બાંગ્લાદેશમાં શેખ હસીનાના ભારત ભાગી જવાનો વીડિયો બનાવનાર એરફોર્સ અધિકારી કે.એમ. તૌસીફ સૌરીનો મૃતદેહ 28 ઓક્ટોબરે ઢાકાની તુરાગ નદીમાંથી મળ્યો હતો. તેમના પર ભારતની ગુપ્તચર એજન્સી RAW સાથે જોડાયેલા હોવાનો આરોપ લાગ્યો હતો. બાંગ્લાદેશના અખબાર અમર દેશે આરોપ લગાવ્યો હતો કે એરફોર્સની તપાસમાં કેટલાક અધિકારીઓના RAW સાથેના સંબંધો સામે આવ્યા છે. જોકે, બાંગ્લાદેશના સૈન્ય જનસંપર્ક નિર્દેશાલયે આ આરોપોને ફગાવી દીધા હતા. ખિસ્સામાંથી મળેલા આઇફોનથી ઓળખ થઈ બાંગ્લાદેશી અખબાર ધ ડેઇલી સ્ટાર અનુસાર, અધિકારીનો મૃતદેહ રાજાબાડી ઘાટ પાસે મળ્યો હતો. સૌરીએ સફેદ પેન્ટ અને કાળો શર્ટ પહેર્યું હતું. શરૂઆતમાં પોલીસ મૃતદેહની ઓળખ કરી શકી નહોતી. તેમના ખિસ્સામાંથી મળેલા આઇફોનની મદદથી ઓળખ થઈ. મૃતદેહ સાથે એક કાંડા ઘડિયાળ પણ મળી આવી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઢાકાની શહીદ સુહરાવર્દી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો. હસીનાનો વીડિયો સામે આવ્યા બાદ નોકરી ગઈ 5 ઑગસ્ટ 2024ના રોજ બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીનાની સરકાર પડી ગઈ હતી. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા ભારત આવી ગયાં હતાં. દેશ છોડવાનો તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાના થોડા દિવસો બાદ સપ્ટેમ્બર 2024માં સૌરીને એરફોર્સમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમના પિતાના જણાવ્યા અનુસાર, પરિવારને કહેવામાં આવ્યું હતું કે તેમને શિસ્ત સંબંધિત કારણોસર હટાવવામાં આવ્યા છે. જોકે, પરિવારનું કહેવું હતું કે સૌરીનો રેકોર્ડ સારો હતો અને તેઓ લગભગ 200 કલાક વિમાન ઉડાવી ચૂક્યા હતા. એરફોર્સે પણ કહ્યું હતું કે તેમને હટાવવાનો હસીનાના વીડિયો સાથે કોઈ સંબંધ નહોતો. નિયમો હેઠળ તેમને સેવામાંથી નિવૃત્ત કરવામાં આવ્યા હતા. પોડકાસ્ટમાં કહ્યું હતું—RAW સંબંધિત રિપોર્ટ પ્રોપેગેન્ડા હતો જુલાઈ 2026માં સૌરી ‘સ્પીક વિથ રાશિદ’ નામના પોડકાસ્ટમાં જોડાયા હતા. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું હસીનાનો વીડિયો બનાવવાને કારણે તેમની નોકરી ગઈ હતી? તેના પર તેમણે કહ્યું હતું, ‘હોઈ શકે.’ RAW સાથેના સંબંધોના આરોપો અંગે તેમણે કહ્યું હતું કે અમર દેશનો અહેવાલ પ્રોપેગેન્ડા હતો. તેમના અનુસાર, અહેવાલ દ્વારા તેમના વિરુદ્ધ ખોટી વાતો ફેલાવવામાં આવી હતી. આ જ પોડકાસ્ટમાં સૌરીએ 21 જુલાઈ 2025ના રોજ થયેલા ફાઇટર જેટ અકસ્માતની તપાસ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. બાંગ્લાદેશ એરફોર્સનું એક તાલીમ વિમાન ઢાકાની મિલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજમાં તૂટી પડ્યું હતું. અકસ્મતમાં 37 લોકોનાં મોત થયાં હતાં અને 170થી વધુ લોકો ઘાયલ થયા હતા. સૌરીએ વિમાનની જાળવણી અને અકસ્માતની તપાસ પર સવાલ ઉઠાવ્યા હતા. પિતા બોલ્યા- દીકરો પોતાની સુરક્ષાને લઈને ડરતો હતો સૌરીના પિતા ઇનાયતુલ કરીમ હેલાલે જણાવ્યું કે પોડકાસ્ટ વાયરલ થયા બાદ તેમનો દીકરો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત રહેવા લાગ્યો હતો. તેમણે કહ્યું કે સૌરી ક્યારેક ડર લાગતો હોવાની વાત કરતા હતા, પરંતુ તેનું કારણ જણાવતા નહોતા. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, સૌરીના પિતા અને પિતરાઈ બહેને તેમની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે, હજુ સુધી તેમના મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જ જાણવા મળશે કે તેમનું મૃત્યુ કેવી રીતે થયું.
પૂર્વ બાંગ્લાદેશી અધિકારી પર RAWનો જાસૂસ હોવાની શંકા:એક દિવસ પહેલા મૃતદેહ મળ્યો; હસીનાના ભાગી જવાનો વીડિયો બનાવ્યા બાદ નોકરીમાંથી કાઢી મૂકાયો
📅 Published: October 30, 2026 |
📂 Category: International
