સુરતમાં ડેન્ગ્યુ-તાવનો ભરડો:કઠોરમાં બુલેટ ટ્રેન સાઇટના શ્રમિક અને પાંડેસરામાં 9 મહિનાની બાળકીનું મોત

📅 Published: October 31, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેરમાં ઋતુજન્ય બીમારી અને ડેન્ગ્યુનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેમાં કઠોર ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર કામ કરતા એક શ્રમિક યુવક અને પાંડેસરા વિસ્તારમાં 9 મહિનાની માસૂમ બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બંને બનાવોમાં દર્દીઓને તાવ અને ઉલટીની ગંભીર તકલીફ બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવને પગલે પરિવારોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. કઠોરમાં બુલેટ ટ્રેન સાઇટ પર કામ કરતા શ્રમિકનું ડેન્ગ્યુથી મોત
મૂળ રાજસ્થાનના શિખર જિલ્લાના વતની અને હાલ સુરત નજીક પીપોદરા ગામમાં રહેતા 33 વર્ષીય મુકેશકુમાર હરિરામ જાખડ કઠોર ગામ નજીક ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર મજૂરી કામ કરતા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ તાવ અને ઉલટીની તકલીફથી પીડાતા હતા. સ્થાનિક ખાનગી દવાખાનામાં લેબ ટેસ્ટ કરાવતાં તેમને ડેન્ગ્યુ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન ગઈકાલે સવારે તેઓ નોકરી પર ગયા હતા, જ્યાં અચાનક તબિયત વધુ લથડતાં સાથી કર્મચારીઓ તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પાંડેસરામાં 9 મહિનાની બાળકીએ નવી સિવિલમાં દમ તોડ્યો
બીજા કરુણ બનાવમાં, પાંડેસરા વિસ્તારમાં આવેલા તૃપ્તિનગરમાં રહેતા રિક્ષાચાલક અનિલ યાદવની 9 મહિનાની પુત્રી પલ્લવી છેલ્લા 4 દિવસથી તીવ્ર તાવથી પીડાતી હતી. બપોરના સમયે પરિવારજનો બાળકીને પાણી પીવડાવી રહ્યા હતા ત્યારે તેને અચાનક ઉલટી થઈ હતી અને તબિયત અત્યંત નાજુક બની ગઈ હતી. પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકીને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી, પરંતુ ફરજ પરના તબીબોએ તપાસ બાદ બાળકીને મૃત જાહેર કરી હતી. ઘટના અંગે હોસ્પિટલ ચોકી દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *