી હતી. પોલીગ્રાફ ટેસ્ટમાં 4 વખત નિષ્ફળ ગયા, પછી માહિતી આપવાની વાત સ્વીકારી એક અમેરિકન અધિકારીના જણાવ્યા મુજબ, સિલ્વિયા ચાર વખત પોલીગ્રાફ એટલે કે જૂઠાણું પકડતી પરીક્ષામાં નિષ્ફળ ગયા હતા. ત્યારબાદ તેમણે વીડિયો રેકોર્ડિંગમાં પત્રકારોને ગુપ્ત માહિતી આપવાની વાત સ્વીકારી. પોલીગ્રાફ ટેસ્ટમાં વ્યક્તિ જૂઠું બોલે છે કે નહીં તે જાણવા માટે તેના શ્વાસ, હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર જેવા ફેરફારો માપવામાં આવે છે. તપાસ દરમિયાન તેમણે પોતાનો અંગત ફોન પણ અધિકારીઓને આપ્યો, જેથી પત્રકારો સાથે થયેલી વાતચીતની તપાસ કરી શકાય. જોકે, પોલીગ્રાફ ટેસ્ટને કોઈ વ્યક્તિ જૂઠું બોલે છે તેનો નિર્ણાયક પુરાવો માનવામાં આવતો નથી. ઈરાન યુદ્ધ દરમિયાન હથિયારોની અછતના અહેવાલો પણ આવ્યા સિલ્વિયાનો મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે ઈરાન યુદ્ધમાં અમેરિકી હથિયારોના ભંડાર અને સૈન્ય તૈયારીઓને લઈને પણ અનેક માહિતી મીડિયા સમક્ષ આવી હતી. વૉશિંગ્ટન પોસ્ટ અનુસાર, આ અહેવાલો બાદ સેનાના અનેક અધિકારીઓની પોલીગ્રાફ તપાસ કરાવવામાં આવી હતી. રોયટર્સે 28 ઑક્ટોબરે અમેરિકી સેનાના આંતરિક મૂલ્યાંકનને ટાંકીને જણાવ્યું હતું કે ઈરાન યુદ્ધમાં ઉપયોગમાં લેવાયેલા હથિયારોનો ભંડાર ફરી ભરવા માટે આશરે 29 અબજ ડૉલરનો ખર્ચ થઈ શકે છે. યુદ્ધ પર અમેરિકાનો કુલ ખર્ચ 47 અબજ ડૉલરથી વધુ હોવાનું જણાવાયું હતું. તેમાં હથિયારોની ભરપાઈ, સૈન્ય અભિયાન અને સાધનોને થયેલા નુકસાનનો ખર્ચ સામેલ છે. પેન્ટાગોને લીક રોકવા માટે તપાસ ટીમ બનાવી ગોપનીય માહિતી મીડિયા સુધી પહોંચાડનારા અધિકારીઓની ઓળખ કરવા માટે પેન્ટાગોને જુલાઈ 2026માં અમેરિકી ન્યાય વિભાગ સાથે મળીને એક તપાસ ટીમ બનાવી હતી. રક્ષામંત્રી પીટ હેગસેથે લીક કરનારાઓની ઓળખ કરવા અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે વધારાના સંસાધનો અને કર્મચારીઓ તહેનાત કરવાની જાહેરાત કરી હતી. આ પહેલાં પેન્ટાગોને સંરક્ષણ બાબતોના અહેવાલ આપતા પત્રકારો માટે પ્રવેશ અને રિપોર્ટિંગ સંબંધિત નિયમો કડક કર્યા હતા. તેના વિરોધમાં અનેક પત્રકારો અને મીડિયા સંસ્થાઓએ પોતાના પ્રેસ પાસ પરત કરી દીધા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *