વડોદરા શહેરના છાણી કેનાલ વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને વિવાદિત ઘટના સામે આવી છે. કેનાલના વહેતા પાણીમાં અચાનક જ એક માતા અને તેની માસૂમ પુત્રી તણાઈ ગયા હતા. આ દુર્ઘટના બનતા જ આસપાસના જાગૃત સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બંનેને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.
CPR આપતા શ્વાસ ચાલતા હોવાનો સ્થાનિકોનો દાવો
માતા અને પુત્રીને બહાર કાઢ્યા બાદ તુરંત જ સ્થાનિક યુવાનો દ્વારા તેમને પ્રાથમિક સારવાર રૂપે સીપીઆર (CPR) આપવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોનો દાવો છે કે સીપીઆર આપ્યા બાદ બંનેના શ્વાસ ચાલતા હોય અને તેઓ જીવિત હોવાનો અહેસાસ થતો હતો. આ સ્થિતિ જોઈને સ્થાનિકોએ સમય બગાડ્યા વગર પોતાના ખાનગી વાહનમાં કે રીક્ષામાં તરત જ હોસ્પિટલ ખસેડવાની તૈયારી બતાવી હતી.
પોલીસ પર એમ્બ્યુલન્સનો આગ્રહ રાખવાનો અને વિલંબ કરવાનો ગંભીર આરોપ
ઘટનાસ્થળે હાજર રહેલા લોકો અને પોલીસ વચ્ચે આ બાબતે ઉગ્ર બોલાચાલી અને વિવાદ સર્જાયો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેઓ પોતાના વાહનમાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માંગતા હતા, ત્યારે પોલીસકર્મીઓએ ખાનગી વાહનને બદલે સરકારી એમ્બ્યુલન્સ આવવાની રાહ જોવાનો અને તેનો જ આગ્રહ રાખ્યો હતો. એમ્બ્યુલન્સ આવવામાં મોડું થવાના કારણે અને સમયસર યોગ્ય સારવાર ન મળવાથી માતા-પુત્રીના મોત નીપજ્યા હોવાના ગંભીર આરોપો લોકો દ્વારા પોલીસ પર લગાવવામાં આવ્યા છે.
