ડાયમંડ બુર્સ અને ડ્રીમ સિટી પ્રોજેક્ટના કારણે વૈશ્વિક ફલક પર ચમકી રહેલા સુરતના ખજોદ વિસ્તારમાં વર્ષો જૂની ઘન કચરા (સોલિડ વેસ્ટ) ના નિકાલની ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સુરત મહાનગરપાલિકા (SMC) એ કમર કસી છે. તંત્ર દ્વારા ખજોદ ડમ્પિંગ સાઈટ પર કચરાના પ્રોસેસિંગ અને વૈજ્ઞાનિક નિકાલ માટે એક નવો વ્યાપક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. મનપાના અંદાજ મુજબ વર્ષ 2027 ના અંત સુધીમાં આ કચરાની સમસ્યાનો સંપૂર્ણ અને કાયમી અંત આવી જશે. બીજી તરફ, કચરાના પ્રોસેસિંગમાં ઘોર બેદરકારી દાખવનારી અને નિયમોનું ઉલ્લંઘન કરનારી સીડી ટ્રાન્સપોર્ટ એજન્સી સામે મનપાએ આકરું વલણ અપનાવી તેના નાણાકીય બિલો અટકાવી દીધા છે અને તેને કાયમી બ્લેકલિસ્ટ કરવાની કવાયત તેજ કરી છે.
સીડી ટ્રાન્સપોર્ટ એજન્સી સામે કડક તવાઈ
ખજોદ ખાતે ઘન કચરાના પ્રોસેસિંગનું કામ સંભાળતી સીડી ટ્રાન્સપોર્ટ એજન્સીનો કરાર નવેમ્બર 2026 માં પૂર્ણ થઈ રહ્યો છે. નવા કોન્ટ્રાક્ટની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આ એજન્સીને વધુમાં વધુ 2 થી 3 મહિનાની જ મુદત લંબાવી આપવામાં આવશે, તે સિવાય કોઈ છૂટછાટ નહીં મળે. એજન્સી દ્વારા નિર્ધારિત ક્ષમતા મુજબ કચરાનું સમયસર પ્રોસેસિંગ ન કરવા તેમજ કરારની અન્ય મહત્વપૂર્ણ શરતોનો ભંગ કરવા બદલ મનપા દ્વારા તેના રજૂ કરાયેલા બિલોની ચૂકવણી અટકાવી દેવામાં આવી છે. જાહેર હિત અને પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ સીડી ટ્રાન્સપોર્ટને બ્લેકલિસ્ટ કરી ભવિષ્યના કોઈપણ પ્રોજેક્ટમાંથી બાકાત રાખવા માટેની કાનૂની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.
નવું ગ્લોબલ ટેન્ડર બહાર પડશે
ખજોદ ખાતે દૈનિક ધોરણે એકત્રિત થતા હજારો ટન કચરાના ઝડપી નિકાલ માટે મનપા ટૂંક સમયમાં જ ઘન કચરાના પ્રોસેસિંગ માટેનું અદ્યતન શરતો સાથેનું નવું ટેન્ડર બહાર પાડશે. નવા કોન્ટ્રાક્ટ હેઠળ આધુનિક મશીનરી દ્વારા કચરાનું ખાતર, આરડીએફ (RDF) અને રિસાયક્લિંગમાં રૂપાંતર કરી વર્ષ ૨૦૨૭ ના અંત સુધીમાં ખજોદ સાઇટને સંપૂર્ણ કચરામુક્ત બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.
